Salman Khan Virginity Question Koffee With Karan Season 9: બોલિવૂડના દિગ્ગજ નિર્માતા-નિર્દેશક કરણ જોહરે પોતાના ચર્ચિત ટોક શો 'કોફી વિથ કરણ સીઝન-9'ના પ્રથમ એપિસોડમાં સુપરસ્ટાર સલમાન ખાનનું સ્વાગત કર્યું છે. આ શોના તાજેતરમાં જારી કરાયેલા પ્રોમો વીડિયોમાં કરણ જોહરે 13 વર્ષ જૂના વિવાદિત અને ચર્ચિત પ્રશ્નને ફરીથી દોહરાવતા સલમાનને પૂછ્યું હતું કે, "શું તમે હજુ પણ વર્જિન છો?". આ પ્રશ્ન સાંભળતા જ સલમાન ખાને હસતા મુખે રવિ કિશનની શૈલીમાં હાથ જોડીને ચપટી વગાડતા કહ્યું હતું, "કંટ્રોલ ભાઈ, કંટ્રોલ!". આ મનોરંજક સંવાદ સોશિયલ મીડિયા પર અત્યંત વાયરલ થઈ રહ્યો છે.
વર્ષ 2013ની સીઝન-4માં સર્જાયો હતો મોટો વિવાદ
ઉલ્લેખનીય છે કે, 1 ડિસેમ્બર, 2013ના રોજ પ્રસારિત થયેલા 'કોફી વિથ કરણ સીઝન-4' ના પહેલા એપિસોડમાં પણ સલમાન ખાન અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે કરણ જોહરે તેમની લવ લાઇફ, અફેર અને લગ્ન વિશે સવાલો કર્યા હતા. કરણના સવાલના જવાબમાં સલમાને ગંભીર ચહેરો રાખીને કહ્યું હતું કે, "હા, હું વર્જિન છું અને મારી જાતને ભવિષ્યની પત્ની માટે બચાવી રહ્યો છું.". સલમાનના આ નિવેદને તે સમયે ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી હતી, જેના પર અનેક મીમ્સ બન્યા હતા અને ટીવી ચેનલો પર મોટી ચર્ચાઓ જામી હતી.

કરણ જોહરની આત્મકથામાં મજાકનો ખુલાસો
આ વિવાદ લાંબો સમય ચાલ્યા બાદ કરણ જોહરે પોતાની બાયોગ્રાફી 'એન અનસૂટેબલ બોય' અને અનેક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી હતી કે, સલમાન ખાને તે વાત સંપૂર્ણપણે મજાકના મૂડમાં કહી હતી. સલમાન ખાનનો હાસ્યનો વિશિષ્ટ અંદાજ એવો છે કે, તેઓ ચહેરા પર કોઈપણ હાવભાવ લાવ્યા વગર કે હસ્યા વગર પણ મોટી મજાક કરી શકે છે. બાદમાં 2016માં સીઝન-5ના 100મા એપિસોડમાં સલમાને પોતાના ભાઈઓ અરબાઝ અને સોહેલ સાથે આવીને પણ રમુજી રીતે કહ્યું હતું કે કાંઈ બદલાયું નથી.
પેપરાઝી સંસ્કૃતિ અને અંગત જીવન પર સલમાનની રમૂજ
નવા પ્રોમોમાં સલમાન ખાને સેલિબ્રિટીઝ પાછળ દોડતી પેપરાઝી સંસ્કૃતિ અને સ્માર્ટફોન કેમેરા પર રમુજી ટિપ્પણી કરતા કહ્યું કે, "જેણે આ ફોનમાં કેમેરો બનાવ્યો છે, તે જો મને મળી જાય તો...". આ ઉપરાંત જ્યારે કરણે પૂછ્યું કે શું તેઓ 'રેપિડ ફાયર હેમ્પર' માટે લડશે? ત્યારે સલમાને હસીને કહ્યું કે તેઓ 'હેમ્પર' માટે નહીં પરંતુ 'પેમ્પર' (લાડ-પ્યાર) કરવા માટે લડશે. તેમણે સોશિયલ મીડિયા બ્રાન્ડિંગ અને માનસિક શાંતિ જાળવવા અંગે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

22 વર્ષના ભવ્ય સફર બાદ બંધ થઈ રહ્યો છે 'કોફી વિથ કરણ'
કરણ જોહરે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું હતું કે આ 'કોફી વિથ કરણ' ની છેલ્લી સીઝન હશે. 16 ઓગસ્ટ, 2004થી શરૂ થયેલા આ ટોક શોએ 22 વર્ષોમાં 8 સીઝન હેઠળ 161થી વધુ યાદગાર એપિસોડ્સ પૂર્ણ કર્યા છે. જીઓહોટસ્ટાર પર પ્રસારિત થઈ રહેલી આ અંતિમ સીઝનમાં સલમાન ખાન ઉપરાંત કાજોલ, કરીના કપૂર, આમિર ખાન, વિજય દેવરકોંડા, રશ્મિકા મંદાન અને સૈફ અલી ખાન જેવા દિગ્ગજ બોલિવૂડ સ્ટાર્સ જોવા મળશે.








