Raj Thackeray raises questions: નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહને 72 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર દિલ્હીથી ગુજરાતના કેવડિયા ખસેડવાના નિર્ણય સામે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ નિર્ણયને લઈને સવાલ ઉઠાવતા આરોપ લગાવ્યો કે મુંબઈનું મહત્વ ઘટાડવાના પ્રયાસો બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની ભૂમિકા પણ ધીમે ધીમે ઓછી કરવાની કોશિશ થઈ રહી છે. રાજ ઠાકરેએ ભાજપ સરકારને નિશાન બનાવી કહ્યું કે પોતાની રીતે કંઈ નવું ઊભું ન કરી શકનારાઓ જૂની પરંપરાઓ, નામો અને સ્થળોમાં ફેરફાર કરીને અલગ પ્રકારનો ઇતિહાસ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મુંબઈને કેમ પસંદ કરવામાં આવ્યું નહીં?
રાજ ઠાકરેએ પૂછ્યું કે જો નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું સ્થળ બદલવાનું જ હતું તો મુંબઈને કેમ પસંદ કરવામાં આવ્યું નહીં? તેમણે દાદાસાહેબ ફાળકે સાથે જોડાયેલા મહારાષ્ટ્ર ઉપરાંત તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ કે તેલંગાણા જેવા રાજ્યોનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં ફિલ્મ ઉદ્યોગનું મોટું યોગદાન છે. તેમના મતે દક્ષિણ ભારતના રાજ્યોમાં સિનેમાએ સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેથી ખાસ કેવડિયાને જ પસંદ કરવાનો નિર્ણય શા માટે લેવાયો તે અંગે તેમણે કેન્દ્ર પાસે સ્પષ્ટતા માગી છે.
મોદી-શાહના નેતૃત્વ પર પણ નિશાન સાધ્યું
MNS પ્રમુખે પોતાના નિવેદનમાં કોમનવેલ્થ ગેમ્સ, 2023ના ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ, વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોની ગુજરાત મુલાકાત અને ગિફ્ટ સિટી જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરીને મોદી-શાહના નેતૃત્વ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે સવાલ કર્યો કે આ રીતે કાર્યક્રમો અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને ગુજરાત તરફ ખસેડીને દેશને શું સંદેશ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજ ઠાકરેએ ઓસ્કારનું ઉદાહરણ આપતા કહ્યું કે અમેરિકાના વિવિધ રાષ્ટ્રપતિઓએ ઓસ્કારના પરંપરાગત આયોજન સ્થળમાં ફેરફાર કરવાનો પ્રયાસ કર્યો નથી. તેમણે કલાકારોને પણ આ નિર્ણય સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી છે.
પ્રાદેશિક અસ્મિતા અને ઓળખ સામે ગંભીર અસર પડી
અંતમાં રાજ ઠાકરેએ ગુજરાતી લોકોને પણ આ મુદ્દે સાવચેત રહેવાની અપીલ કરી અને કહ્યું કે માત્ર પોતાની ભાષા બોલતા નેતાઓ સત્તામાં હોવાનો આનંદ લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેમણે દાવો કર્યો કે દેશના અન્ય પ્રદેશો સાથે થતા અન્યાયનો જવાબ ભવિષ્યમાં લોકો આપશે. સાથે જ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કલાકારો તથા રાજ્યોને આ મુદ્દે મજબૂત વલણ અપનાવવાની અપીલ કરતાં ચેતવણી આપી કે જો સમયસર અવાજ નહીં ઉઠાવવામાં આવે તો પ્રાદેશિક અસ્મિતા અને ઓળખ સામે ગંભીર અસર પડી શકે છે.








