US Tariffs on India: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ એગ્રીમેન્ટ અંગેની ચર્ચાઓ વચ્ચે અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ (USTR)એ ભારતને એવા દેશોમાં સામેલ કર્યું છે, જે તેના મત મુજબ અયોગ્ય અથવા ખોટી વેપાર પદ્ધતિઓ અપનાવે છે. આ તપાસના પરિણામોના આધારે USTRએ આવા દેશોમાંથી અમેરિકામાં આવતા આયાતી માલ પર 10%થી 12.5% સુધીનો વધારાનો ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ભારત વિશે શું નોંધાયું?
USTRએ સેક્શન 301 હેઠળ કરવામાં આવેલી 60 તપાસોના પરિણામો જાહેર કર્યા છે. તેમાં ભારતને એવી 54 અર્થવ્યવસ્થાઓમાં સામેલ કરવામાં આવ્યું છે, જ્યાં USTRના મૂલ્યાંકન મુજબ બળજબરીપૂર્વક મજૂરી દ્વારા બનાવવામાં આવેલા માલના આયાતને રોકવા અથવા તેના પર અસરકારક પ્રતિબંધ મૂકવા માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા નથી.
ટેક્સટાઇલ અને કપડાં માટે અલગ વ્યવસ્થાનો પ્રસ્તાવ
USTRએ ટેક્સટાઇલ અને કપડાં માટે એક અલગ વ્યવસ્થાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે, જેના હેઠળ પસંદગીના અર્થતંત્રોમાંથી ચોક્કસ જથ્થામાં આયાતને ઘટાડેલા 'કલમ 301' ટેરિફ દરો પર યુ.એસ. બજારમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. એજન્સીએ વધુમાં આ તપાસના પરિણામોના આધારે યોગ્ય વેપાર પગલાં લેવાનો પોતાનો હેતુ દર્શાવ્યો. અમેરિકાના ટ્રેડ પ્રતિનિધિ રાજદૂત જેમિસન ગ્રીરે જણાવ્યું હતું,"અમારા મહત્વપૂર્ણ વેપારી ભાગીદારો દ્વારા બળજબરીપૂર્વકની મજૂરીથી બનેલા માલના આયાતના મુદ્દાને ઉકેલવામાં નિષ્ફળતા સ્વીકાર્ય નથી. આ સ્થિતિમાં અમેરિકન કામદારોને વૈશ્વિક સ્તરે અસમાન સ્પર્ધાનો સામનો કરવો પડે છે."
ભારત સહિત 60 દેશો પર લાગશે નવો ટેરિફ?
USTRના જણાવ્યા અનુસાર 60 અર્થવ્યવસ્થાઓ એવી છે, જે બળજબરીપૂર્વકની મજૂરીથી બનેલા માલના આયાત પર પ્રતિબંધ મૂકવામાં અને તેનું અસરકારક અમલીકરણ કરવામાં નિષ્ફળ રહી છે. આ દેશો અને અર્થવ્યવસ્થાઓમાં અલ્જીરિયા, અંગોલા, અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બહામાસ, બહેરિન, બાંગ્લાદેશ, બ્રાઝિલ, કમ્બોડિયા, ચિલી, કોલંબિયા, કોસ્ટા રિકા, ડોમિનિકન રિપબ્લિક, ઇજિપ્ત, એલ સલ્વાડોર, ગ્વાટેમાલા, ગાયાના, હોન્ડુરાસ, હોંગકોંગ, ચીન, ભારત, ઇરાક, ઇઝરાયલ, જાપાન, જોર્ડન, કઝાકિસ્તાન, કુવૈત, લિબિયા, મલેશિયા, મોરોક્કો, ન્યૂઝીલેન્ડ, નિકારાગુઆ, નાઇજીરિયા, નોર્વે, ઓમાન, પેરુ, ફિલિપાઇન્સ, કતાર, રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, શ્રીલંકા, સ્વિટ્ઝરલેન્ડ, તાઇવાન, થાઇલેન્ડ, ટ્રિનિડાડ અને ટોબેગો, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ, ઉરુગ્વે, વેનેઝુએલા, કેનેડા, ઇક્વાડોર, યુરોપિયન યુનિયન, ઇન્ડોનેશિયા, મેક્સિકો, પાકિસ્તાન અને વિયેતનામનો સમાવેશ થાય છે.
સેક્શન 301 શું છે?
સેક્શન 301 અમેરિકાના 1974ના ટ્રેડ એક્ટની એક જોગવાઈ છે. તે USTRને અન્ય દેશોની વેપાર નીતિઓ, પ્રથાઓ અને પગલાંની તપાસ કરવાનો અધિકાર આપે છે. આ તપાસનો હેતુ તે જાણવાનો છે કે, કોઈ દેશની નીતિઓ અથવા પગલાં અમેરિકાના વેપાર અને વ્યાપારી હિતો માટે અયોગ્ય, ભેદભાવપૂર્ણ અથવા બિનજરૂરી અવરોધરૂપ તો નથી ને? જો તપાસમાં એવું સાબિત થાય કે કોઈ દેશ એવી નીતિઓ અપનાવે છે જે અમેરિકાના વેપારને નુકસાન પહોંચાડે છે, તો સેક્શન 301 હેઠળ અમેરિકી સરકારને સુધારાત્મક પગલાં લેવાનો અધિકાર મળે છે. આવા પગલાંમાં ઊંચા ટેરિફ લગાવવા, વેપાર પર પ્રતિબંધો મૂકવા અથવા ઓળખાયેલા મુદ્દાઓને ઉકેલવા માટે અન્ય જરૂરી વેપારી પગલાં અમલમાં મૂકવાનો સમાવેશ થઈ શકે છે.








