Anjali Arora Shares Bold Statement: મહાકાવ્ય પર આધારિત ફિલ્મ 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા'માં માતા સીતાની ભૂમિકા ભજવી રહેલી જાણીતી અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંજલિ અરોરાએ ધર્મ, શ્રદ્ધા અને માનવતા પર મોટું નિવેદન આપ્યું છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભક્તિ અને માનવતા પર કોઈ એક ચોક્કસ ધર્મનો કોપીરાઈટ કે એકાધિકાર નથી. સનાતન ધર્મ અને ધાર્મિક ભાવનાઓની આડમાં અન્યોને નીચા દેખાડવાનો પ્રયાસ કરતા સોશિયલ મીડિયા ટ્રોલર્સને તેણે કડક શબ્દોમાં જવાબ આપ્યો છે.
'કચ્ચા બાદામ' ગર્લને સીતાના રોલ માટે કેમ ટ્રોલ કરવામાં આવી?
અંજલિ અરોરા વાયરલ ડાન્સ સોંગ 'કચ્ચા બાદામ' અને રિયાલિટી શો 'લોક અપ'થી જાણીતી બની હતી. જ્યારે ફિલ્મનું ટ્રેલર અને પોસ્ટર સામે આવ્યું ત્યારે સોશિયલ મીડિયા પર તેને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. નેટિઝન્સે સવાલ ઉઠાવ્યા હતા કે ગ્લેમરસ અને બોલ્ડ કન્ટેન્ટ બનાવતી ઇન્ફ્લુએન્સર માતા સીતાનું પવિત્ર પાત્ર કેવી રીતે ભજવી શકે? આ સિવાય ફિલ્મના નબળા VFX, સ્ક્રીનપ્લે અને કાસ્ટિંગને લઈને પણ ટ્રોલર્સે તેની આકરી ટીકા કરી હતી.
ટ્રોલર્સની બોલતી બંધ કરતા અંજલિનો રોકડિયો જવાબ
પોતાની સામે થઈ રહેલી આકરી ટીકાઓ પર મૌન તોડતા અંજલિએ કહ્યું કે, "હું પબ્લિક ફિગર છું એટલે લોકોને જજ કરવાનો અધિકાર છે, પરંતુ દર્શકોએ મારી પર્સનલ લાઈફ અને સોશિયલ મીડિયા ઈમેજને એકતરફ રાખીને મારા કામને જોવું જોઈએ." તેણે ઉમેર્યું કે ડાન્સ કરવો તેનો શોખ છે અને તેમાં તેને કોઈ શરમ નથી. માત્ર વિધિ-વિધાન કરવાથી કોઈ સાચો ધર્મી નથી બનતું; સાચો ધર્મ વ્યક્તિના આચરણ અને અન્યો સાથેના સારા વ્યવહારમાં દેખાવો જોઈએ.
'મહાકાવ્ય શ્રી રામાયણ કથા' ફિલ્મની વિગતો
આ ધાર્મિક અને પૌરાણિક ફિલ્મનું નિર્દેશન અભિષેક સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અંજલિ અરોરા માતા સીતાના રૂપમાં, દેવ શર્મા ભગવાન શ્રીરામના પાત્રમાં, રજનીશ દુગ્ગલ લંકાપતિ રાવણ તરીકે, શીલ વર્મા લક્ષ્મણ અને નિર્ભય વાધવા હનુમાનજીના રોલમાં જોવા મળે છે. આ ફિલ્મ બિગ સ્ક્રીન પર 25 સપ્ટેમ્બર 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે.
રામાયણના સેટ પર મુસ્લિમ કલાકારોનું અદ્ભુત યોગદાન
અંજલિએ શૂટિંગ દરમિયાનનો એક ખૂબ જ સુંદર અનુભવ શેર કરતા ખુલાસો કર્યો કે આ ફિલ્મ બનાવવામાં અનેક મુસ્લિમ ભાઈઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. સેટ પરના સ્પોટ બોય, લાઈટ ગાર્ડથી લઈને મ્યુઝિક ડિરેક્ટર સુધીના ઘણા સભ્યો મુસ્લિમ હતા, છતાં તેમણે પૂરી નિષ્ઠાથી કામ કર્યું હતું. એટલું જ નહીં, કેટલાક મુસ્લિમ કલાકારોએ તો ભગવાન શ્રીરામના ભક્તિગીતો પણ ગાયા હતા અને સંગીત તૈયાર કર્યું હતું.
માનવતા અને સાચી ભક્તિ જ સૌથી મોટો ધર્મ
પોતાના વક્તવ્યના અંતમાં અંજલિએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિનો ધર્મ તેની કામ કરવાની ક્ષમતા કે ઈશ્વર પ્રત્યેની ભક્તિ નક્કી નથી કરતો. તે પોતે હિન્દુ ધર્મમાં ગાઢ શ્રદ્ધા રાખે છે પરંતુ સામે કોઈ અન્ય ધર્મની વ્યક્તિ હોય તો તેને એક મનુષ્ય તરીકે જ સન્માન આપે છે. આપણા પવિત્ર શાસ્ત્રો આપણને જે એકતા, દયા અને શિસ્ત શીખવે છે તે જ સાચો ધર્મ છે.








