દેશ-વિદેશ

'આ યુદ્ધ નથી, નાની વાત છે!' ઈરાન સાથેના સંઘર્ષ પર ટ્રમ્પના નિવેદનથી અમેરિકામાં ખળભળાટ

5 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
'આ યુદ્ધ નથી, નાની વાત છે!' ઈરાન સાથેના સંઘર્ષ પર ટ્રમ્પના નિવેદનથી અમેરિકામાં ખળભળાટ

Trump On Iran Conflict: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને ‘સ્મોલ પટેટોઝ’ (Small Potatoes) એટલે કે ‘નાની બાબત’ ગણાવતા અમેરિકામાં રાજકીય ચર્ચા તેજ થઈ છે. ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના એ નિવેદનનું પણ સમર્થન કર્યું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી આ લાંબી સૈન્ય કાર્યવાહી માટે ‘યુદ્ધ’ શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન પર અમેરિકાની સૈન્ય કાર્યવાહી હવે નિયમિત નથી રહી અને હુમલા સમયાંતરે થઈ રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો કે ઘણા લોકો આ સ્થિતિને ‘યુદ્ધ’ તરીકે જોતા નથી.

‘અમારા માટે આ કોઈ મોટી વાત નથી’
જેડી વેન્સના નિવેદન અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે તેઓ સમજી શકે છે કે વેન્સ શું કહેવા માગે છે. ટ્રમ્પે ઈરાન સાથેની સ્થિતિને ‘મિલિટરી કોન્ફ્લિક્ટ’ ગણાવી હતી અને કહ્યું હતું કે તેમના માટે આ ‘સ્મોલ પટેટોઝ’ છે. ટ્રમ્પના આ નિવેદન બાદ અમેરિકામાં સૈન્ય કાર્યવાહી અંગે રાજકીય અને જાહેર ચર્ચા વધુ ગરમાઈ છે. ખાસ કરીને સૈનિકોના મોત અને આ અભિયાન પાછળ થઈ રહેલા ખર્ચ વચ્ચે સંઘર્ષને ‘નાની બાબત’ ગણાવવાના તેમના શબ્દો સવાલોના ઘેરામાં આવ્યા છે.

18 અમેરિકન સૈનિકોના મોત, અબજો ડોલરનો ખર્ચ
આ સંઘર્ષને લઈને રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ અમેરિકાના કરદાતાઓ પર અત્યાર સુધીમાં $37.5 બિલિયનથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે, જ્યારે 18 અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. આ સ્થિતિમાં ટ્રમ્પને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે 18 સૈનિકોના મોત છતાં તેઓ આ સંઘર્ષને ‘સ્મોલ પટેટોઝ’ કેવી રીતે કહી શકે છે, ત્યારે તેમણે પોતાના વલણનો બચાવ કર્યો હતો.

મિડટર્મ ચૂંટણી પહેલાં ઈરાન મુદ્દો બન્યો ચર્ચાનું કેન્દ્ર
આ અગાઉ વ્હાઇટ હાઉસની પ્રેસ બ્રીફિંગ દરમિયાન જેડી વેન્સે પણ ઈરાન સાથે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીને ‘યુદ્ધ’ કહેવાનો ઇનકાર કર્યો હતો. વેન્સે આ સંઘર્ષ ક્યારે સમાપ્ત થશે તે અંગે કોઈ ચોક્કસ સમયગાળો જણાવવાથી પણ અંતર રાખ્યું હતું. નવેમ્બરમાં યોજાનારી અમેરિકાની મિડટર્મ ચૂંટણી પહેલાં આ મુદ્દો મહત્વપૂર્ણ બની શકે છે. આ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી કોંગ્રેસમાં પોતાની પાતળી બહુમતી જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે.

‘જમીન પર સૈનિકો નથી ઉતાર્યા’
ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષની તુલના અમેરિકાના અગાઉના મોટા યુદ્ધો સાથે કરતાં કહ્યું કે આ કાર્યવાહીમાં અમેરિકાએ જમીની સૈનિકો તૈનાત કર્યા નથી. તેમના જણાવ્યા મુજબ, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં અમેરિકા અને ઈઝરાયલે મુખ્યત્વે એર સ્ટ્રાઇક્સનો સહારો લીધો છે. ટ્રમ્પે વિયેતનામ યુદ્ધ અને અન્ય સંઘર્ષોમાં થયેલા અમેરિકન સૈનિકોના મોટા પ્રમાણમાં થયેલા મૃત્યુનો ઉલ્લેખ કરીને વર્તમાન સંઘર્ષમાં થયેલી જાનહાનિ ઓછી હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. જો, કે અમેરિકાના નેશનલ આર્કાઇવ્ઝના સત્તાવાર રેકોર્ડ મુજબ વિયેતનામ યુદ્ધ દરમિયાન 58,220 અમેરિકન સૈનિકોના મોત થયા હતા.

ઈરાનનો પરમાણુ કાર્યક્રમ નિષ્ક્રિય કરવાનો ટ્રમ્પનો દાવો
ઈરાન સાથેની કાર્યવાહીના પરિણામ અંગે ટ્રમ્પે વધુ એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે આ સૈન્ય અભિયાનના કારણે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ નિષ્ક્રિય થઈ ગયો છે. ટ્રમ્પે શરૂઆતમાં આ સંઘર્ષ માત્ર થોડા અઠવાડિયા ચાલશે તેવું કહ્યું હતું. જોકે, સમયગાળો વધતા હવે ઈરાન સાથેની અમેરિકાની સૈન્ય કાર્યવાહી લાંબી ખેંચાઈ રહી છે.

આગામી ચૂંટણીમાં અમેરિકન જનતા શું નિર્ણય લેશે?
એક તરફ વ્હાઇટ હાઉસ આ કાર્યવાહીને ‘યુદ્ધ’ને બદલે ‘મિલિટરી કોન્ફ્લિક્ટ’ ગણાવી રહ્યું છે, તો બીજી તરફ સૈનિકોના મોત અને અબજો ડોલરના ખર્ચને કારણે સરકારના વલણ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે આગામી 3 નવેમ્બરની મિડટર્મ ચૂંટણીમાં અમેરિકન મતદારો ઈરાન સંઘર્ષ, તેના ખર્ચ અને સરકારના નિર્ણયોને કેવી રીતે મૂલવે છે તેના પર સૌની નજર રહેશે.

Tags:
#વૈશ્વિકસમાચાર#ઈરાનયુએસ#ડોનાલ્ડટ્રમ્પ#અમેરિકાસંઘર્ષ#ટ્રમ્પઈરાન
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026