Isha Ambani Navratri Look: નવરાત્રિની પૂર્વસંધ્યાએ અંબાણી પરિવારે ‘દેવી શક્તિ’ ઉત્સવનું આયોજન કર્યું હતું. સ્વદેશ ઇરોસને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝ હાજર રહ્યાં હતાં. જોકે, સૌનું ધ્યાન ઈશા અંબાણીના રોયલ લુક પર અટકી ગયું હતું. ઈશાએ પરંપરાગત કળા અને ભવ્ય કારીગરીથી સજેલી ચણિયાચોળી પહેરી હતી, જેની કિંમત ₹9,56,500 હોવાનું જણાવાયું છે. આ ખાસ પોશાક તૈયાર કરવામાં 10 કારીગરોએ 90 દિવસથી વધુ સમય અને અંદાજે 2,000 કલાકની મહેનત કરી હતી.

90 દિવસની મહેનતથી તૈયાર થઈ ચણિયાચોળી
આજના સમયમાં મિનિમલિસ્ટ ફેશનનો ટ્રેન્ડ વધી રહ્યો છે, ત્યારે ઈશા અંબાણીએ ભવ્ય કારીગરી અને ભરચક ડિઝાઇનવાળો મેક્સિમલિસ્ટ લુક પસંદ કર્યો હતો. તોરાણી બ્રાન્ડે સ્વદેશ સાથે મળીને આ ખાસ ચણિયાચોળી તૈયાર કરી હતી. આ પોશાક તૈયાર કરવા માટે 10 કારીગરોએ 90 દિવસથી વધુ સમય સુધી કામ કર્યું હતું. અંદાજે 2,000 કલાકની કારીગરીથી તૈયાર થયેલા આ આઉટફિટમાં પરંપરાગત ભારતીય ચિત્રકળા, બારીક ભરતકામ અને આભલાંનું સુંદર સંયોજન જોવા મળે છે.
સિલ્ક પર કલમકારી અને પટ્ટચિત્રનો અદ્ભુત સંગમ
આઇવરી-બેજ રંગના શુદ્ધ સિલ્ક પર આંધ્રપ્રદેશની કલમકારી અને ઓડિશાની પટ્ટચિત્ર શૈલીનાં ચિત્રો કંડારવામાં આવ્યાં હતાં. આ ચિત્રોને વધુ આકર્ષક બનાવવા માટે ઝરદોઝી, સિક્વિન, ફ્રેન્ચ નોટ્સ, મોતીકામ, આભલાં અને લટકણ જેવી બારીક વિગતો ઉમેરવામાં આવી હતી. ઘેરદાર ચણિયા સાથે શર્ટ-સ્ટાઇલ ચોલીએ આઉટફિટને અલગ ઓળખ આપી હતી. જ્યારે ઈંટ જેવા લાલ રંગના દુપટ્ટાએ સમગ્ર લુકમાં પરંપરાગત ગરબા અને માટીની સંસ્કૃતિની ઝલક ઉમેરેલી હતી.

ચણિયાની દરેક કળીમાં રાધા-કૃષ્ણની રાસલીલા
રાસ-ગરબા અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચેના ગાઢ સંબંધને ધ્યાનમાં રાખીને આ ચણિયાચોળીમાં રાધા-કૃષ્ણની રાસલીલાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. ચણિયાની દરેક કળીમાં રાધા-કૃષ્ણના પ્રેમ, ભક્તિ અને રાસના વિવિધ ભાવને ચિત્રો અને ભરતકામ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ ડિઝાઇનમાં માત્ર ધાર્મિક ચિત્રો જ નહીં, પરંતુ ગરબાનો તાલ, દાંડિયાની રમઝટ અને સમૂહમાં નૃત્ય કરવાની ભાવનાને પણ કલાત્મક રીતે વણી લેવામાં આવી હતી. આ કારણે ચણિયાચોળી માત્ર ફેશન આઉટફિટ નહીં, પરંતુ ભારતીય લોકકલા અને ભક્તિભાવનું સંયોજન બની હતી.
નીતા અંબાણીના દાગીનાથી લુકને મળ્યો રોયલ ટચ
ઈશા અંબાણીએ આ ભવ્ય ચણિયાચોળી સાથે માતા નીતા અંબાણીના પર્સનલ જ્વેલરી કલેક્શનમાંથી દાગીનાં પહેર્યાં હતાં. તેમના ગળામાં બે લેયરવાળો નેકલેસ હતો. ઉપરના ભાગમાં ગોલ્ડન કુંદન અને બારીક વર્કવાળું પોલકી ચોકર હતું, જ્યારે નીચે બ્લુ-લીલા રંગની મીનાકારી અને જડતરકામવાળો સ્ટેટમેન્ટ હેંગિંગ ચોકર હાર હતો. મોરની ડિઝાઇનવાળા એમ્બ્રોઇડરી અને જડતરકામથી સજેલા ઇયરકફે પણ ધ્યાન ખેંચ્યું હતું. તેની સાથે મોતી અને ઝીણાં ઝુમખાંની વિગતો હતી. ઈશાએ મોરપંખી રંગની મીનાકારીવાળા સોનાના પાટલા અને કુંદન-ડાયમન્ડની સ્ટેટમેન્ટ રિંગ પણ પહેરી હતી.
હેર જ્વેલરીએ વધારી ઉત્સવની રંગત
ઈશા અંબાણીએ પોતાના લુકને પૂર્ણ કરવા માટે વાળમાં પરંપરાગત પરાંદો પહેર્યો હતો. રંગબેરંગી પોમ-પોમ, લટકણ, કોડી, છીપલાં અને દેશી મોતીથી સજેલી આ હેર જ્વેલરીએ તેમના લુકને વધુ ઉત્સવમય બનાવ્યો હતો. ભવ્ય ચણિયાચોળી, પરંપરાગત ચિત્રકળા, રાધા-કૃષ્ણની રાસલીલા અને નીતા અંબાણીના દાગીનાના સંયોજનથી ઈશા અંબાણીનો નવરાત્રિ લુક ચર્ચામાં રહ્યો હતો.








