Putin BRICS business forum speech: નવી દિલ્હીમાં યોજાયેલી BRICS બિઝનેસ સમિટ 2026ને સંબોધતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને G7 દેશો પર આકરો કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે વિશ્વનું અર્થતંત્ર હાલમાં મોટા અને મૂળભૂત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે અને વૈશ્વિક આર્થિક શક્તિનું સંતુલન હવે નવા કેન્દ્રો તરફ આગળ વધી રહ્યું છે. પુતિનના જણાવ્યા મુજબ BRICS દેશો વચ્ચે મજબૂત બિઝનેસ સંબંધો ભવિષ્યની આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
G7 દેશોનો હિસ્સો આશરે 29 ટકા રહ્યો છે
પુતિને BRICS અને G7ની આર્થિક શક્તિની સરખામણી કરતા કહ્યું કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વિશ્વના કુલ GDPમાં 40 ટકાથી વધુ હિસ્સો BRICS દેશોનો રહ્યો છે, જ્યારે G7 દેશોનો હિસ્સો આશરે 29 ટકા રહ્યો છે. તેમણે G7ને ‘ગ્રેટ-7’ કહેવા અંગે પણ કટાક્ષ કરતા સવાલ કર્યો કે આ દેશો પોતાને આ નામથી કેમ ઓળખાવે છે. પુતિને વધુમાં દાવો કર્યો કે છેલ્લા પાંચ વર્ષના વૈશ્વિક આર્થિક વિકાસમાં BRICS દેશોનો હિસ્સો અડધાથી વધુ રહ્યો છે, જ્યારે G7નો ફાળો માત્ર 18 ટકા જેટલો રહ્યો છે. તેમના આ નિવેદન બાદ સમિટમાં હાજર લોકોએ તાળીઓથી પ્રતિસાદ આપ્યો હતો.
દેશોને વિશાળ અને ગતિશીલ સ્થાનિક બજારોનો લાભ મળે
પુતિને કહ્યું કે BRICS દેશોમાં વિશ્વની 50 ટકાથી વધુ વસતી રહે છે, જેના કારણે આ દેશોને વિશાળ અને ગતિશીલ સ્થાનિક બજારોનો લાભ મળે છે. તેમના મતે આ બજારો આર્થિક સ્થિરતા અને વિકાસ માટે મહત્વપૂર્ણ આધાર પૂરો પાડે છે. તેમણે કહ્યું કે 20મી સદીના બીજા ભાગમાં વૈશ્વિક આર્થિક વિકાસનું નેતૃત્વ કરનારા જૂના દેશોની સાથે હવે નવા ગ્રોથ એન્જિન પણ ઝડપથી આગળ આવી રહ્યા છે અને વૈશ્વિક અર્થતંત્રમાં તેમની ભૂમિકા સતત વધી રહી છે.
પરિવર્તન પ્રકૃતિ અને અર્થતંત્ર બંનેનો નિયમ છે
જોકે, પુતિને એ પણ સ્વીકાર્યું કે પશ્ચિમી દેશો પાસે હજુ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન ટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે મોટો પાયો છે. તેમ છતાં તેમણે કહ્યું કે પરિવર્તન પ્રકૃતિ અને અર્થતંત્ર બંનેનો નિયમ છે અને વિશ્વનું આર્થિક સંતુલન સતત બદલાતું રહે છે. તેમના મતે વૈશ્વિક સત્તા અને આર્થિક પ્રભાવનું કેન્દ્ર હવે ધીમે ધીમે નવા દેશો અને નવા આર્થિક જૂથો તરફ ખસી રહ્યું છે.








