Ahmedabad Cinema Crisis: એક સમય હતો જ્યારે નવી ફિલ્મ રિલીઝ થતાની સાથે જ સિનેમાઘરોની બહાર 'હાઉસફૂલ'ના પાટિયા ઝૂલતા જોવા મળતા હતા. સામાન્ય મજૂર વર્ગથી લઈને મોટા વેપારીઓ સુધી દરેક વ્યક્તિ માત્ર 20થી 25 રૂપિયાની ટિકિટ ખરીદીને મોટા પડદા પર મનોરંજનનો આનંદ માણી શકતો હતો. પરંતુ સમય બદલાતા હવે સિનેમા એ સામાન્ય લોકો માટેનું સસ્તું મનોરંજન રહ્યું નથી, બલ્કે તે એક મોંઘી લક્ઝરી લાઈસ્ટાઈલ બની ગયું છે. આજે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા જવું એટલે ખિસ્સું ખાલી કરવા બરાબર છે, જ્યાં સામાન્ય ટિકિટના દર 200થી 600 રૂપિયા અને પોપકોર્ન-કોલ્ડડ્રિંક્સના ભાવ 200થી 250 રૂપિયા સુધી પહોંચી ગયા છે. આ મોંઘવારીને કારણે મધ્યમ વર્ગના પરિવારો થિયેટરથી દૂર થઈ રહ્યા છે.
25 રૂપિયાની ટિકિટ 2500 રૂપિયા સુધી પહોંચી
અઢી દાયકા પહેલાં જે મનોરંજન 25 રૂપિયામાં મળતું હતું, તે આજે 2500 રૂપિયાના આંકડાને સ્પર્શી ગયું છે. સાંભળવામાં ભલે નવાઈ લાગે, પરંતુ આ કડવી વાસ્તવિકતા છે. અમદાવાદના એક પ્રતિષ્ઠિત મોલના મલ્ટિપ્લેક્સમાં 'રામાયણ' ફિલ્મની ટિકિટનો ભાવ 2500 રૂપિયા સુધી નોંધાયો છે, જે ઘરેલુ વિમાન મુસાફરીની ટિકિટ કરતાં પણ વધારે છે. સામાન્ય દિવસોમાં પણ ટિકિટના દર 250થી 500 રૂપિયા રહે છે, જ્યારે વીકએન્ડ કે તહેવારોમાં આ ભાવ એક હજાર રૂપિયા સુધી પહોંચી જાય છે. થિયેટરોમાં સાદી ખુરશીઓને બદલે સોફા, લાઉન્જ કમ બેડ અને ડાઈન-ઈન જેવી સુવિધાઓ ઉમેરાતા સિનેમા હવે માત્ર પસંદગીના શ્રીમંત વર્ગ પૂરતું સીમિત રહી ગયું છે.
સિંગલ સ્ક્રીન બાદ હવે મલ્ટિપ્લેક્સ પર પણ સંકટના વાદળો
1990 અને 2000ના દાયકામાં ફિલ્મોનો એવો ક્રેઝ હતો કે લોકો બ્લેકમાં ટિકિટ ખરીદીને કે થિયેટરમાં જમીન પર બેસીને પણ ફિલ્મ જોતા હતા. તેનાથી વિપરીત, આજે મલ્ટિપ્લેક્સની મોટાભાગની બેઠકો ખાલી જોવા મળે છે અને સામાન્ય દિવસોમાં માંડ 30થી 40 ટકા જ પ્રેક્ષકો આવે છે. અમદાવાદમાં હાલ અંદાજે 55થી 65 જેટલા મલ્ટિપ્લેક્સ અને મિનિપ્લેક્સ કાર્યરત છે, પરંતુ કોરોના બાદ છેલ્લા પાંચ વર્ષમાં 15થી 20 થિયેટરોને કાયમી તાળાં લાગી ગયા છે. નવા ખુલતા થિયેટરોની સંખ્યા નહિવત્ છે અને તે પણ માત્ર પ્રીમિયમ વર્ગને જ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. નાના શહેરોની હાલત તો એવી છે કે ત્યાં માંડ એકાદ-બે થિયેટર જ બચ્યા છે.
પ્રેક્ષકોનો ઉત્સાહ ઘટવા પાછળના ચાર મુખ્ય કારણો
મોટા પડદાની 60 ફીટની સ્ક્રીન હવે લોકોના હાથમાં રહેલા 6 ઈંચના મોબાઈલ ફોનમાં સમાઈ ગઈ છે. સિનેમાઘરો તરફ પ્રેક્ષકોની ઉદાસીનતા પાછળ મુખ્ય ચાર કારણો જવાબદાર છે. પ્રથમ, સોશિયલ મીડિયા, હોમ થિયેટર અને ઓટીટી પ્લેટફોર્મ જેવા સરળ વિકલ્પોની ઉપલબ્ધતા. બીજું, નિર્માતાઓ માટે થિયેટર કરતાં ઓટીટી પર ફિલ્મ રિલીઝ કરવી વધુ સસ્તી અને સરળ પડે છે. ત્રીજું, ફિલ્મોની પાઈરસી, જેના કારણે ફિલ્મ રિલીઝ થયાના બીજા જ દિવસે મોબાઈલમાં તેની કોપી ફરતી થઈ જાય છે. ચોથું, નવી ફિલ્મો થિયેટરમાં આવ્યાના ગણતરીના દિવસોમાં જ ઓટીટી પર ઉપલબ્ધ થઈ જતી હોવાથી લોકો ઘરે બેસીને જ ફિલ્મ જોવાનું વધુ પસંદ કરે છે.
વધતા સંચાલન ખર્ચ સામે થિયેટર માલિકો લાચાર
બીજી તરફ, સિનેમાઘરોના સંચાલકોની પણ પોતાની મજબૂરીઓ છે. મલ્ટિપ્લેક્સ ચલાવવા માટે આધુનિક ટેક્નોલોજીનું અપગ્રેડેશન, ફાયર સેફ્ટીના કડક નિયમોનું પાલન, ભારે ટેક્સ અને વીજળી જેવા ખર્ચાઓ સતત વધી રહ્યા છે. પ્રેક્ષકોની ઘટતી સંખ્યા વચ્ચે થિયેટર ટકાવી રાખવા માટે સંચાલકો પાસે ટિકિટના દર વધારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. નિષ્ણાતોનું માનવું છે કે જો આ જ પરિસ્થિતિ યથાવત્ રહેશે, તો આગામી સમયમાં અમદાવાદના વધુ કેટલાક સિનેમાઘરો બંધ થવાની કગાર પર આવી જશે.
અમદાવાદની ઓળખ બનેલા ઐતિહાસિક થિયેટરો હવે માત્ર યાદોમાં
એક જમાનામાં અમદાવાદના સિનેમાઘરોની લોકપ્રિયતા એટલી બધી હતી કે શહેરના રસ્તાઓ અને વિસ્તારો તેમના નામ પરથી ઓળખાતા હતા. રિલીફ રોડનું રિલીફ સિનેમા, મણિનગરનું મીરા, લાલ દરવાજાનું રુપાલી, ખોખરાનું અનુપમ, આશ્રમ રોડનું નટરાજ, કુબેરનગરનું માયા, સરસપુરનું મિલન, કાલુપુરનું રોઝી, મિરઝાપુરનું મધુરમ, કાંકરિયાનું અપ્સરા-આરાધના અને અસારવાનું મોહન સિનેમા શહેરની શાન ગણાતા હતા. આ ઉપરાંત આમ્રપાલી, વસંત, શીતલ, સૂર્ય, પ્રકાશ, લલિતામહલ, કમલ, આશીષ, એવરેસ્ટ, એડવાન્સ, મંગલમ્, અલંકાર, ગીતા, ચંદ્રભાનુ, શિવ, રોશની, સોનલ, ગૌરી, ગેલેક્સી, અશોક, શાલીમાર, સંગમ, એલએન, લક્ષ્મી, ગોલ્ડન, લાઈટ હાઉસ, સેન્ટ્રલ, કૃષ્ણ, નોવેલ્ટી, ઈંગ્લિશ, કલ્પના, મોડલ, અજંતા, ઈલોરા, ઉષા, દિપાલી અને અંજલી જેવા અસંખ્ય થિયેટરો આજે ભલે બંધ થઈ ગયા હોય, પરંતુ અમદાવાદીઓની યાદોમાં આજે પણ જીવંત છે.








