US-china Trade Dispute: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચેનો ટકરાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. શુક્રવારે ટ્રમ્પે કેનેડાને ગંભીર ચેતવણી આપતા કહ્યું કે જો તે અમેરિકાને છોડીને ચીન સાથે મિત્રતા વધારશે, તો ચીન તેને એક વર્ષની અંદર જ બરબાદ કરી દેશે. ટ્રમ્પે દાવો કર્યો કે કેનેડાની વર્તમાન નીતિઓ ઉત્તર અમેરિકાની સુરક્ષા માટે મોટું જોખમ છે. આ વિવાદની શરૂઆત ટ્રમ્પના મહત્વાકાંક્ષી 'ગોલ્ડન ડોમ' મિસાઈલ પ્રોજેક્ટના વિરોધથી થઈ હતી, જે હવે બંને દેશો વચ્ચેના અસ્તિત્વની લડાઈમાં ફેરવાઈ ગઈ છે.
દાવોસમાં કાર્નીનો પડકાર: ‘અમેરિકાના પ્રભુત્વનો યુગ પૂરો’
સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) દરમિયાન માર્ક કાર્નીએ આપેલા એક નિવેદનથી ટ્રમ્પ લાલચોળ થઈ ગયા હતા. કાર્નીએ વૈશ્વિક મંચ પરથી કહ્યું હતું કે, "અમેરિકાના પ્રભુત્વવાળી જૂની વૈશ્વિક વ્યવસ્થા હવે સમાપ્ત થઈ ચૂકી છે." આ નિવેદન ટ્રમ્પના 'અમેરિકા ફર્સ્ટ' એજન્ડા પર સીધો પ્રહાર હતો. કાર્નીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે દુનિયા હવે કોઈ એક દેશના ઈશારે ચાલવા માટે બંધાયેલી નથી, જેના કારણે વ્હાઈટ હાઉસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ટ્રમ્પ: કેનેડા તો અમેરિકાના કારણે જીવતું છે
કાર્નીના નિવેદન પર આકરો પલટવાર કરતા ટ્રમ્પે દાવોસમાં જ કહ્યું કે, કેનેડાએ અમેરિકાનું આભારી હોવું જોઈએ કારણ કે તેમનો દેશ અમેરિકાના ટેકાથી જ ટકી રહ્યો છે. ટ્રમ્પે સીધું સંબોધન કરતા કહ્યું કે, "કેનેડિયન પીએમને ખબર હોવી જોઈએ કે તેમનો દેશ અમેરિકાના પ્રતાપે જીવંત છે. આગામી વખતે નિવેદન આપતા પહેલા તેઓ આ સત્ય યાદ રાખે તો સારું." ટ્રમ્પની આ ટિપ્પણીથી કેનેડાના રાજકીય વર્તુળોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
કાર્નીનો સણસણતો જવાબ: અમે પોતાની મહેનતથી સમૃદ્ધ છીએ
22 જાન્યુઆરીએ માર્ક કાર્નીએ ટ્રમ્પના અહંકારને તોડતો જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કેનેડા અને અમેરિકા વચ્ચે સુરક્ષા અને અર્થતંત્રમાં સારી ભાગીદારી છે, પરંતુ એનો અર્થ એ નથી કે કેનેડા અમેરિકાની દયા પર નભે છે. કાર્નીએ વધુમાં ઉમેર્યું કે કેનેડા પોતાના સંસાધનો અને કેનેડિયન હોવાની ઓળખના કારણે સમૃદ્ધ થઈ રહ્યું છે. આ નિવેદન બાદ ટ્રમ્પે કેનેડાને ગાઝા 'બોર્ડ ઓફ પીસ'માં સામેલ થવાનું આમંત્રણ પાછું ખેંચી લઈને સત્તાવાર રીતે સંબંધોમાં ખટાશ લાવી દીધી છે.
ચીન સાથેની નિકટતા વિવાદનું કેન્દ્ર
અમેરિકાની નારાજગીનું મૂળ કેનેડાની ચીન સાથેની વધતી નિકટતા છે. પીએમ માર્ક કાર્નીએ 13 થી 17 જાન્યુઆરી દરમિયાન ચીનની મુલાકાત લીધી હતી અને મહત્વના વેપાર કરારો કર્યા હતા. આ કરારોમાં કેનેડિયન ખેતી પેદાશો પર ટેરિફ ઘટાડવા અને ચીની ઇલેક્ટ્રિક વાહનો (EV) માટે ક્વોટા નક્કી કરવા જેવી બાબતો સામેલ છે. ટ્રમ્પ માને છે કે કેનેડાના આ પગલાથી ચીનને ઉત્તર અમેરિકાના બજારમાં ઘૂસણખોરી કરવાની તક મળશે, જે લાંબા ગાળે સુરક્ષા માટે ખતરો બની શકે છે.
શું હવે ટ્રેડ-વોર શરૂ થશે?
ટ્રમ્પ અને કાર્ની વચ્ચેના આ વ્યક્તિગત અને રાજકીય ટકરાવની અસર હવે બંને દેશોના અર્થતંત્ર પર પડી શકે છે. જો ટ્રમ્પ કેનેડા પર આકરા આર્થિક પ્રતિબંધો લાદશે, તો હજારો બિઝનેસ અને સરહદી વેપારને માઠી અસર થશે. નિષ્ણાતો માને છે કે જો કેનેડા ચીન તરફ વધુ ઝુકશે, તો ટ્રમ્પ તેને 'શત્રુ દેશ' જેવી ટ્રીટમેન્ટ આપી શકે છે. આવનારા દિવસોમાં આ 'કોલ્ડ વોર' નવું શું વળાંક લે છે, તેના પર આખી દુનિયાની નજર છે.








