Amba gujarati movie: ગુજરાતી સિનેમામાં પોતાની આગવી શૈલીથી ઓળખ બનાવનાર વિજયગીરી ફિલ્મોસ અને નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત બહુપ્રતિક્ષિત ફિલ્મ 'અંબા'નું નવું ગીત 'ટિપ્પણી રાસ' રિલીઝ કરવામાં આવ્યું છે. નામશેષ થવાના આરે પહોંચેલી પ્રાચીન લોકનૃત્ય પરંપરા ટિપ્પણી રાસને ફિલ્મના માધ્યમથી મોટા પડદા પર રજૂ કરવાનો પ્રયાસ દિગ્દર્શક વિજયગીરી બાવાએ કર્યો છે. ગીરની સંસ્કૃતિ અને સ્થાનિક પરંપરાઓને ઉજાગર કરતું આ ગીત ગુજરાતી સિનેમામાં એક અનોખો પ્રયોગ બની રહ્યું છે.
ડાન્સ વીડિયો નહીં, પહેલાં લિરિકલ વીડિયો રિલીઝ કરીને સર્જી ઉત્સુકતા
સામાન્ય રીતે ફિલ્મોમાં પહેલાં ગીતનો ડાન્સ વીડિયો અને ત્યારબાદ લિરિકલ વીડિયો રજૂ કરવામાં આવે છે. જોકે, વિજયગીરી ફિલ્મોસે આ વખતે અલગ માર્ગ અપનાવીને 'ટિપ્પણી રાસ'નો લિરિકલ વીડિયો જ રિલીઝ કર્યો છે. તેમાં રીવા રાચ્છ, રિદ્ધિ ડાંગર, ઝંખના સોની પટેલ, ચાર્મી કેલૈયા અને શ્વેતા પટેલ સહિતની કલાકારો જોવા મળે છે. ગીતના લિરિકલ વીડિયોએ ફિલ્મમાં ટિપ્પણી રાસની રજૂઆત કેવી હશે અને કલાકારોનું નૃત્ય કેવું જોવા મળશે તે અંગે દર્શકોમાં ઉત્સુકતા જગાવી છે. પરંપરાગત લોકનૃત્યને ફિલ્મી માધ્યમથી નવી પેઢી સુધી પહોંચાડવાનો આ પ્રયાસ ખાસ ધ્યાન ખેંચે છે.
ગીરની માટી, સ્થાનિક કલાકારો અને સંસ્કૃતિનો સંગમ
ફિલ્મ 'અંબા'માં ગીરની આગવી સંસ્કૃતિ, નેહડાની જીવનશૈલી અને ગીરના સ્થાનિક લોકો તથા સિંહ વચ્ચેના લાગણીસભર સંબંધોને રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મની વાર્તામાં સ્થાનિક જીવન અને પરંપરાઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે. પ્રાચીન ટિપ્પણી રાસને સ્વાભાવિક અને પ્રામાણિક રીતે રજૂ કરવા માટે દિગ્દર્શક વિજયગીરી બાવાએ ગીર પંથકના સ્થાનિક લોકોની પસંદગી કરી હતી. ગીતની કોરિયોગ્રાફીની જવાબદારી વર્ષોથી ટિપ્પણી રાસ સાથે જોડાયેલાં સ્થાનિક કલાકાર કૃપા ડાંગરને સોંપવામાં આવી હતી. આ રીતે ગીતમાં સ્થાનિક કલા અને કલાકારોને સ્થાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કેદાર-ભાર્ગવનું સંગીત, આઠ ગાયિકાઓના સ્વરનો સંગમ
'ટિપ્પણી રાસ'નું સંગીત જાણીતી સંગીતકાર જોડી કેદાર-ભાર્ગવે તૈયાર કર્યું છે, જ્યારે ગીતના શબ્દો ભાર્ગવ પુરોહિતે લખ્યા છે. ગીતને વ્રત્તીની પુરોહિત, લિપિકા નાગ, સ્તુતી કરની, સુરભી, રાધિકા, કાવ્યા, પલક અને અંજલિએ સંયુક્ત રીતે સ્વર આપ્યો છે. સંગીત, લોકપરંપરા અને સ્થાનિક કલાકારોના સંગમથી તૈયાર થયેલું આ ગીત ફિલ્મની સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવે તેવી અપેક્ષા છે.
શું છે પ્રાચીન 'ટિપ્પણી રાસ'નો ઇતિહાસ?
ટિપ્પણી રાસ સૌરાષ્ટ્રના ખાસ કરીને ચોરવાડ અને વેરાવળ વિસ્તાર સાથે જોડાયેલું પરંપરાગત લોકનૃત્ય છે. જૂના સમયમાં બાંધકામ દરમિયાન પાયા કે માળમાં વપરાતા ચૂનાના ગારાને ટીપીને મજબૂત બનાવવા માટે લાકડાની ટિપ્પણીઓનો ઉપયોગ થતો હતો. આ મહેનતભર્યા કામ દરમિયાન શ્રમિકો એકવિધતા દૂર કરવા અને કામમાં ઉત્સાહ જાળવવા સંગીતના તાલે લાકડીઓથી ગારો ટીપતા અને તેની સાથે તાલબદ્ધ હલનચલન કરતા. સમય જતાં આ શ્રમ સાથે જોડાયેલી પરંપરા લોકનૃત્યના સ્વરૂપમાં ઓળખાવા લાગી. આજે ટિપ્પણી રાસ મુખ્યત્વે સાંસ્કૃતિક કાર્યક્રમો અને મંચો પર જોવા મળે છે. આવી પરંપરાને ફિલ્મમાં સ્થાન આપવાથી તેને વધુ વ્યાપક પ્રેક્ષકવર્ગ સુધી પહોંચાડવાની તક મળી શકે છે.
ડિસેમ્બર 2026માં સિનેમાઘરોમાં રિલીઝ થશે 'અંબા'
ફિલ્મ 'અંબા'નું નિર્માણ ભૂમિ નથવાણીએ કર્યું છે, જ્યારે ટ્વિંકલ વિજયગીરી સહ-નિર્માતા છે. ફિલ્મની મૂળ વાર્તા અને દિગ્દર્શન વિજયગીરી બાવાનું છે. જાણીતા લેખક રામ મોરીએ સંવાદો લખ્યા છે, જ્યારે સ્ક્રીનપ્લે વિજયગીરી બાવા અને રામ મોરીએ સંયુક્ત રીતે તૈયાર કર્યો છે. ગીરની સંસ્કૃતિ, સ્થાનિક જીવન અને પરંપરાગત લોકકલાની ઝાંખી કરાવતી આ ફિલ્મ ડિસેમ્બર 2026માં ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. 'ટિપ્પણી રાસ' ગીત દ્વારા ફિલ્મે અત્યારથી જ ગુજરાતી લોકસંસ્કૃતિ અને સિનેમાના રસિકોનું ધ્યાન ખેંચ્યું છે.








