Aishwarya Rai Abhishek Bachchan Viral Video: બોલિવૂડના લોકપ્રિય કપલ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન ફરી એકવાર સાથે જોવા મળતાં ચર્ચામાં આવ્યા છે. 5 નવેમ્બરની રાત્રે મુંબઈમાં જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના નિવાસસ્થાને યોજાયેલી દિવાળી પાર્ટીમાં બંનેએ સાથે હાજરી આપી હતી. ખાસ વાત એ રહી કે ઐશ્વર્યા અને અભિષેક એકબીજાનો હાથ પકડીને પાર્ટીમાં પહોંચ્યા હતા. પાપારાઝી સામે બંનેએ ખુશીથી પોઝ પણ આપ્યા હતા. લાંબા સમયથી તેમના સંબંધોને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લાલ સાડીમાં ઐશ્વર્યાનો શાહી અંદાજ
દિવાળી પાર્ટી માટે ઐશ્વર્યા રાય બચ્ચને લાલ રંગની સુંદર સાડી પહેરી હતી. સાડીની ઝરી બોર્ડર અને સિક્વિન વર્ક તેમના લુકને વધુ આકર્ષક બનાવી રહ્યાં હતાં. લાલ લિપસ્ટિક, સુંદર નેકલેસ અને ખુલ્લા વાળમાં ઐશ્વર્યા શાહી અંદાજમાં જોવા મળી હતી. બીજી તરફ અભિષેક બચ્ચન પણ સ્ટાઇલિશ પરંપરાગત પોશાકમાં નજરે પડ્યા હતા. બંનેની સાથે એન્ટ્રી, એકબીજાનો હાથ પકડીને ચાલવું અને કેમેરા સામે હળવા હાસ્ય સાથે પોઝ આપવાની પળો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
'કજરા રે 2.0' અંગે અભિષેકે શું કહ્યું?
તાજેતરમાં BBC Asian Network સાથેની વાતચીતમાં અભિષેક બચ્ચને ફિલ્મ 'બંટી ઔર બબલી'ના લોકપ્રિય ગીત 'કજરા રે' સાથે જોડાયેલી યાદો શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગીતના શૂટિંગ દરમિયાન તેમનો જન્મદિવસ હોવાથી સેટ પર ખાસ ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન તેમને 'કજરા રે 2.0' બનાવવાની શક્યતા અંગે પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં અભિષેકે ઉત્સાહ દર્શાવ્યો હતો, પરંતુ રમૂજી અંદાજમાં કહ્યું હતું કે આ માટે ઐશ્વર્યા અને અમિતાભ બચ્ચનને મનાવવા પડશે.
ઐશ્વર્યા અને અભિષેકના આગામી પ્રોજેક્ટ્સ
વર્કફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે મણિરત્નમની ફિલ્મ 'પોનીયિન સેલ્વન 2'માં જોવા મળ્યાં હતાં. બીજી તરફ અભિષેક બચ્ચન આગામી સમયમાં સિદ્ધાર્થ આનંદની એક્શન ફિલ્મ 'કિંગ'માં મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને સુહાના ખાન પણ છે. અહેવાલો અનુસાર, અભિષેક આ ફિલ્મમાં નકારાત્મક પાત્ર ભજવશે. હાલમાં મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં ઐશ્વર્યા અને અભિષેકની સાથે એન્ટ્રીએ ફરી એકવાર ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.








