Trump increased tension: ઈરાન સાથેનો યુદ્ધવિરામ તૂટ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ફરીથી મોટો સૈન્ય હુમલો કરવાની ખુલ્લી ચેતવણી આપી છે. ટ્રમ્પના આ નિવેદન બાદ પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઈઝરાયેલમાં અમેરિકી વિમાનો એલર્ટ પર
ટ્રમ્પની ચેતવણી બાદ ઈઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પર અમેરિકી સૈન્ય વિમાનોની હલચલ તેજ બની ગઈ છે. એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષના જણાવ્યા મુજબ, ઈરાન સાથેના યુદ્ધ દરમિયાન ઈઝરાયેલ પહોંચેલા અમેરિકી વિમાનોમાંથી આશરે 50 ટકા વિમાનો હજુ પણ એરપોર્ટ પર તૈનાત છે. આ વિમાનો મુખ્યત્વે એરિયલ રીફ્યુલિંગ માટે ઉપયોગમાં લેવાય છે, જે હવામાં જ ફાઈટર જેટ્સને ઈંધણ પૂરું પાડી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ તૈનાતી અમેરિકાની સંભવિત હવાઈ કાર્યવાહી માટેની તૈયારીનો ભાગ હોઈ શકે છે.
ઈરાનનો કડક જવાબ
અમેરિકાની ચેતવણી બાદ ઈરાને પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાની સેનાના ચીફ ઓફ સ્ટાફ એડમિરલ હબીબુલ્લાહ સૈયારીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઈરાન કોઈપણ પ્રકારના હુમલાથી ડરતું નથી. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે જે પણ વિદેશી સેના ઈરાનની જમીન અથવા તેના દરિયાકાંઠા પર પગ મૂકવાની હિંમત કરશે, તે એવી સ્થિતિમાં ફસાઈ જશે જ્યાંથી જીવતા પાછા ફરવું મુશ્કેલ બનશે.
ટ્રમ્પના દાવા પર નિશાન
એડમિરલ સૈયારીએ વધુમાં જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ પણ હોર્મુઝ જળમાર્ગ અને ખાર્ગ દ્વીપ પર નિયંત્રણ મેળવવાના દાવા કરી ચૂક્યા છે, પરંતુ તેમને અમલમાં મૂકી શક્યા નથી. તેમણે આરોપ લગાવ્યો કે અમેરિકા ઈરાનને નબળો દેશ સમજી રહ્યું છે, પરંતુ ઈરાન કોઈ પણ સંજોગોમાં પોતાની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે સમાધાન કરશે નહીં. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા આ તણાવને કારણે વૈશ્વિક સ્તરે સુરક્ષા, તેલ પુરવઠા અને પશ્ચિમ એશિયાની સ્થિરતા અંગે ફરી ચિંતા વધી રહી છે.








