Ramayana Nitesh Tiwari Movie: નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'રામાયણમ્' ગણેશ ચતુર્થીના શુભ અવસરે ભારે ચર્ચામાં રહી છે. આ ખાસ દિવસે ફિલ્મનું પ્રથમ ગીત 'જય જય રામ' રિલીઝ કરવામાં આવ્યું હતું. એ. આર. રહેમાનના સંગીત તથા અરીજીત સિંહ અને શ્રેયા ઘોષાલના મધુર અવાજથી સજ્જ આ ગીત ભગવાન શ્રી રામ અને માતા સીતાના વિવાહના ઉત્સવ પર આધારિત છે. આ ગીતમાં મુખ્ય કલાકારો રણબીર કપૂર અને સાઈ પલ્લવી ઉપરાંત અન્ય મહત્વના પાત્રોની ઝલક પણ પ્રથમ વખત પ્રેક્ષકો સામે લાવવામાં આવી છે.

ભરત અને શત્રુઘ્નના પાત્રમાં આ કલાકારો આપશે હાજરી
આ ગીતમાં મુખ્ય પાત્રો સિવાય રામાયણના અન્ય મહત્વપૂર્ણ ચહેરાઓ પરથી પડદો ઊંચકાયો છે. મરાઠી સિનેમાના જાણીતા અભિનેતા આદિનાથ કોઠારે ભરતનું પાત્ર ભજવી રહ્યા છે. જ્યારે ચારેય ભાઈઓમાં સૌથી નાના શત્રુઘ્નનું પાત્ર એથ્લીટ, સ્ટોરીટેલર અને એંકર રહી ચૂકેલા નીતિશ શર્મા નિભાવી રહ્યા છે. નીતિશ શર્માએ ખુલાસો કર્યો હતો કે ,એક મોટા પ્રોજેક્ટમાંથી અચાનક બહાર ફેંકાઈ ગયા બાદ તેઓ નિરાશ થઈને પોતાના ગામે પાછા ફરી ગયા હતા ત્યારે કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાની ટીમ તરફથી ફોન આવ્યો અને તેમની આ ફિલ્મ માટે પસંદગી થઈ.

સીતાજીની બહેનોના રોલમાં જોવા મળશે આ અભિનેત્રીઓ
સીતાજીની નાની બહેન અને શત્રુઘ્નની પત્ની શ્રુતકીર્તિની ભૂમિકા આસામની અભિનેત્રી સુરભી દાસ ભજવી રહી છે. તેમણે સ્વીકાર્યું હતું કે, ઓડિશન આપતી વખતે તેમને આ ફિલ્મ આટલા મોટા પાયે બની રહી છે તેનો અંદાજ નહોતો. ટેલિવિઝન ક્ષેત્રે નિરાશા મળ્યા બાદ ડિજિટલ માધ્યમ તરફ વળવાથી તેમને આ સોનેરી તક મળી છે. લક્ષ્મણની પત્ની ઉર્મિલાના રોલમાં સોનિયા બલાની જોવા મળશે, જેઓ પહેલા શૂર્પણખાનું પાત્ર ભજવવા માંગતા હતા પણ તે રકુલ પ્રીત સિંહને મળતા તેમણે ઉર્મિલા માટે ઓડિશન આપ્યું હતું. જ્યારે ભરતની પત્ની માંડવીનું પાત્ર રિયા કપૂર ભજવી રહી છે.

હજુ પણ અનેક પાત્રોના લૂકને સસ્પેન્સ રખાયો
આ મહાકાવ્ય આધારિત ફિલ્મમાં કૌશલ્યા તરીકે ઇન્દિરા કૃષ્ણન, સુમિત્રા તરીકે સોનલ ઝા, કૈકેયી તરીકે લારા દત્તા, રાજા દશરથ તરીકે અરુણ ગોવિલ, લક્ષ્મણ તરીકે રવિ દુબે અને મંથરા તરીકે શીબા ચડ્ડા જોવા મળશે. રણબીર કપૂર રામ સિવાય પરશુરામના અવતારમાં પણ નજરે પડશે, જ્યારે વિવેક ઓબેરોય શૂર્પણખાના પતિ વિદ્યુતજિહ્વાની ભૂમિકામાં છે. હનુમાનજીના પાત્રમાં સની દેઓલ જોવા મળશે, પરંતુ તેમનો લૂક હજુ સુધી ગુપ્ત રાખવામાં આવ્યો છે.

બે ભાગમાં બનનારી આ ફિલ્મનું પ્રોડક્શન નમિત મલ્હોત્રાના પ્રાઇમ ફોકસ સ્ટુડિયો દ્વારા થઈ રહ્યું છે. આશરે 4000 કરોડના વિશાળ બજેટમાં આકાર લઈ રહેલી આ ફિલ્મ ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવે છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઓસ્કર વિજેતા સંગીતકાર હાન્સ ઝિમર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. 'રામાયણમ્'નો પ્રથમ ભાગ દિવાળી 2026માં વિશ્વભરના થિયેટર્સમાં રિલીઝ થવાની ધારણા છે.








