Delhi Diwali Accident 2026: દિવાળીના તહેવાર દરમિયાન દિલ્હીમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. બહારના દિલ્હીના નરેલા વિસ્તારની રાજીવ કોલોનીમાં ફટાકડા ફોડતી વખતે 10 વર્ષના બાળકનું મોત થયું છે. રવિવારે 8 નવેમ્બરના રોજ દિવાળીની પૂજા બાદ પરિવાર ફટાકડા ફોડી રહ્યો હતો. આ દરમિયાન બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પેટમાં રોકેટ વાગતાં બાળક ગંભીર રીતે ઘાયલ
પરિવારજનોના જણાવ્યા અનુસાર, ફટાકડા ફોડતી વખતે બાળક રોકેટ છોડી રહ્યો હતો. આ દરમિયાન રોકેટ આકાશમાં જવાને બદલે તેની તરફ આવીને પેટમાં વાગ્યું હતું. આ ઘટનામાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે, પોલીસના પ્રાથમિક અહેવાલમાં હાથમાં ફટાકડો ફાટવાથી ઈજા થયાની પણ માહિતી સામે આવી છે. અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ અંગે તપાસ ચાલી રહી છે.
હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યું
ઘટના બાદ પરિવારજનો બાળકને તાત્કાલિક નરેલાની સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું. બાળકના મોતના સમાચાર મળતાં પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો. તેમણે હોસ્પિટલ તંત્ર પર સારવારમાં બેદરકારીના આક્ષેપ કર્યા હતા અને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો.
પુત્રના મોતના સમાચારથી પિતાની તબિયત પણ લથડી
10 વર્ષના બાળકના મોતના સમાચાર મળતાં તેના પિતા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. પુત્રને ગુમાવવાના આઘાતમાં તેમની તબિયત પણ લથડી હતી. બીજી તરફ, પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. દિવાળીના તહેવાર વચ્ચે બનેલી આ દુર્ઘટનાથી પરિવારમાં શોક છવાયો છે.








