US-Iran Conflict: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. 'વૉલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાક વરિષ્ઠ સલાહકારોએ તેમને ખાનગીમાં ચેતવણી આપી છે કે ઈરાન સાથેનું યુદ્ધ લાંબું ખેંચાઈ શકે છે. સલાહકારોએ આશંકા વ્યક્ત કરી છે કે આ સંઘર્ષ ટ્રમ્પના વર્તમાન કાર્યકાળના અંત એટલે કે જાન્યુઆરી 2029 સુધી પણ ચાલુ રહી શકે છે.
સલાહકારોની ચિંતા અને ટ્રમ્પના દાવામાં મોટો તફાવત
ઉપપ્રમુખ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયો સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઓફિસ અને સિચ્યુએશન રૂમમાં યોજાયેલી બેઠકો દરમિયાન ટ્રમ્પ સાથે આ મુદ્દે ચર્ચા કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. સલાહકારોનું માનવું છે કે ઈરાન અમેરિકાના દબાણ સામે ઝૂકવા માટે તૈયાર નથી, જેના કારણે સંઘર્ષ લાંબો ચાલી શકે છે. જો, કે સલાહકારોની આ ચિંતા વચ્ચે ટ્રમ્પ જાહેરમાં સતત એવો દાવો કરી રહ્યા છે કે ઈરાન સાથેનો સંઘર્ષ ખૂબ જ ઝડપથી સમાપ્ત થઈ જશે. ટ્રમ્પનું માનવું છે કે નવેમ્બરમાં યોજાનારી મિડટર્મ ચૂંટણી બાદ તરત જ યુદ્ધનો અંત આવી શકે છે. તેમણે ઈરાન પર અમેરિકન ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
હોર્મુઝની ખાડીમાં હુમલા વધતાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો
બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હોર્મુઝની ખાડી આસપાસ પણ વધુ ગંભીર બન્યો છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે 10 જહાજો પર હુમલા કર્યા છે, જ્યારે અગાઉ અમેરિકાએ પાંચ ઓઇલ ટેન્કરોને નષ્ટ કર્યા હોવાનો દાવો સામે આવ્યો હતો. આ હુમલાઓમાં એક નાવિકનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એક નાવિક લાપતા હોવાનું જણાવાયું છે. ઈરાને જોર્ડનમાં આવેલા એક અમેરિકન સૈન્ય મથક પર બેલેસ્ટિક મિસાઇલો છોડવાનો દાવો પણ કર્યો છે. જોકે, જોર્ડન દ્વારા 10થી વધુ મિસાઇલોને હવામાં જ અટકાવી દેવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
હોર્મુઝ સંકટની વૈશ્વિક ઓઇલ સપ્લાય પર અસર
અમેરિકા-ઈરાન સંઘર્ષની સીધી અસર વૈશ્વિક ઓઇલ બજાર પર જોવા મળી રહી છે. હોર્મુઝની ખાડી દુનિયાના સૌથી મહત્વપૂર્ણ ઓઇલ માર્ગોમાંથી એક છે, જ્યાંથી સામાન્ય સ્થિતિમાં દરરોજ આશરે 80થી 90 લાખ બેરલ ઓઇલ પસાર થતું હતું. પરંતુ વર્તમાન તણાવને કારણે આ સપ્લાય ઘટીને આશરે 20 લાખ બેરલ પ્રતિદિન સુધી પહોંચ્યો હોવાનો અહેવાલ છે. ઓઇલ સપ્લાયમાં ઘટાડો અને યુદ્ધના માહોલને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 100 ડૉલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયો છે. ક્રૂડના વધતા ભાવની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર અને સામાન્ય લોકોના જીવન પર પણ જોવા મળી રહી છે, જેના કારણે મોંઘવારીનું દબાણ વધવાની આશંકા છે.








