Ancient Idol, Modern Science: Ujjain’s Unmovable Hanuman: હિન્દુ ધર્મમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા ઉજ્જૈનમાં હાલમાં વિજ્ઞાનને પડકારે તેવી રસપ્રદ ઘટના સામે આવી છે. સિંહસ્થ કુંભ મેળા 2028ની તૈયારીઓ અંતર્ગત રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન રસ્તાની વચ્ચે આવેલી હનુમાનજીની વિશાળ મૂર્તિને ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અનેક પ્રયાસો છતાં મૂર્તિ પોતાના સ્થાનેથી ટસની મસ થઈ નથી. જેના પગલે શ્રદ્ધાળુઓ તેને ચમત્કાર માની રહ્યા છે. ભક્તોનું કહેવું છે કે, ‘હનુમાનજી પોતાનું સ્થાન છોડવા માંગતા નથી.’ જો, કે આ ખરેખર ચમત્કાર છે કે પછી જટિલ પુરાતત્ત્વીય અને ટેક્નિકલ પડકાર, તે અંગે હવે નિષ્ણાતોની તપાસ મહત્વપૂર્ણ બની છે.
વિકાસ કાર્ય વચ્ચે અડગ છે હનુમાનજીની મૂર્તિ
ઉજ્જૈનમાં કંથાલ સ્ક્વેરથી ક્ષત્રિય ચોક (બડા સરાફા) સુધી રસ્તો પહોળો કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. રસ્તાની વચ્ચે આવતા જૂના હનુમાન મંદિરનું માળખું તોડી પાડવામાં આવ્યું છે, પરંતુ હનુમાનજીની વિશાળ મૂર્તિ હજુ પણ પોતાના મૂળ સ્થાન પર અકબંધ છે. છેલ્લા 10 દિવસથી વિવિધ પ્રયાસો અને મશીનરીના ઉપયોગ છતાં મૂર્તિને ખસેડી શકાઈ નથી. ઈન્દોરથી ખાસ એન્જિનિયરો અને ટેક્નિકલ નિષ્ણાતોની ટીમને પણ બોલાવવામાં આવી હતી, પરંતુ બે દિવસની ભારે જહેમત બાદ પણ મૂર્તિને તેના સ્થાનેથી ખસેડવામાં સફળતા મળી નથી.
મૂર્તિ શા માટે ખસેડી શકાતી નથી?
સ્થાનિક તંત્ર અને મ્યુનિસિપલ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ મામલો ચમત્કાર કરતાં વધુ એન્જિનિયરિંગનો પડકાર છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૂર્તિનો પાયો સામાન્ય મૂર્તિઓની સરખામણીએ ઘણો મજબૂત છે અને તે જમીનની અંદર ખડકમાં ઊંડે સુધી જડાયેલો હોવાની શક્યતા છે. વહીવટીતંત્ર ઉતાવળમાં ભારે મશીનરીનો ઉપયોગ કરવા માંગતું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, પ્રાચીન અને વિશાળ મૂર્તિને તેના મૂળ સ્થાનેથી કોઈ નુકસાન પહોંચાડ્યા વિના બહાર કાઢવી અત્યંત સાવચેતીભર્યું કામ છે. સ્થાનાંતરણ દરમિયાન સહેજ પણ તિરાડ પડે તો તેની ભરપાઈ કરવી મુશ્કેલ બની શકે છે.
મૂર્તિનો ઇતિહાસ: 170 વર્ષ કે પછી 1000 વર્ષ જૂની?
આ મૂર્તિની ઉંમર અને ઇતિહાસને લઈને પણ અલગ-અલગ દાવા સામે આવી રહ્યા છે. કેટલાક લોકો તેને આશરે 170 વર્ષ જૂની માને છે. જોકે, પુરાતત્ત્વીય નિષ્ણાત પ્રોફેસર ડૉ. રમણ સોલંકીના મતે મૂર્તિ 1000 વર્ષ જૂની પણ હોઈ શકે છે. તે માળવા પ્રદેશના બેસાલ્ટ પથ્થરમાંથી બનાવવામાં આવી હોવાની અને રાજા ભોજના સમયની પરમાર પરંપરા સાથે જોડાયેલી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વર્ષોથી મૂર્તિ પર ચઢાવવામાં આવેલા સિંદૂરના જાડા પડને કારણે તેની મૂળ કારીગરી અને રચના સ્પષ્ટ રીતે જાણી શકાતી નથી. તેથી વૈજ્ઞાનિક તપાસ વિના મૂર્તિની ચોક્કસ ઉંમર કે ઇતિહાસ અંગે અંતિમ નિષ્કર્ષ પર પહોંચી શકાય તેમ નથી.
ભક્તોની આસ્થા અને સંગઠનોની માંગ
સ્થાનિકો અને ભક્તોની આસ્થા આ મૂર્તિ સાથે ઊંડે સુધી જોડાયેલી છે. મૂર્તિ ખસેડી ન શકાતા લોકો તેને દૈવી શક્તિનો ચમત્કાર માની રહ્યા છે અને મંદિર પરિસરમાં ભજન-કીર્તન તેમજ ભવ્ય મહા આરતીનું આયોજન થઈ રહ્યું છે. મંદિરના પૂજારીએ સ્પષ્ટ કર્યું છે કે હિન્દુ સમાજને વિકાસ કાર્ય કે મૂર્તિના સ્થાનાંતરણ સામે કોઈ વિરોધ નથી. જોકે, તેમની મુખ્ય માંગ છે કે પ્રશાસન લેખિતમાં ખાતરી આપે કે મૂર્તિને કોઈપણ નુકસાન વિના સુરક્ષિત રીતે નવા સ્થળે એટલે કે ટાંકી ચોક ખાતે સ્થાપિત કરવામાં આવશે. આગામી બે દિવસમાં આ માર્ગ પરથી ભગવાન મહાકાલની ભવ્ય શોભાયાત્રા પસાર થવાની હોવાથી પ્રશાસન પર સમયસર કામગીરી પૂર્ણ કરવા અને ભીડ નિયંત્રણનું પણ દબાણ છે.
પુરાતત્ત્વ વિભાગ દ્વારા સ્કેનિંગ કરાશે
મૂર્તિ મામલે તંત્ર હાલ કોઈ ઉતાવળ કરવા માંગતું નથી અને તેને સંપૂર્ણ સન્માન સાથે ટાંકી ચોક ખાતે સ્થાપિત કરવાની યોજના છે. હાલમાં વરસાદ અને અન્ય નુકસાનથી મૂર્તિને બચાવવા માટે ત્યાં તંબુ એટલે કે છત્ર બનાવવામાં આવ્યું છે. પાયાની સ્થિતિ જાણવા માટે મૂર્તિની આસપાસ આશરે 1.5 ફૂટ ઊંડો ખાડો પણ ખોદવામાં આવ્યો છે. હવે પુરાતત્ત્વ વિભાગની નિષ્ણાત ટીમ અત્યાધુનિક મશીનોની મદદથી મૂર્તિનો પાયો, આંતરિક રચના અને આસપાસની જમીનનું ઊંડાણપૂર્વક સ્કેનિંગ કરશે. આ વૈજ્ઞાનિક તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જ મૂર્તિને સુરક્ષિત રીતે કેવી રીતે બહાર કાઢવી અને તેનું સ્થાનાંતરણ કેવી રીતે કરવું તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.








