Ranbir Kapoor Ramayana Set Fire: બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'ના સેટ પરથી એક ભયાનક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મસિટીમાં આવેલ પ્રાઇમ ફોકસ સ્ટુડિયોના સેટની બહાર અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફેન્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં સેટ પર હાજર કોઈ પણ કલાકાર કે ટેકનિશિયનને ઈજા થઈ નથી અને મોટી જાનહાનિ ટળી છે.
ફાયર બ્રિગેડે સમયસર ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો
ફિલ્મ વર્કર્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ બી.એન. તિવારી અને મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર ગતરોજ બપોરે આશરે 4.02 વાગ્યે લેવલ-1ની આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. પ્રાઇમ ફોકસ સ્ટુડિયોની પાછળ 100x20 ફૂટના ટેમ્પરરી સેટ અને પીસીઆર યુનિટ પાસે મૂકેલા ટેન્ટમાં આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સાંજે 4.55 વાગ્યા સુધીમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.

FWICE દ્વારા સુરક્ષા ક્ષતિઓ અંગે પ્રોડક્શન હાઉસ સામે નારાજગી
FWICEના પ્રમુખ બી.એન. તિવારીએ આ ઘટના અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા પણ નજીકની જગ્યાએ આવી જ એક નાની આગ લાગી હતી. તે સમયે તેમણે તમામ ફિલ્મ નિર્માતાઓને સેટ પર અગ્નિશામક સુરક્ષાના મજબૂત વ્યવસ્થાપન માટે કડક સૂચનાઓ આપી હતી પરંતુ, પ્રોડક્શન ટીમની બેદરકારીના કારણે રામાયણના સેટ પર ફરીથી આગની ઘટના બની છે. તેમણે તમામ સ્ટુડિયોને ભવિષ્યમાં આવી દૂર્ઘટનાઓ અટકાવવા કડક ફાયર સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવા ચેતવણી આપી છે.
યુટ્યુબર મિસ્ટર બીસ્ટની સરપ્રાઈઝ વિઝિટ અને શૂટિંગની વર્તમાન સ્થિતિ
હાલમાં ફિલ્મસિટી ખાતે રામાયણના બીજા ભાગનું પોસ્ટ-પ્રોડક્શન અને કેટલાક મહત્વના સીન્સનું શૂટિંગ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ વિશ્વના પ્રખ્યાત અમેરિકન યુટ્યુબર મિસ્ટર બીસ્ટે પણ આ સેટની મુલાકાત લીધી હતી, જેનો વીડિયો ઇન્ટરનેટ પર ભારે વાયરલ થયો હતો. આગ લાગી ત્યારે દિગ્દર્શક નિતેશ તિવારી કે મુખ્ય કલાકાર રણબીર કપૂર સેટ પર હાજર હતા કે નહીં તે અંગે સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી.

4000 કરોડના ઐતિહાસિક બજેટમાં બની રહી છે દેશની સૌથી મોંઘી ફિલ્મ
'દંગલ' ફેમ ડિરેક્ટર નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ ભારતીય સિનેમાના ઇતિહાસનો સૌથી મોટો ડ્રીમ પ્રોજેક્ટ છે. બંને ભાગ મળીને આશરે ₹4,000 કરોડ (US$ 500 મિલિયન) ના ભારેખમ બજેટમાં નિર્માણ પામી રહી છે. આ ફિલ્મનું નિર્માણ નમિત મલ્હોત્રાના પ્રાઇમ ફોકસ સ્ટુડિયોઝ અને સાઉથ સુપરસ્ટાર યશના મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ હેઠળ થઈ રહ્યું છે, જ્યારે ઓસ્કાર વિજેતા VFX કંપની DNEGના દ્રશ્યો તૈયાર કરી રહી છે.
વિશાળ સ્ટારકાસ્ટ, ઓસ્કાર વિજેતા સંગીતકારો અને દિવાળી રિલીઝ પ્લાન
આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામના પાત્રમાં, સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં, દક્ષિણ ભારતનો રોકિંગ સ્ટાર યશ રાવણ તરીકે, સની દેઓલ હનુમાનજી તરીકે અને રવિ દુબે લક્ષ્મણના કિરદરમાં જોવા મળશે. આ ઉપરાંત અરુણ ગોવિલ (રાજા દશરથ), લારા દત્તા (કૈકેયી), રકુલ પ્રીત સિંહ (શૂર્પણખા), વિવેક ઓબેરોય અને કુણાલ કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. પ્રથમ વખત બે દિગ્ગજ ઓસ્કાર વિજેતા સંગીતકારો—એ.આર. રહેમાન અને હેન્સ ઝિમર (Hans Zimmer)—એકસાથે મળીને આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કરી રહ્યા છે. 'રામાયણ: પાર્ટ-1' નો પહેલો ભાગ દિવાળી 2026ના પાવન પર્વ પર વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાનો છે, જ્યારે બીજો ભાગ દિવાળી 2027માં રિલીઝ થશે.








