Turkey intervenes in US-Iran diplomatic talks: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે હવે તુર્કિયે શાંતિ સ્થાપવા માટે સક્રિય બની ગયું છે. તૂર્કિયેએ સંઘર્ષને રોકવા માટે રાજનૈતિક પ્રયાસોને ગતિ આપતા વિવિધ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે ચર્ચા શરૂ કરી છે. તૂર્કિયેના વિદેશ મંત્રી હાકન ફિદાને આ મામલે આગેવાની સંભાળી છે. રાજનૈતિક સૂત્રોના જણાવ્યા મુજબ, તેમણે અબ્બાસ અરાઘચી, બદર અબ્દેલાટ્ટી તેમજ યુરોપિયન યુનિયનના વિદેશ નીતિ પ્રમુખ કાજા કલ્લાસ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. આ ચર્ચાઓનો મુખ્ય હેતુ અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતી હિંસાને રોકવાનો અને શાંતિ માટે કોઈ રાજનૈતિક રસ્તો શોધવાનો હતો.
અરાદ શહેરોને નિશાન બનાવીને મિસાઈલ હુમલા કર્યા
બીજી તરફ બેન્જામિન નેતન્યાહુએ ઇઝરાયેલના અરાદ શહેરની મુલાકાત દરમિયાન કડક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈરાન હવે માત્ર ઈઝરાયેલ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ગંભીર ખતરો બની રહ્યું છે. નેતન્યાહૂના જણાવ્યા અનુસાર, ઈરાનની મિસાઈલ ક્ષમતા યુરોપ સુધી પહોંચી શકે છે અને આ સ્થિતિમાં અમેરિકા અને ઈઝરાયેલ સાથે મળીને જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. આ દરમિયાન ઈરાને ઈઝરાયેલના ડિમોના અને અરાદ શહેરોને નિશાન બનાવીને મિસાઈલ હુમલા કર્યા છે. ખાસ કરીને ડિમોના નજીક આવેલા શિમોન પેરેસ નેગેવ ન્યુક્લિયર રિસર્ચ સેન્ટરને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઈરાનનો દાવો છે કે આ હુમલો તેના નતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર થયેલા હુમલાનો જવાબ છે. આ હુમલાઓમાં 180થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં અનેકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ભારત માટે મુખ્ય ચિંતા ઊર્જા સુરક્ષા છે
મિડલ ઈસ્ટની વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત પણ એલર્ટ થઈ ગયું છે. નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ભારત માટે મુખ્ય ચિંતા ઊર્જા સુરક્ષા છે, ખાસ કરીને ક્રૂડ ઓઈલ અને ગેસનો પુરવઠો અવિરત રહે અને દેશની અંદર મોંઘવારી પર નિયંત્રણ જળવાઈ રહે તે દિશામાં સરકાર પ્રયાસ કરી રહી છે. આ રીતે, યુદ્ધ માત્ર પ્રાદેશિક મર્યાદામાં ન રહીને વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રને અસર કરી રહ્યું છે, જ્યારે તૂર્કિયે જેવા દેશો શાંતિ માટે મધ્યસ્થીની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહ્યા છે.








