Pakistan Afghanistan Border Clash: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદે આવેલ ગુલિસ્તાન વિસ્તારમાં તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ અફઘાનિસ્તાન તરફથી કરવામાં આવેલા હુમલા અને ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નાકામ બનાવી દીધો છે. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુવારે અફઘાન તાલિબાન લડાયકોએ પાકિસ્તાની સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જેની સામે પાકિસ્તાની સેનાએ આકરો પ્રહાર કરીને કેટલાક આતંકીઓને સ્થળ પર જ ઠાર કર્યા હતા.
સરહદી વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
આ ઘટના બાદ પાકિસ્તાની સુરક્ષા દળોને સરહદ પર હાઇ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. જવાબી કાર્યવાહીના ભાગરૂપે બંને દેશો વચ્ચે હજુ પણ સરહદી વિસ્તારમાં છૂટોછવાયો ગોળીબાર ચાલુ હોવાના અહેવાલો મળી રહ્યા છે. પાકિસ્તાની સેનાએ સ્પષ્ટ કર્યું છે કે પોતાની સીમાની સુરક્ષા માટે કોઈપણ પ્રકારની આક્રમકતા ચલાવી લેવામાં આવશે નહીં. બીજી તરફ, આ સમગ્ર ઘટના અંગે અફઘાન તાલિબાન શાસન દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવાનું ટાળવામાં આવ્યું છે.
ત્રણ મહિનાની શાંતિ બાદ ફરી ભડકો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદે છેલ્લા ત્રણેક મહિનાથી શાંતિનો માહોલ જોવા મળી રહ્યો હતો. પરંતુ તાજેતરમાં ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના એક પોલીસ સ્ટેશન પર થયેલા ભીષણ આતંકી હુમલામાં આશરે 24 લોકોએ જીવ ગુમાવ્યા બાદ સ્થિતિ ફરી વણસી હતી. આ ઘટના બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ આવી ગઈ હતી અને હવે ગુલિસ્તાન સરહદે થયેલી હિંસક અથડામણે બંને દેશો વચ્ચે ફરી એકવાર યુદ્ધ જેવો માહોલ ઊભો કરી દીધો છે.
દોસ્તમાંથી કઈ રીતે બન્યા કટ્ટર વિરોધી?
એક સમયે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન સ્થાપિત કરવામાં મદદ કરનાર પાકિસ્તાન આજે તેમનો જ કટ્ટર વિરોધી બની ગયું છે. પાકિસ્તાનનો આક્ષેપ છે કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ પાકિસ્તાન વિરોધી આતંકવાદી સંગઠનો (જેમ કે TTP) દ્વારા તેમની વિરુદ્ધ હુમલા કરવા માટે થઈ રહ્યો છે. સરહદ વિવાદ અને અવારનવાર થતા ઘૂસણખોરીના પ્રયાસોને કારણે ભૂતકાળના આ બે મિત્ર દેશો આજે એકબીજાના સામસામે આવીને ઊભા રહી ગયા છે.








