World Students Day 2026: સમય સાથે કેટલાક લોકોના વિચારો અને યોગદાન ઝાંખા પડી જાય છે, પરંતુ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું નામ અને તેમનું વ્યક્તિત્વ સમય સાથે વધુ મજબૂત થતું જાય છે. દર વર્ષે 15 ઓક્ટોબરના રોજ દેશમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન વૈજ્ઞાનિક અને એન્જિનિયર ડૉ. કલામની જન્મજયંતિ 'વિશ્વ વિદ્યાર્થી દિવસ' તરીકે ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. તેઓ હંમેશાં દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ માટે સૌથી લોકપ્રિય અને પ્રેરણાદાયી રહ્યા છે. ડૉ. કલામ પાસે જ્યારે પણ યુવાનોને મળવાનો સમય આવતો, ત્યારે તેઓ ક્યારેય તેને ચૂક્તા નહીં. તેઓ હંમેશાં વિદ્યાર્થીઓને મોટા સપનાં જોવાની અને એક એવો દેશ બનાવવાની દિશામાં કામ કરવાની પ્રેરણા આપતા, જે દુનિયાના સૌથી પ્રતિભાશાળી વિદ્વાનો, વૈજ્ઞાનિકો અને રોકાણકારો માટે શ્રેષ્ઠ કેન્દ્ર બને. રાષ્ટ્રપતિ ભવનમાં તેમના કાર્યકાળ દરમિયાન પણ તેમનો આ જ અનોખો અંદાજ જોવા મળ્યો હતો, જ્યાં તેઓ નિયમિતપણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા હતા.
ન્યૂઝપેપર વેચનાર બાળકથી રાષ્ટ્રપતિ સુધીની અદ્ભુત સફર
અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમના એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમના આત્મચરિત્ર 'વિંગ્સ ઓફ ફાયર' (Wings of Fire) માં તેમણે ઉલ્લેખ કર્યો છે કે તેમના પિતા પાસે ન તો ખાસ ઔપચારિક શિક્ષણ હતું અને ન તો કોઈ મોટી સંપત્તિ હતી. બાળપણમાં પરિસ્થિતિઓ સાથે સંઘર્ષ કરતા કલામે પોતાના પિતરાઈ ભાઈ સાથે મળીને રામેશ્વરમના રસ્તાઓ પર અખબારો (ન્યૂઝપેપર) વહેંચવાનું કામ કર્યું હતું અને આ રીતે તેમણે પોતાની મહેનતથી પ્રથમ કમાણી મેળવી હતી. રામેશ્વરમાં જ પોતાનું પ્રાથમિક શાળાકીય શિક્ષણ પૂરું કર્યા પછી, તેમણે મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (MIT) માં એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. પોતાની કારકિર્દીની શરૂઆત તેમણે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) થી કરી અને ત્યારબાદ તેઓ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) સાથે જોડાયા. ISROમાં તેમણે ભારતના પ્રથમ સ્વદેશી સેટેલાઇટ લોન્ચ વેહિકલ 'SLV-III' ના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે મહત્વની જવાબદારી સંભાળી હતી. જુલાઈ 1980માં આ લોન્ચ વેહિકલે 'રોહિણી' સેટેલાઇનને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરીને ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં એક નવો ઇતિહાસ રચ્યો હતો.
ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવનાર નેતા
ISRO માં પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપ્યા બાદ, ડૉ. કલામ ફરીથી DRDO માં પાછા ફર્યા અને 'ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ' (IGMDP) ની આગેવાની સંભાળી. તેમના સચોટ નેતૃત્વ હેઠળ ભારતે સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી મિસાઇલ ક્ષમતાઓમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી, જેમાં 'અગ્નિ' અને 'પૃથ્વી' જેવી શક્તિશાળી મિસાઇલ પ્રણાલીઓનો વિકાસ સામેલ છે. દેશની મિસાઇલ ટેકનોલોજીમાં તેમના આ ક્રાંતિકારી યોગદાનને કારણે જ તેમને ભારતભરમાં 'મિસાઈલમેન ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખવામાં આવ્યા. આ ઉપરાંત, તેમણે જુલાઈ 1992 થી ડિસેમ્બર 1999 સુધી રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર અને DRDO ના સચિવ તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમયગાળા દરમિયાન, તેમણે પરમાણુ ઊર્જા વિભાગના સહયોગથી મે 1998માં પોખરણ-II ના સફળ પરમાણુ પરીક્ષણોમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી, જેનાથી ભારત સત્તાવાર રીતે એક પરમાણુ સશક્ત રાષ્ટ્ર તરીકે વૈશ્વિક સ્તરે સ્થાપિત થયું.
દેશના 11મા રાષ્ટ્રપતિ જેમણે લોકહૃદયમાં વિશેષ સ્થાન મેળવ્યું
વૈજ્ઞાનિક ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કર્યા બાદ ડૉ. કલામનો જાહેર જીવનનો પ્રવાસ પણ એટલો જ પ્રેરણાદાયી અને પ્રભાવશાળી રહ્યો. વર્ષ 2002માં તેઓ ભારતના 11મા રાષ્ટ્રપતિ બન્યા અને 25 જુલાઈ 2002 થી 25 જુલાઈ 2007 સુધી આ સર્વોચ્ચ પદની ગરિમા વધારી. તેમનો અત્યંત નમ્ર સ્વભાવ, સામાન્ય લોકો માટે તેમની સરળ ઉપલબ્ધતા અને વિદ્યાર્થીઓ સાથેનો તેમનો હસમુખો વ્યવહાર તેમને દેશના લોકોના પ્રિય બનાવતા હતા, જેના કારણે તેમને 'પીપલ્સ પ્રેસિડેન્ટ' (જનતાના રાષ્ટ્રપતિ) નું બિરુદ મળ્યું. રાષ્ટ્રપતિ તરીકેના પદનો ઉપયોગ તેમણે હંમેશાં યુવાનોને પરંપરાગત સીમાઓથી ઉપર ઊઠીને દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરિત કરવા માટે કર્યો. તેમના ઉત્કૃષ્ટ કાર્યો અને યોગદાન માટે તેમને દેશ-વિદેશની 30 યુનિવર્સિટીઓ દ્વારા માનદ ડૉક્ટરેટની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેમને 1981માં પદ્મ ભૂષણ, 1990માં પદ્મ વિભૂષણ અને 1997માં ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' પણ એનાયત થયું હતું.
કલામ અંતિમ શ્વાસ સુધી વિદ્યાર્થીઓની વચ્ચે રહ્યા
ડૉ. અબ્દુલ કલામ માત્ર એક વૈજ્ઞાનિક કે રાષ્ટ્રપતિ નહોતા, પરંતુ તેઓ એક ઉત્તમ લેખક પણ હતા. તેમણે 'વિંગ્સ ઓફ ફાયર', 'ઇન્ડિયા 2020: અ વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ', 'માય જર્ની' અને 'ઇગ્નાઇટેડ માઇન્ડ્સ' જેવા પ્રેરણાદાયી પુસ્તકો લખ્યા છે. આ તમામ પુસ્તકો દ્વારા તેમણે વિજ્ઞાન, શિક્ષણ, નવીનતા અને રાષ્ટ્રીય વિકાસ પર પોતાના અનોખા વિચારો રજૂ કર્યા, જેણે વાંચકોને જ્ઞાન દ્વારા સમાજને બદલવાની પ્રેરણા આપી. રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂરો થયા પછી પણ ડૉ. કલામનો વિદ્યાર્થીઓ સાથેનો નાતો ક્યારેય ઓછો થયો નહીં. તેઓ સતત દેશભરમાં પ્રવાસ કરતા રહ્યા, યુવાનોને માર્ગદર્શન આપતા રહ્યા અને તેમને મોટા લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરતા રહ્યા. જીવનના અંતિમ ક્ષણોમાં પણ તેઓ એ જ કામ કરી રહ્યા હતા જે તેમને સૌથી વધુ ગમતું હતું—એટલે કે યુવા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવો. તેમનું જીવન અને તેમના વિચારો આજે પણ દેશના કરોડો યુવાનોના હૃદયમાં જ્ઞાન અને દેશભક્તિનો દીવો પ્રજ્વલિત કરી રહ્યા છે.








