72 National Film Awards Gujarat Ekta Nagar: ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા એકતાનગર (કેવડિયા) ખાતે આજે 22 સપ્ટેમ્બરે સાંજે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું અત્યંત જાજરમાન આયોજન થવા જઈ રહ્યું છે. આ એવોર્ડ સમારોહમાં હાજરી આપવા અને પોતાના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વડોદરા થઈને કેવડિયા પહોંચ્યા છે. આ ખાસ પ્રસંગે બોલિવૂડ અને દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકારો જેવા કે કાર્તિક આર્યન, યામી ગૌતમ, રણદીપ હુડ્ડા, મમૂટી, ધનુષ અને પદ્મિની કોલ્હાપુરે સહિતના સ્ટાર્સ એકતાનગર પહોંચી ચૂક્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.
નેશનલ ફિલ્મ એવોર્ડના 72 વર્ષના ઇતિહાસમાં સર્જાયો નવો વિક્રમ
વર્ષ 1954થી શરૂ થયેલા નેશનલ ફિલ્મ એવોર્ડ્સના 72 વર્ષના દીર્ઘ ઇતિહાસમાં આ પ્રથમ વખત બની રહ્યું છે જ્યારે આ પ્રતિષ્ઠિત સમારોહ દેશની રાજધાની નવી દિલ્હીની બહાર યોજાઈ રહ્યો હોય. આ ઐતિહાસિક ક્ષણની યજમાની કરવાનું ગૌરવ ગુજરાતને મળ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલા 'બસ બે' ટર્મિનલ વિસ્તારમાં 1000થી વધુ આમંત્રિત મહેમાનો માટે ખાસ વિશાળ એસી જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. સમારોહમાં હાજર તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનોને પરંપરાગત ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે.
'મારણ' બેસ્ટ ગુજરાતી ફિલ્મ, કાર્તિક આર્યન અને યામી ગૌતમ શ્રેષ્ઠ કલાકાર
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ફિલ્મો અને કલાકારોને સન્માનિત કરવામાં આવશે. જેમાં 'આર્ટિકલ-370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ, 'શ્રીકાંત'ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ અને યામી ગૌતમને લીડિંગ રોલમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એનાયત કરાશે. જ્યારે ગુજરાતી સિનેમાની ચર્ચિત ફિલ્મ 'મારણ' ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળશે. આ ઉપરાંત ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યન અને 'ભ્રમયુગમ' માટે સાઉથના સુપરસ્ટાર મમૂટીને સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવશે.
સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશેષ લેઝર શો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે સાંજે 4 વાગ્યે મુખ્ય સમારોહની શરૂઆત કરવામાં આવશે. એવોર્ડ વિતરણ બાદ રાષ્ટ્રપતિ ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓને સંબોધિત કરશે અને વિજેતાઓ સાથે સત્તાવાર ગ્રુપ ફોટોગ્રાફી થશે. મુખ્ય કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે નર્મદા નદીના કિનારે મહેમાનો માટે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશેષ થીમ આધારિત લેઝર તથા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આકર્ષક આયોજન કરવામાં આવ્યું છે.
શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ 'મારણ' અને નેશનલ એવોર્ડનો ઇતિહાસ
યશ સોની અને દીક્ષા જોશી અભિનીત ફિલ્મ 'મારણ' મે 2025માં રિલીઝ થઈ હતી. દર્શક જૈન દ્વારા નિર્દેશિત આ ફિલ્મે સમાજમાં મહિલાઓના શોષણ અને કાનૂની વ્યવસ્થાની ખામીઓ પર ઉંડુ ચિંતન રજૂ કર્યું છે. આ ફિલ્મે અગાઉ શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ જ્યુરી એવોર્ડ જીત્યો હતો. નેશનલ ફિલ્મ એવોર્ડ્સની વાત કરીએ તો તેની શરૂઆત 1954માં 'સ્ટેટ એવોર્ડ્સ ફોર ફિલ્મ્સ' તરીકે થઈ હતી. પ્રથમ નેશનલ એવોર્ડમાં મરાઠી ફિલ્મ 'શ્યામચી આઈ' ને પ્રેસિડેન્ટ્સ ગોલ્ડ મેડલ મળ્યો હતો, જ્યારે 1968્માં આ પુરસ્કારોનું નામ સત્તાવાર રીતે "નેશનલ ફિલ્મ એવોર્ડ્સ" રાખવામાં આવ્યું હતું.
નેશનલ ફિલ્મ એવોર્ડ્સની પસંદગી પ્રક્રિયા અને સુવર્ણ કમળ
નેશનલ ફિલ્મ એવોર્ડ્સ દેશનો સૌથી પ્રતિષ્ઠિત ચલચિત્ર પુરસ્કાર છે, જેનું આયોજન ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC) દ્વારા કરવામાં આવે છે. આ એવોર્ડ્સ માટે દેશભરની તમામ પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોમાંથી તટસ્થ અને સ્વતંત્ર જ્યુરી સભ્યો દ્વારા શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી કરવામાં આવે છે. મુખ્ય વિજેતાઓને 'સ્વર્ણ કમળ' (ગ્રાન્ડ પ્રાઈઝ) અને 'રજત કમળ'ની સાથે રોકડ પુરસ્કાર અને સનદ આપીને રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરવામાં આવે છે.








