Sara Ali Khan Nepotism debate Bollywood: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન ફરી એક વખત નેપોટિઝમ એટલે કે પરિવારવાદ મુદ્દે આપેલા પોતાના નિખાલસ નિવેદનને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. પ્રખ્યાત ફિલ્મી પરિવારમાંથી આવતી સારાએ સ્વીકાર્યું છે કે, તેના પારિવારિક બેકગ્રાઉન્ડે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ મેળવવા અને ઓળખ ઊભી કરવામાં ચોક્કસપણે મદદ કરી છે. જોકે, તેનું માનવું છે કે નેપોટિઝમ પર સતત થતી ચર્ચાઓ ઘણીવાર કલાકારોની અંગત મહેનત અને સંઘર્ષને નજરઅંદાજ કરી દે છે. 'ફિલ્મફેર'ને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં સારાએ પોતાની ફિલ્મી સફર, પરિવારના વારસા અને ઇન્ડસ્ટ્રીમાં મળેલી સુવિધાઓ અંગે મુક્ત મને વાત કરી હતી. તેણે સ્પષ્ટ કર્યું કે, તે સ્ટાર કિડ હોવાના ફાયદાઓનો ઇનકાર નથી કરતી, પરંતુ દરેક વખતે તેના માટે ખુલાસા આપવા યોગ્ય નથી.
'અમે પસંદ નથી કર્યું કે કોના ઘરે જન્મ લેવો'
ઇન્ટરવ્યુ દરમિયાન સારા અલી ખાનને પૂછવામાં આવ્યું હતું કે તેના પરિવારના વારસાએ કરિયરમાં મદદ કરી કે મુશ્કેલીઓ વધારી? આ અંગે અભિનેત્રીએ જણાવ્યું કે, "આ બંને બાબતોનું મિશ્રણ છે. હું એટલી અણસમજુ કે ભ્રમમાં જીવનારી નથી કે આ હકીકતનો સ્વીકાર ન કરું. આ વારસાએ મારા માટે દરવાજા ખોલ્યા, મને તકો અને ઓળખ મળી, જેના માટે હું હંમેશાં આભારી રહીશ પરંતુ, લોકો માટે નેપોટિઝમ હવે નકારાત્મક શબ્દ બની ગયો છે. તેનાથી કલાકારની પોતાની મહેનત ઓછી આંકવામાં આવે છે. મેં પહેલાં પણ કહ્યું છે અને ફરી કહીશ કે જાહ્નવી હોય, અનન્યા હોય કે હું, અમે એ પસંદ નથી કર્યું કે અમારો જન્મ કોના ઘરમાં થશે."
'જેમાં અમારો વાંક નથી તેના માટે દોષિત કેમ ઠેરવવા?'
પોતાની વાત આગળ વધારતાં સારાએ જણાવ્યું કે ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતા કલાકારોને જન્મના આધારે દોષિત ન ઠેરવવા જોઈએ. તેણે સ્વીકાર્યું કે સ્ટાર કિડ્સને એવી ફિલ્મોથી ડેબ્યૂ કરવાની તક મળે છે જેનું સપનું બીજા ઘણા લોકો જોતા હોય છે પરંતુ, કરિયરમાં વર્ષો વિતાવ્યા પછી પણ વારંવાર એક જ મુદ્દે સફાઈ આપવી યોગ્ય નથી. સારાએ કહ્યું, "અમે નસીબદાર હતાં કે અમને શરૂઆતી લીડ મળી, પરંતુ કરિયરના 8 વર્ષ વીતી ગયા પછી પણ લોકોને એ સમજાવતા રહેવું કે આવું કેમ થયું, તેની જવાબદારી માત્ર મારી ન હોવી જોઈએ."
માતા સાથે ઉછેર અને પિતા સૈફ વિશે મોટો ખુલાસો
સારાએ પોતાના સંઘર્ષની વાત કરતા માતા અમૃતા સિંહ સાથે વિતાવેલા સમયનો ઉલ્લેખ કર્યો હતો. તેણે જણાવ્યું કે, તે પોતાની માતા સાથે રહે છે અને પિતા સૈફ અલી ખાને ક્યારેય તેને કામ અપાવવા માટે કોઈ નિર્માતાના ચક્કર નથી કાપ્યા. સારાએ ખુલાસો કર્યો, "મારા પિતા એવા નથી કે જે ઓફિસોમાં જઈને મારા કોન્ટ્રાક્ટ માટે વાતચીત કરે કે નિર્માતાઓ પાસે મારી ફિલ્મો માટે આજીજી કરે કે ભીખ માગે. જ્યારે મારી પહેલી ફિલ્મ 'કેદારનાથ' દરમિયાન મુશ્કેલીઓ ઊભી થઈ હતી ત્યારે હું પોતે જ પરિસ્થિતિ સંભાળી રહી હતી. તે સમયે મારી સાથે કોઈ નહોતું. બોલિવૂડમાં મારો કોઈ જ ગોડફાધર નથી."
ફિલ્મ 'ઉડતા તીર'માં સારા અલી ખાનનો દમદાર અભિનય
વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ઉડતા તીર'માં જોવા મળી રહી છે, જેમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આકાશ કૌશિકના નિર્દેશનમાં બનેલી આ સ્પાય-કોમેડી ફિલ્મમાં આયુષ્માન ખુરાના મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં રાહુલ બોઝ, રામ કપૂર અને ગુલશન ગ્રોવર જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વના રોલમાં છે. ધર્મા પ્રોડક્શન્સ અને સિખ્યા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
વધારાની માહિતી
સારા અલી ખાનનું બેકગ્રાઉન્ડ: સારા અલી ખાન પટૌડી પરિવારની પુત્રી છે. તે સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી તથા હિન્દી સિનેમાની દિગ્ગજ એક્ટ્રેસ શર્મિલા ટાગોર અને પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીની પૌત્રી છે.
શિક્ષણ અને સફળ ફિલ્મો: સારાએ ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. 2018માં 'કેદારનાથ'થી સફળ શરૂઆત કર્યા બાદ તેણે 'સિમ્બા', 'અતરંગી રે', 'જરા હટકે જરા બચકે' અને 'એ વતન મેરે વતન' જેવી ફિલ્મોમાં પોતાની વૈવિધ્યસભર અભિનય ક્ષમતા સાબિત કરી છે.








