Navratri 2026 Garba Venues: ગુજરાતીઓના સૌથી મોટા અને પ્રિય તહેવાર નવરાત્રિ 2026ની ભવ્ય ઉજવણી માટે દેશ-વિદેશમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ખેલૈયાઓને પોતાના તાલે ઝુમાવવા માટે જાણીતા ગુજરાતી સિંગરો અને સંગીતકારો વિવિધ ગરબા ગ્રાઉન્ડ્સ પર પરફોર્મ કરવા સજ્જ છે. મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર સહિતના શહેરોમાં કયા કલાકાર કયા સ્થળે સૂર રેલાવશે, તેની વિગતો સામે આવી છે.
મુંબઈમાં કિંજલ દવે, ફાલ્ગુની પાઠક અને ગીતા રબારી
મુંબઈમાં બોરીવલી અને BKC ખાતે ખેલૈયાઓ માટે મોટા ગરબા આયોજનો કરવામાં આવ્યા છે. ‘કોરા કેન્દ્ર નવરાત્રિ 2026’માં કિંજલ દવે કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ-1, બોરીવલી વેસ્ટ ખાતે પરફોર્મ કરશે. આ ઇવેન્ટ 11થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાવાની છે. ફાલ્ગુની પાઠક ‘નવરાત્રિ ઉત્સવ 2026’ અંતર્ગત બાંદ્રા કુરલા કોમ્પ્લેક્સ (BKC) ખાતે ગરબાની રમઝટ બોલાવશે. જ્યારે ગીતા રબારી ‘શારદીય નવરાત્રિ 2026’ માટે કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ-4, બોરીવલી વેસ્ટ ખાતે હાજરી આપશે. પાર્થિવ ગોહિલ ‘રંગીલો રે 2026’માં NESCO હોલ-6, ગોરેગાંવ ખાતે અને ભૂમિ ત્રિવેદી ‘રંગરાસ નવરાત્રિ’માં બાળાસાહેબ ઠાકરે મનોરંજન ગ્રાઉન્ડ, ચીકુવાડી, બોરીવલી વેસ્ટ ખાતે પરફોર્મ કરશે.
અમદાવાદમાં આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવીનો જાદુ
અમદાવાદમાં પણ નવરાત્રિ દરમિયાન અનેક મોટા ગરબા આયોજનો યોજાશે. કીર્તિદાન ગઢવી ‘પરંપરા નવરાત્રિ’માં ગોપાલ ફાર્મ, સાકેત-1 નજીક, એસપી રિંગ રોડ ખાતે પરફોર્મ કરશે. આયોજકની સત્તાવાર માહિતી મુજબ આ ઇવેન્ટમાં કીર્તિદાન ગઢવી મુખ્ય કલાકાર છે. એશ્વર્યા મજમુદાર ‘સ્વર્ણિમ નવરાત્રિ’ માટે સ્વર્ણિમ નગરી ગરબા, મકરબા ખાતે સૂર રેલાવશે. જીગરદાન ગઢવી ‘સાચી નવરાત્રિ’માં સાયન્સ સિટી ખાતે ખેલૈયાઓને રમાડશે. હરિ ઓમ ગઢવી ‘સેક્રેડ રાસ 2026’માં એસજી હાઇવે પરના સેક્રેડ રાસ ગ્રાઉન્ડ ખાતે હાજરી આપશે. આ ઉપરાંત જીગ્નેશ કવિરાજ ‘દાંડિયા ધમાલ 2026’ માટે સેવન સ્ટાર પાર્ટી પ્લોટ, નિકોલ ખાતે, જ્યારે આદિત્ય ગઢવી ‘રંગ મોરલા’માં સાવન્ના પાર્ટી લૉન, અમદાવાદ ખાતે પરફોર્મ કરશે. ‘રંગ મોરલા’નું 2026નું આયોજન 10થી 19 ઓક્ટોબર દરમિયાન સાવન્ના પાર્ટી લૉન ખાતે દર્શાવવામાં આવ્યું છે. ઈશાની દવે શંકુઝ શેરી સર્કલ ખાતે, અરવિંદ વેગડા 11થી 14 ઓક્ટોબર દરમિયાન એકા ક્લબ, કાંકરિયા ખાતે અને હાર્દિક દવે-પ્રફુલ દવે સોલા ભાગવત ખાતે ‘નવશક્તિ નવરાત્રિ’માં પરફોર્મ કરશે. અધોરી મ્યુઝિક વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જાસપુર ખાતે અને દિવ્યા ચૌધરી ઓગણજના 9 બ્રધર પાર્ટી પ્લોટ ખાતે ‘નવસત્વ નવરાત્રિ 2026’માં જોવા મળશે.
વડોદરા, સુરત અને ગાંધીનગરમાં પણ મોટા આયોજનો
વડોદરામાં અતુલ પુરોહિત ‘યુનાઇટેડ વે ઓફ બરોડા ગરબા મહોત્સવ 2026’માં એમ. એમ. પટેલ ફાર્મ, ભાયલી ખાતે પરંપરાગત ગરબાની રમઝટ બોલાવશે. ગાંધીનગરમાં કાજલ મહેરિયા ‘થનગનાટ નવરાત્રિ મહોત્સવ’ અંતર્ગત સેક્ટર 6/D ગ્રાઉન્ડ ખાતે પરફોર્મ કરશે. સુરતમાં પૂર્વા મંત્રી ‘યશ્વી નવરાત્રિ 3.0’ માટે સી.બી. પટેલ ક્રિકેટ સ્ટેડિયમ, વેસુ કેનાલ રોડ, અભવા ખાતે ખેલૈયાઓને ઝુમાવશે. જ્યારે ગાંધીધામમાં અરવિંદ વેગડા 15થી 18 ઓક્ટોબર દરમિયાન રેડિસન હોટેલ, કંડલા ખાતે પરફોર્મ કરશે. આ ઉપરાંત અમદાવાદમાં ગુજરાત ટુરિઝમના Vibrant Navratri Festival 2026નું પણ આયોજન 11થી 20 ઓક્ટોબર દરમિયાન GMDC ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે.








