Bangladesh Violence Erupts: બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને હિંસાનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. મંગળવારે રાત્રે બાંગ્લાદેશના ફરીદપુર અને ગોપાલગંજ જિલ્લામાં અચાનક હિંસા ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ફરીદપુરના ભાંગા વિસ્તારમાં પોલીસ અને પ્રતિબંધિત અવામી લીગના સમર્થકો વચ્ચે થયેલી હિંસક ઝડપમાં સત્તાધારી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના સ્થાનિક કિસાન વિંગના નેતા રાજુ મોલ્લાનું મોત નીપજ્યું છે. આ હત્યાની ખબર ફેલાતા જ સમગ્ર પંથકમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી અને પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી.
પોલીસ સ્ટેશન પર હુમલો અને સાંસદના નિવાસસ્થાને આગચંપી
આ હિંસાની શરૂઆત ગોપાલગંજના તુંગીપાડા ઉપ-જિલ્લામાં અવામી લીગના કેટલાક શંકાસ્પદ સમર્થકોની ધરપકડ બાદ થઈ હતી. ધરપકડના વિરોધમાં ઉશ્કેરાયેલા ટોળાએ તુંગીપાડા પોલીસ સ્ટેશન પર હુમલો કરીને તેને આગ ચાંપી દીધી હતી. આટલેથી ન અટકતા, હિંસક ભીડે ગોપાલગંજ-3 બેઠકના બીએનપી સાંસદ એસ.એમ. જીલાનીના ઘરને પણ નિશાન બનાવ્યું હતું. હુમલાખોરોએ સાંસદના ઘરમાં તોડફોડ કરીને આગ લગાવી દીધી હતી. સદનસીબે, સમયસૂચકતા વાપરીને સાંસદના પરિવારના સભ્યો ત્યાંથી સુરક્ષિત રીતે ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી.
પાર્ટી કાર્યાલયો અને વાહનોને બનાવ્યા નિશાન
ગોપાલગંજ અને ફરીદપુરના હાઈવે પર પણ હિંસાની અસર જોવા મળી હતી. તોફાની તત્વોએ બીએનપીની સ્થાનિક કચેરીમાં તોડફોડ કરીને આગ લગાવી દીધી હતી, તેમજ રસ્તા પર ઉભેલી અનેક મોટરસાઈકલોને પણ ફૂંકી મારી હતી. આગજની અને પથ્થરમારાની ઘટનાઓને પગલે હાઈવે પર વાહનવ્યવહાર કલાકો સુધી ખોરવાઈ ગયો હતો અને સ્થાનિક લોકોમાં ભારે દહેશત ફેલાઈ હતી.
રાજધાની ઢાકામાં પણ અશાંતિ: 4 બસો સળગાવાઈ
હિંસાની જ્વાળાઓ માત્ર ગોપાલગંજ કે ફરીદપુર પૂરતી સીમિત ન રહેતા રાજધાની ઢાકા સુધી પહોંચી હતી. ઢાકાના વિવિધ વિસ્તારોમાં અજ્ઞાત શખ્સોએ ચાર જેટલી બસોમાં આગ ચાંપી દીધી હતી અને કેટલાક સ્થળોએ દેશી બોમ્બ ફોડીને દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઢાકામાં બનેલી આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી, પરંતુ જાહેર સંપત્તિને મોટું નુકસાન પહોંચ્યું છે.
ગૃહમંત્રીની કડક કાર્યવાહીની ચેતવણી અને સુરક્ષામાં વધારો
સમગ્ર ઘટનાક્રમ પર કડક વલણ અપનાવતા બાંગ્લાદેશના ગૃહમંત્રી સલાઉદ્દીન અહમદે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, કાયદો હાથમાં લેનારા એક પણ હુમલાખોરને બક્ષવામાં આવશે નહીં અને તેમની ઓળખ કરીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલની ગંભીર પરિસ્થિતિને જોતા સમગ્ર બાંગ્લાદેશમાં, ખાસ કરીને ઢાકા અને ગોપાલગંજમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવી દેવામાં આવી છે. પોલીસ અને સુરક્ષા દળોએ ઠેર-ઠેર ચેકપોઇન્ટ્સ ઊભા કર્યા છે અને રાત્રિ દરમિયાન સઘન પેટ્રોલિંગ તથા વાહનોની તલાશી તેજ કરી દીધી છે.








