Singer Nitin Mukesh Visits Ambaji: શક્તિ, ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રિ દરમિયાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનો ભારે જમાવડો જોવા મળે છે. આ પાવન અવસરે બોલિવૂડના સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર નીતિન મુકેશે મા અંબાના દરબારમાં શીશ નમાવીને ધન્યતા અનુભવી હતી. મા અંબા પ્રત્યે અગાધ શ્રદ્ધા ધરાવતા નીતિન મુકેશ અવારનવાર માતાજીના આશીર્વાદ લેવા માટે અંબાજી આવે છે. આ વખતે પણ તેમણે નવરાત્રિના ખાસ દિવસોમાં અંબાજી પહોંચીને માતાજીની વિધિવત પૂજા-અર્ચના કરી હતી અને સંપૂર્ણ ભક્તિભાવ સાથે માતાજીની આરાધનામાં લીન થયા હતા.
ચાચર ચોકમાં સુર અને ભક્તિનો અનોખો સંગમ
અંબાજી મંદિરના પવિત્ર ચાચર ચોકમાં જ્યારે નીતિન મુકેશે મા અંબાના ગરબાનું ગાન શરૂ કર્યું, ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. તેમના મધુર અવાજમાં માતાજીના ગરબા સાંભળીને ત્યાં ઉપસ્થિત ખેલૈયાઓ અને માઇભક્તો ભાવવિભોર થઈ ગયા હતા. તેમણે આ સુંદર અને અદ્ભુત ક્ષણોનો વીડિયો પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો દ્વારા તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત સાથે નીતિન મુકેશનો ભાવનાત્મક નાતો
મા અંબા પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતાં નીતિન મુકેશે ભાવુક બનીને જણાવ્યું હતું કે, ગુજરાત સાથે તેમનો ખૂબ જ જૂનો અને ખાસ સબંધ છે. તેમના માતા ગુજરાતી હોવાના કારણે ગુજરાત તેમનું મોસાળ થાય છે. તેમણે ઉમેર્યું કે તેઓ બાળપણથી જ માતાજીના દર્શન કરવા માટે અહીં આવતા રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી (વર્ષ 2006થી) મા અંબાની તેમના પર સતત અવિરત કૃપા વરસતી રહી છે અને માતાજીના આશીર્વાદ હંમેશાં તેમની સાથે રહ્યા છે.
માતાજીના બુલાવા પર અંબાજી આવવાની ઈચ્છા
નીતિન મુકેશે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું કે તેઓ વર્ષની બંને નવરાત્રિમાં મા અંબાના દર્શન કરવાની ઈચ્છા રાખે છે. માતાજી જ્યારે પણ તેમને બોલાવે છે, ત્યારે તેઓ તમામ કામ છોડીને દર્શનાર્થે દોડી આવે છે. મા અંબાની અસીમ કૃપા પોતાના પરિવાર પર જળવાઈ રહે તે માટે તેઓ હંમેશાં પ્રાર્થના કરે છે. તેમના આ ભક્તિભાવે અંબાજી આવેલા તમામ ભક્તોના દિલ જીતી લીધા હતા.








