Irans supreme leaders: ઈસ્લામાબાદમાં અમેરિકા સાથે યોજાનારી અત્યંત મહત્વની શાંતિ મંત્રણા પૂર્વે ઈરાનનું વલણ આક્રમક બન્યું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ પાકિસ્તાન રવાના થતા પહેલા એક શક્તિશાળી નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પોતાના અધિકારો સાથે કોઈ બાંધછોડ કરશે નહીં અને તેના પર હુમલો કરનાર દુશ્મનોને કોઈપણ સંજોગોમાં માફ કરવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન પોતે યુદ્ધ ઈચ્છતું નથી, પરંતુ જો ફરીથી ઉશ્કેરણી કરવામાં આવશે તો તેના પરિણામો ભયાનક આવશે. ખામેનેઈએ દાવો કર્યો હતો કે ઈરાને અમેરિકાને પોતાની શરતો માનવા માટે મજબૂર કર્યું છે.
ખામેનેઈએ અમેરિકા અને ઈઝરાયેલને ચેતવણી આપી
વૈશ્વિક સ્તરે ઈરાન હવે એક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું હોવાનું જણાવતા ખામેનેઈએ અમેરિકા અને ઈઝરાયેલને ચેતવણી આપી હતી કે તેઓ ઈરાન પર હુમલો કરતા પહેલા સો વાર વિચાર કરે. તેમણે રણનીતિક રીતે અત્યંત મહત્વના ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' (Hormuz Strait) નો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે ઈરાન આ માર્ગનો ઉપયોગ પોતાના આર્થિક લાભ માટે કરશે. અત્યાર સુધી ઘણી ભલાઈ કરી લીધી, પરંતુ હવે ઈરાનના દરેક નુકસાનની ભરપાઈ દુશ્મનોએ કરવી પડશે અને શહીદોના લોહીની કિંમત વસૂલવામાં આવશે.
ઈઝરાયેલના હુમલાઓ તાત્કાલિક બંધ થવા જોઈએ
બીજી તરફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કીયાને પણ ઈઝરાયેલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે લેબેનોન પર ઈઝરાયેલના હુમલાઓ તાત્કાલિક બંધ થવા જોઈએ, કારણ કે આ હુમલાઓ સીઝફાયરના કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. પેજેશ્કીયાને ચેતવણી આપી હતી કે જો ઈઝરાયેલ પીછેહઠ નહીં કરે તો પાકિસ્તાનમાં યોજાનારી આ મંત્રણાનો કોઈ અર્થ રહેશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભલે અત્યારે યુદ્ધવિરામ થયો હોય, પરંતુ ઈરાની સેનાની આંગળી હજુ પણ બંદૂકના ટ્રિગર પર જ છે અને કોઈપણ પ્રકારની દગાખોરી સાંખી લેવામાં આવશે નહીં.
ઈઝરાયેલી હુમલાઓમાં 200થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા
લેબેનોનની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા રાષ્ટ્રપતિએ ઉમેર્યું કે ઈઝરાયેલી હુમલાઓમાં 200થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે. તેમણે અમેરિકાના વલણ સામે પણ પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે એકતરફ વોશિંગ્ટન શાંતિની વાતો કરે છે અને બીજી તરફ ઈઝરાયેલ હુમલા ચાલુ રાખે છે. પેજેશ્કીયાને અંતમાં જણાવ્યું કે ઈઝરાયેલના વડાપ્રધાનની આ મનમાની અંતે અમેરિકાને જ ભારે પડશે, કારણ કે તેમના નિર્ણયો અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે મોટું અંતર જોવા મળી રહ્યું છે. આ નિવેદનોએ આગામી મંત્રણાઓ પૂર્વે વાતાવરણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.








