Syria Petrol Diesel Price Hike Protests: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની અસર હવે અનેક દેશોમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ પર જોવા મળી રહી છે. સીરિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અચાનક મોટો વધારો થતાં લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. લોકો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે, ટાયરો સળગાવી રહ્યા છે અને અનેક રસ્તાઓ બ્લોક કરી દીધા છે. રાજધાની દમાસ્કસને ઔદ્યોગિક શહેર અલેપ્પો સાથે જોડતા મુખ્ય હાઈવે પર પણ વિરોધની અસર જોવા મળી છે.
એક ઝાટકે ડીઝલના ભાવમાં 40%નો વધારો
સીરિયા સરકારે શનિવારે ડીઝલના ભાવમાં 40%નો વધારો કરીને તેને 175 સીરિયાઈ પાઉન્ડ પ્રતિ લીટર કરી દીધો છે. આ કિંમત આશરે 1.32 ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે લગભગ ₹127 પ્રતિ લીટર થાય છે. સીરિયાની લગભગ 90% વસ્તી ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહી હોવાના અહેવાલો વચ્ચે આટલા મોટા ભાવવધારાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
પેટ્રોલ અને ગેસના ભાવમાં પણ ધરખમ વધારો
સરકારે ડીઝલ ઉપરાંત અન્ય ઇંધણના ભાવમાં પણ વધારો કર્યો છે. ઘરગથ્થુ અને ઔદ્યોગિક ગેસના ભાવમાં 9%નો વધારો થયો છે. જ્યારે 95 ઓક્ટેન પેટ્રોલ 28% વધીને 195 પાઉન્ડ પ્રતિ લીટર અને 90 ઓક્ટેન પેટ્રોલ 26% વધીને 185 પાઉન્ડ પ્રતિ લીટર થયું છે.
અનેક દેશોમાં ડીઝલ મોંઘું, ભારતમાં સરખામણીએ ઓછી અસર
રશિયા-યુક્રેન યુદ્ધ સહિતની વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે અનેક દેશોમાં ઇંધણના ભાવમાં મોટો વધારો થયો છે. અહેવાલ મુજબ, ભારતમાં પેટ્રોલ-ડીઝલના દરમાં અત્યાર સુધી આશરે 8% જેટલો વધારો થયો છે. બીજી તરફ નાઈજીરિયામાં ડીઝલ 92.3%, UAEમાં 70.6%, મ્યાનમારમાં 71.9% અને ઈન્ડોનેશિયામાં 87% જેટલું મોંઘું થયું છે.
રશિયાથી ક્રૂડ સપ્લાય ઘટ્યો, મોટી રિફાઇનરી પણ બંધ
સીરિયાના ઊર્જા મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશ ઇંધણ માટે આયાત પર મોટા પ્રમાણમાં નિર્ભર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખરીદી મોંઘી થતાં ભાવ વધારવાનો નિર્ણય લેવાયો છે. સીરિયા દરરોજ રશિયા પાસેથી 60,000 બેરલ ક્રૂડ ઓઈલ આયાત કરતું હતું, પરંતુ યુક્રેનના હુમલા બાદ રશિયાએ નિકાસ પર નિયંત્રણો મૂક્યા છે. ઉપરાંત, સીરિયાની સૌથી મોટી બનિયાસ રિફાઇનરી છેલ્લા ત્રણ મહિનાથી મેઇન્ટેનન્સ માટે બંધ હોવાથી ઇંધણની તંગી વધુ ગંભીર બની છે.
ફેબ્રુઆરીની સરખામણીએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઉછાળો
સીરિયામાં ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ 95 ઓક્ટેન પેટ્રોલના ભાવમાં 86%નો વધારો થઈ ચૂક્યો છે. જ્યારે ડીઝલના ભાવ બમણાથી પણ વધુ મોંઘા થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વધતા ઇંધણના ભાવ વચ્ચે રસ્તા પર ઉતરેલા લોકોના વિરોધને કારણે સીરિયામાં અનેક માર્ગો પર વાહનવ્યવહારને પણ અસર થઈ છે.








