Zelensky Accuses SpaceX of Blocking Starlink in Ukraine War: રશિયા સામેના લાંબા સમયથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે યુક્રેન માટે એકાએક નવી મોટી મુશ્કેલી ઊભી થઈ છે. તાજેતરના અહેવાલો અનુસાર, વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ એલોન મસ્કની કંપની સ્પેસએક્સ (SpaceX) પર યુક્રેની સેના દ્વારા ઉપયોગમાં લેવાતી 'સ્ટારલિંક' (Starlink) સેટેલાઇટ ઇન્ટરનેટ સેવામાં જાણી જોઈને અવરોધ ઊભો કરવાનો ગંભીર આક્ષેપ થયો છે. મસ્કના આ કથિત નિર્દેશોને કારણે યુક્રેનની રાજધાની કીવમાં ભારે હડકંપ મચી ગયો છે, કારણ કે યુક્રેનની સૈન્ય રણનીતિ મોટાભાગે આ ઇન્ટરનેટ નેટવર્ક પર જ આધારિત છે.
રાત્રે અચાનક ઇન્ટરનેટ બ્લોક થવાથી સૈન્ય સંચાલનને મોટો ફટકો
યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સ્કીએ ખુલ્લેઆમ આરોપ લગાવ્યો છે કે એલોન મસ્કે સ્ટારલિંક સુધી યુક્રેનની પહોંચને મર્યાદિત કરી દીધી છે, જેના કારણે તેમના સૈન્ય અભિયાનો અને રણનીતિઓને ભારે નુકસાન પહોંચ્યું છે. એક ઇન્ટરવ્યુમાં ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે આ બધું જાણકારીપૂર્વક કરવામાં આવ્યું હતું. રાત્રે લગભગ 1:00વાગ્યાના સુમારે સ્પેસએક્સ અને અમેરિકાએ મળીને સ્ટારલિંક સેવાઓને બ્લોક કે મર્યાદિત કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે યુક્રેની સેના દુશ્મનો પર નજર રાખવા (Reconnaissance), ઇન્ટરસેપ્ટર ડ્રોન ચલાવવા, ગુપ્ત માહિતી એકત્ર કરવા અને યુદ્ધક્ષેત્રના મહત્વપૂર્ણ સંચાર માટે સંપૂર્ણપણે આ જ સેટેલાઇટ સેવા પર નિર્ભર છે.
અમેરિકી સરકારની સ્પષ્ટતા: "અમે કોઈ સ્લોડાઉનનો આદેશ નથી આપ્યો"
આ સમગ્ર વિવાદ વચ્ચે અમેરિકી વહીવટીતંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. જોકે, અમેરિકી રક્ષા સચિવ પીટ હેગસેથે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "અમે યુક્રેન પાસેથી કંઈપણ પાછું નથી લીધું અને અમારી તરફથી કોઈ નિર્દેશ કે આદેશ આપવામાં આવ્યા નથી." તેમણે ઉમેર્યું કે સેટેલાઇટ સેવાઓમાં થતા કોઈપણ ફેરફારો અથવા પ્રદર્શનમાં ઘટાડો એ સીધા જ સેટેલાઇટ પ્રદાતા કંપનીની કોન્ટ્રાક્ટ શરતો હેઠળ હોય છે. આ ઉપરાંત, વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પણ વ્હાઇટ હાઉસ દ્વારા ઇન્ટરનેટ સ્લોડાઉન કરવાનો આદેશ અપાયા હોવાના દાવાઓને ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સ્ટારલિંક એ સ્પેસએક્સની કોમર્શિયલ (વ્યાપારી) સેવા છે, જ્યારે 'સ્ટારશીલ્ડ' એ અમેરિકી સૈન્ય સિસ્ટમ છે જે યુક્રેનને ઉપલબ્ધ નથી.
સ્થિતિ સુધારવાના પ્રયાસો શરૂ: મસ્કના સહયોગથી કનેક્ટિવિટી પાછી મેળવવાની આશા
આ ગંભીર કટોકટી વચ્ચે યુક્રેનના પૂર્વ રક્ષા મંત્રી મિખાઈલો ફેડોરોવે બાદમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, સ્ટારલિંક કનેક્ટિવિટીને 160 કિમી/કલાકની સ્પીડ સુધી ફરીથી બહાલ કરવામાં આવી રહી છે. તેમણે યુક્રેનની રક્ષા માટે સ્ટારશીલ્ડની સ્પીડ લિમિટ સંપૂર્ણપણે હટાવવી અત્યંત આવશ્યક હોવાનું પણ જણાવ્યું હતું. સાથે જ, તેમણે મુશ્કેલ સમયમાં સહકાર આપવા બદલ એલોન મસ્કનો આભાર વ્યક્ત કર્યો છે અને ભવિષ્યમાં પણ સતત સમર્થન મળી રહે તેવી ઊંડી આશા વ્યક્ત કરી છે.








