US 100 Percent Tariff Law: અમેરિકી કોંગ્રેસમાં રશિયા અને ઈરાન પર પ્રતિબંધો લગાવતું નવું બિલ પસાર થયા બાદ ભારત સરકારે પોતાની સ્થિતિ એકદમ સ્પષ્ટ કરી દીધી છે. ભારત સરકારે કડક શબ્દોમાં જણાવ્યું છે કે દેશના 1.4 અબજ નાગરિકોની ઉર્જા સુરક્ષા (Energy Security) સુનિશ્ચિત કરવી એ અમારી પ્રાથમિકતા છે અને આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કે બાંધછોડ કરવામાં આવશે નહીં. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના આર્થિક અને વેપારી હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી અને યોગ્ય પગલાં ભરશે.
શું છે આ નવો અમેરિકી કાયદો અને ટેરિફની જોગવાઈ?
અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ‘લિન્ડસે ઓ. ગ્રાહમ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026’ બિલ 262-159 ના મતોથી પસાર થઈ ચૂક્યું છે. આ અગાઉ સેનેટમાં પણ તેને મોટા બહુમતીથી મંજૂરી મળી ગઈ હતી. હવે આ બિલ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે મોકલવામાં આવશે. આ કાયદા હેઠળ અમેરિકી રાષ્ટ્રપતિને એ સત્તા મળે છે કે તેઓ રશિયા પાસેથી કાચું તેલ કે ગેસ ખરીદનારા દેશો પર 100 ટકા સુધીનો ભારે ટેરિફ લાદી શકે છે. આ બિલનો મુખ્ય હેતુ રશિયાના ઉર્જા ક્ષેત્ર પર આર્થિક દબાણ લાવવાનો છે.
કૂટનીતિક સ્તરે ભારતે રજૂ કર્યો પોતાનો પક્ષ
આ કાયદાકીય પ્રક્રિયા વચ્ચે ભારતના વિદેશ મંત્રાલયે જણાવાયું છે કે ભારતે અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરી છે. ભારતે અમેરિકી પક્ષને સ્પષ્ટ કરાવ્યું છે કે આવા નિર્ણયોથી દ્વિપક્ષીય વેપાર સંબંધો અને વૈશ્વિક ઉર્જા બજારની સ્થિરતા પર નકારાત્મક અસર પડી શકે છે. ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે કોઈ એક દેશ પર નિર્ભર નથી પરંતુ વૈવિધ્યસભર સ્ત્રોતો અને બજારની સ્થિતિ મુજબ નિર્ણય લે છે અને આગળ પણ લેતું રહેશે.
ભારત અને વૈશ્વિક ઉર્જા બજાર પર સંભવિત અસર
પશ્ચિમી દેશોના પ્રતિબંધો પછી રશિયા પાસેથી વ્યાજબી દરે મળતું કાચું તેલ ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયું છે. જોકે, આ કાયદામાં ભારતનું નામ આવવાનો અર્થ એ નથી કે તુરંત જ 100% ટેરિફ લાગુ થઈ ગયો છે, પણ આ એક સંભવિત સત્તા અમેરિકી પ્રમુખને આપે છે. જો ભવિષ્યમાં આ જોગવાઈનો ઉપયોગ કરવામાં આવે તો અમેરિકામાં નિકાસ થતી ભારતીય ચીજવસ્તુઓની કિંમત વધી શકે છે, પરંતુ ભારત સરકારે આ પરિસ્થિતિનો સામનો કરવા ભારતીય ઉદ્યોગ જગત સાથે મળીને મજબૂત રણનીતિ બનાવવાની તૈયારી દર્શાવી છે.








