Why did floods occur in nepal: નેપાળના રસુવા જિલ્લામાં ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં આવેલા વિનાશક પૂરને લઈને હવે ચીન અને નેપાળના દાવા અલગ-અલગ સામે આવ્યા છે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિનહુઆના જણાવ્યા મુજબ નેપાળમાં આવેલા ભૂસ્ખલનને કારણે આ વિનાશક પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ, નેપાળના અધિકારીઓનું કહેવું છે કે ભોટેકોશી નદીમાં પૂર તિબેટ તરફથી શરૂ થયું હતું. બંને દેશોના અલગ દાવાને કારણે પૂરનું ચોક્કસ કારણ હાલ ચર્ચાનો વિષય બન્યું છે.
ચીનમાં પણ ભારે નુકસાન, શી જિનપિંગે આપ્યા બચાવના આદેશ
ચીનના જણાવ્યા મુજબ, આ કુદરતી આફતની અસર દક્ષિણ-પશ્ચિમ ચીનના શિઝાંગ સ્વાયત્ત ક્ષેત્રના ગ્યિરોંગ સરહદી વિસ્તારમાં પણ થઈ છે. અહીં પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે અને કેટલાક લોકો લાપતા હોવાનું જણાવાયું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા અને લાપતા લોકોને શોધવા માટે તમામ પ્રયાસો કરવા સૂચના આપી છે. તેમણે જોખમવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવા પણ આદેશ આપ્યો છે.
નેપાળમાં રસુવા અને નુવાકોટમાં ભારે તબાહી
નેપાળના અધિકારીઓના જણાવ્યા મુજબ, ભોટેકોશી નદીમાં અચાનક આવેલા પૂરના કારણે રસુવા અને નુવાકોટ જિલ્લામાં મોટા પાયે નુકસાન થયું છે. અનેક મકાનો, બજારો, બેંકો અને પુલો પૂરની ઝપેટમાં આવ્યા છે. કેટલાક કાંકરીટના પુલ પણ પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. નેપાળ તરફથી મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 22 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે Nepal Tourism Boardના જણાવ્યા અનુસાર 291 વિદેશી નાગરિકો અને અન્ય લોકો સહિત કુલ 384 લોકો લાપતા છે. લાપતા લોકોની શોધખોળ માટે બચાવ અને રાહત ટીમો સતત કામગીરી કરી રહી છે.
અગાઉ પણ ભોટેકોશીમાં આવી આફત આવી હતી
ભોટેકોશી નદી વિસ્તારમાં અગાઉ પણ અચાનક પૂર જેવી ઘટના બની ચૂકી છે. 8 જુલાઈ, 2025ના રોજ નેપાળ-ચીન સરહદ નજીક લેન્ડે નદી વિસ્તારમાં અચાનક ભારે પાણીનો પ્રવાહ આવ્યો હતો. તે સમયે પ્રાથમિક તપાસમાં હિમનદીની ઝીલ ફાટવાને કારણે પૂર આવ્યું હોવાનું સામે આવ્યું હતું અને ઉપગ્રહ તસવીરોના વિશ્લેષણમાં પણ આ શક્યતાને સમર્થન મળ્યું હતું. હાલની ઘટનામાં પણ હિમસ્ખલનના કારણે નદીનો પ્રવાહ અટકીને પાણી એકઠું થયું અને ત્યારબાદ અચાનક નીચે તરફ ધસી આવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હાલ પૂરનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.








