American Journalist: અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકોને લઈને નફરત ફેલાવતા તત્ત્વો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. અમેરિકાના જાણીતા જમણેરી વિચારધારાના કાર્યકર્તા અને પત્રકાર મેટ ફોર્ની દ્વારા કરવામાં આવેલી એક ઉશ્કેરણીજનક સોશિયલ મીડિયા પોસ્ટે ભારતીય સમુદાયમાં ચિંતા ફેલાવી છે. ફોર્નીએ પોતાની પોસ્ટમાં દાવો કર્યો હતો કે વર્ષ 2026માં અમેરિકામાં ભારતીયો સામે વ્યાપક હિંસા થવાની શક્યતા છે અને તેમના બચાવનો એકમાત્ર રસ્તો તેમને ભારત પરત મોકલવાનો છે.
હિન્દુ મંદિરો પર હિંસક હુમલાઓ કરવામાં આવશે
મેટ ફોર્નીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કરેલી પોસ્ટમાં એવી આગાહી કરી હતી કે આગામી વર્ષોમાં ભારતીયો પ્રત્યેની નફરત તેની ચરમસીમાએ પહોંચશે. તેના કહેવા પ્રમાણે, ભારતીયોના ઘરો, વ્યવસાયો અને ખાસ કરીને હિન્દુ મંદિરો પર હિંસક હુમલાઓ કરવામાં આવશે. વધુ વિવાદાસ્પદ રીતે, તેણે આ હુમલાઓ માટે શ્વેત અમેરિકનોને નહીં પરંતુ આફ્રિકન-અમેરિકન, હિસ્પેનિક અને પાકિસ્તાની મૂળના લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. ફોર્નીએ દાવો કર્યો હતો કે ભારતીયોના જીવ બચાવવા માટે અત્યારે જ તેમને ‘ડિપોર્ટ’ કરીને ભારત મોકલવા જોઈએ. ભારે વિરોધ અને ટીકા બાદ આ પોસ્ટ તેણે ડિલિટ કરી હતી.
‘ધ બ્લેઝ’માંથી બહાર કરવામાં આવ્યો હતો
મેટ ફોર્ની લાંબા સમયથી ઇમિગ્રેશન વિરોધી વિચારો માટે ઓળખાય છે. તે અમેરિકામાં ભારતીય વ્યાવસાયિકોને રોજગાર આપતા H-1B વિઝા કાર્યક્રમનો ખુલ્લેઆમ વિરોધ કરતો રહ્યો છે. ભારતીય મૂળના લોકો વિરુદ્ધ નફરતભર્યા અને અપમાનજનક નિવેદનો આપવાના કારણે તેને તાજેતરમાં જ જાણીતા અમેરિકન મીડિયા આઉટલેટ ‘ધ બ્લેઝ’માંથી બહાર કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર તે વારંવાર ભારતીયો અંગે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરતો રહ્યો છે, જેના કારણે અગાઉ પણ તે વિવાદોમાં ફસાયો છે.
સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા કર્યા
ફોર્નીના આ નિવેદનોએ અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં ગંભીર ચિંતા ઊભી કરી છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના વિવિધ શહેરોમાં હિન્દુ મંદિરો પર થયેલા તોડફોડ અને હુમલાના બનાવોએ પહેલેથી જ સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે. આવા સંજોગોમાં, જાણીતા જાહેર વ્યક્તિત્વ દ્વારા કરવામાં આવેલી ધમકીભરી ભાષા સામાજિક તણાવ વધારી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકીય એજન્ડાને આગળ ધપાવવા
નિષ્ણાતો ફોર્નીના દાવાઓને પાયાવિહોણી અને ભય ફેલાવનારી નિવેદનબાજી ગણાવે છે. તેમનું કહેવું છે કે આ પ્રકારની આગાહીઓ કોઈ વૈજ્ઞાનિક કે ગુપ્તચર આધાર પર આધારિત નથી, પરંતુ માત્ર નફરત અને રાજકીય એજન્ડાને આગળ ધપાવવા માટે કરવામાં આવે છે. અમેરિકાની સાયબર સેલ અને કાયદા અમલ એજન્સીઓ સોશિયલ મીડિયા પર ફેલાતી દ્વેષપૂર્ણ ભાષણો અને ધમકીઓ પર નજર રાખી રહી હોવાનું પણ જણાવાયું છે.
ભારતીય-અમેરિકન સમુદાય માટે જ નહીં
વિશ્લેષકોના મતે, મેટ ફોર્ની જેવા લોકો દ્વારા ફેલાવવામાં આવતી નફરત માત્ર ભારતીય-અમેરિકન સમુદાય માટે જ નહીં, પરંતુ અમેરિકાના સામાજિક માળખા અને બહુસાંસ્કૃતિક મૂલ્યો માટે પણ ખતરારૂપ સાબિત થઈ શકે છે. આવા નિવેદનો સામે કાયદાકીય કાર્યવાહી અને સામાજિક જાગૃતિ જ સૌથી અસરકારક જવાબ હોવાનું માનવામાં આવે છે.








