Tiger Shroff Firing Incident in Mumbai: માયાનગરી મુંબઈમાં સેલેબ્રિટીઝ અને હાઇ-પ્રોફાઇલ હસ્તીઓની સુરક્ષા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. રવિવારે મોડી સાંજે જાણીતા બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ જ્યારે ફૂટબોલ મેચ રમીને પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક અજાણ્યા હુમલાખોરોએ તેમની કાર પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં કૂલ 5 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ટાઇગર શ્રોફના ડ્રાઇવરને સીધી ગોળી વાગી હતી, જ્યારે પોતે ટાઇગર શ્રોફ પણ ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટના બાદ સમગ્ર સિનેમા જગત અને રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
'માસ્ટરમાઇન્ડ ગમે ત્યાં છુપાયો હશે, કાયદો તેમને શોધી કાઢશે': CM ફડણવીસ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તુરંત એક્શનમાં આવીને સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ ટાઇગર શ્રોફ સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા અને રાજ્ય સરકાર તેમની સાથે મજબૂતીથી ઊભી હોવાની ખાતરી આપી હતી. મીડિયા સાથેની વાતચીતમાં ફડણવીસે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, આ ખૂબ જ ગંભીર અને નિંદનીય બાબત છે. ગુનેગારો પછી ભલે દેશમાં હોય કે વિદેશમાં બેસીને નેટવર્ક ચલાવતા હોય, મુંબઈ પોલીસ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને તેમના આકાઓને પણ શોધી કાઢશે અને તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી: સોશિયલ મીડિયા પોસ્ટથી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
પ્રાથમિક તપાસ દરમિયાન આ હુમલાની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા શૂટર્સે સ્વીકારી હોવાની વિગતો સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી વિગતો અનુસાર, બિશ્નોઈ ગેંગના સભ્યોએ ચેતવણી આપતાં આ હુમલો કર્યાનો દાવો કર્યો છે. બોલિવૂડમાં અગાઉ પણ અનેક અભિનેતાઓ અને જાણીતી હસ્તીઓને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે, ત્યારે ટાઇગર શ્રોફ પર થયેલા આ ફાયરિંગના કેસથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વધુ ઘેરી બની છે.
45 મિનિટની રેકી અને શાતિર પ્લાનિંગ: અંધેરી સ્ટેશન નજીકથી શૂટર્સ ફરાર
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે શૂટર્સે ઘટનાને અંજામ આપતા પહેલાં આશરે 45 મિનિટ સુધી વિસ્તારમાં રેકી કરી હતી. હુમલો કર્યા બાદ હુમલાખોરો પોતાની બાઇક પર અંધેરી પશ્ચિમ રેલવે સ્ટેશન તરફ ભાગી ગયા હતા. શૂટર્સે પોલીસ બીટ ચોકી નજીક જ પોતાની મોટરસાઇકલ છોડી દીધી હતી અને ટ્રેન અથવા અન્ય વાહન મારફતે ફરાર થઈ ગયા હતા. પોલીસ હાલમાં આજુબાજુના તમામ CCTV ફૂટેજ ચકાસી રહી છે અને શૂટર્સના રૂટને ટ્રેક કરી રહી છે.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ મેદાનમાં: ગુજરાત પોલીસ પણ સુરતમાં એલર્ટ મોડ પર
આ કેસનું આંતરરાજ્ય કનેક્શન હોવાની આશંકાને પગલે તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે, જેણે 15થી વધુ ખાસ ટીમો બનાવીને તપાસ તેજ કરી દીધી છે. મુંબઈ પોલીસ તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુજરાત પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શૂટર્સ મહારાષ્ટ્રની સરહદ વટાવીને ગુજરાતના સુરત શહેરમાં આશરો લઈ શકે છે. આ માહિતી મળતાં જ સુરતમાં સઘન વાહન ચેકિંગ, નાકાબંધી અને હોટેલો-ગેસ્ટહાઉસોમાં સઘન ચેકિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.








