Suicide Ground Robots Russia Ukraine: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે રોબોટ સૈનિકો પણ મોરચો સંભાળી રહ્યા છે. યુક્રેને યુદ્ધના ઇતિહાસમાં પ્રથમ વખત મોટા પાયે 'સુસાઈડ ગ્રાઉન્ડ રોબોટ્સ' નો ઉપયોગ કરીને રશિયન સેના પર હુમલો કરવાનો દાવો કર્યો છે. યુક્રેનની થર્ડ આર્મી કોર્પ્સના જણાવ્યા અનુસાર, 'ઓપરેશન વિવાલ્ડી' નામના આ અભિયાન હેઠળ રોબોટ્સ અને ડ્રોનની મદદથી રશિયાના અંદાજે 3,000 જેટલા સૈનિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ સાથે જ પૂર્વી યુક્રેનના ડોનેત્સ્ક ક્ષેત્રમાં આવેલા 5 ગામો અને 3 વસાહતો પર ફરીથી પોતાનું નિયંત્રણ મેળવી લીધું છે.

ડ્રોન દ્વારા દુશ્મનના વિસ્તારમાં પહોંચાડાયા રોબોટ્સ
યુક્રેની સેનાના જણાવ્યા મુજબ આ ખાસ ઓપરેશનની શરૂઆત મે મહિનામાં કરવામાં આવી હતી અને સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં તેને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન રોબોટ્સ દ્વારા 15,700થી વધુ મિશન સફળતાપૂર્વક પૂરા કરવામાં આવ્યા હતા. આ અભિયાનમાં ચાર પૈડાવાળા એવા રોબોટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે વિસ્ફોટકોથી ભરેલા હતા. મોટા કદના ડ્રોન આ રોબોટ્સને રશિયન સેનાની સીમાની અંદર 14.5 કિલોમીટર સુધી અંદર લઈ જઈને છોડતા હતા, ત્યારબાદ આ રોબોટ્સ જમીન પર ચાલીને રશિયન સૈનિકોના ઠિકાન સુધી પહોંચીને વિસ્ફોટ કરતા હતા.

કેવી રીતે કામ કરે છે આ ખતરનાક 'સુસાઈડ રોબોટ્સ'?
આ સુસાઈડ ગ્રાઉન્ડ રોબોટ્સ નાના અને હિલચાલમાં ઝડપી વાહનો હોય છે, જેને દૂર બેઠેલા ઓપરેટર દ્વારા રિમોટથી ઓપરેટ કરવામાં આવે છે. આ રોબોટ્સમાં હાઈ-ટેક કેમેરા ફીટ હોય છે જેની મદદથી ઓપરેટર આસપાસની ગતિવિધિઓ પર સતત નજર રાખે છે. આ ટેક્નોલોજીનો મુખ્ય હેતુ યુક્રેની સૈનિકોની જાનને જોખમમાં મૂક્યા વગર દુશ્મનોના કમાન્ડ સેન્ટર, હથિયારોના ગોડાઉન અને સૈનિકોના ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરવાનો છે. થર્ડ આર્મી કોર્પ્સના કમાન્ડર જનરલ આન્દ્રી બિલેત્સ્કીએ જણાવ્યું હતું કે દુશ્મનના વિસ્તારમાં ડ્રોન દ્વારા રોબોટ્સ ઉતારીને હુમલો કરવાનો આ પ્રયોગ વિશ્વમાં પહેલીવાર કરવામાં આવ્યો છે.

સૈનિકોનું સ્થાન લેશે મશીનો, યુક્રેન બનાવી રહ્યું છે 'આર્મી ઓફ રોબોટ્સ'
યુદ્ધના મેદાનમાં પોતાના સૈનિકોના પ્રાણ બચાવવા માટે યુક્રેન હવે કાયમી ધોરણે 'રોબોટ્સની સેના' તૈયાર કરી રહ્યું છે. પૂર્વ રક્ષા મંત્રી મિખાઈલો ફેદોરોવે 26 સપ્ટેમ્બરના રોજ 'આર્મી ઓફ રોબોટ્સ' પ્રોજેક્ટનું સત્તાવાર એલાન કર્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ યુદ્ધભૂમિ પર એવા એડવાન્સ રોબોટ્સ તૈનાત કરવામાં આવશે જે તમામ જોખમી કામો જાતે કરી શકે. આ યોજનામાં હ્યુમનોઇડ એટલે કે માનવ જેવા દેખાતા રોબોટ્સ બનાવવામાં આવશે, જે મશીન ગનમાં ગોળીઓ ભરવા, બેટરી બદલવા અને સેન્સર લગાવવા જેવા કામો કરશે. આ ઉપરાંત ભારત, રશિયા, ચીન અને ઇઝરાઇલ જેવા દેશો પણ આ દિશામાં મોટા પાયે સંશોધન અને વિકાસ કરી રહ્યા છે.








