Tamil Nadu Government Cuts ATF VAT:તમિલનાડુની સરકારે એરલાઈન્સ કંપનીઓ અને સામાન્ય પ્રવાસીઓને મોટી રાહત આપતા એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાનના ઈંધણ પર વેટ (VAT)ના દરોમાં ભારે ઘટાડો કર્યો છે. રાજ્ય સરકારે ચેન્નાઈ એરપોર્ટ પર વેટનો દર 29 ટકાથી ઘટાડીને સીધો 16 ટકા કરી દીધો છે, જ્યારે રાજ્યના અન્ય તમામ એરપોર્ટ પર તેને ઘટાડીને માત્ર 1 ટકા જ કરી દેવામાં આવ્યો છે. સરકારના આ પ્રશંસનીય પગલાથી રાજ્યમાં હવાઈ મુસાફરી વધુ સરળ અને સસ્તી બનવાની પૂરી સંભાવના છે, જેનો સીધો ફાયદો મુસાફરોને મળશે.
કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુએ કર્યા દિલથી વખાણ
તમિલનાડુ સરકારના આ સાહસિક અને લોકઉપયોગી પગલાથી પ્રભાવિત થઈને કેન્દ્ર સરકાર પણ પ્રશંસા કરવા આગળ આવી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સોશિયલ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી થલપતિ વિજયના આ નિર્ણયને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં હવાઈ મુસાફરીને વધુ કિફાયતી અને સુલભ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ પ્રકારે સાથે મળીને સહયોગ કરવો ખૂબ જ આવશ્યક છે. આ પ્રકારના સમન્વયથી હંમેશાં મુસાફરોના હિતોનું રક્ષણ થાય છે.
એરલાઈન્સ કંપનીઓ પર વધતા આર્થિક ભારણથી રાહત
વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના વધતા ભાવ અનેક એરલાઈન્સ કંપનીઓ માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. સામાન્ય રીતે કોઈપણ એરલાઈનના કુલ સંચાલન ખર્ચમાં 30 થી 40 ટકા હિસ્સો માત્ર ઈંધણનો જ હોય છે, જે વધીને હાલમાં 55 થી 60 ટકા સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત, રૂપિયાની નબળી સ્થિતિ અને કેટલાક રૂટ બંધ થવાને કારણે વિમાનોનું ઓપરેટિંગ કોસ્ટ ખૂબ વધી ગયું હતું. આવી નાણાકીય કટોકટીની સ્થિતિમાં તમિલનાડુ સરકાર દ્વારા વેટમાં કરાયેલી આ જબરદસ્ત ઘટાડો એરલાઈન્સ કંપનીઓનો મોટો બોજ હળવો કરશે.
પ્રાદેશિક કનેક્ટિવિટી અને પ્રવાસનને મળશે વેગ
તમિલનાડુના ઉદ્યોગ મંત્રીએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈંધણ સસ્તું થવાથી એરલાઈન્સ કંપનીઓનો સંચાલન ખર્ચ ઘટશે, જેનાથી તેઓ નવા રૂટ્સ શરૂ કરવા માટે પ્રોત્સાહિત થશે. આનાથી માત્ર ચેન્નાઈ જ નહીં પરંતુ રાજ્યના નાના અને દુરના શહેરો વચ્ચે પણ હવાઈ કનેક્ટિવિટી મજબૂત બનશે. ફ્લાઇટ્સની સંખ્યા વધવાથી રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે તેમજ વ્યાપારી પ્રવૃત્તિઓ અને પ્રાદેશિક આર્થિક વિકાસને પણ નવી ગતિ પ્રાપ્ત થશે.








