Supreme Court on Traffic E-Challans: દેશમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો માટે આગામી સમયમાં મુશ્કેલીઓ વધી શકે છે. ટ્રાફિકના ઈ-ચલણની વસૂલાતમાં થતા વિલંબ અને બેદરકારી સામે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને નવો રસ્તો દર્શાવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે સૂચન કર્યું છે કે જે વાહનચાલકો સમયસર ટ્રાફિક ચલણની રકમ જમા નથી કરાવતા, તેમનો દંડ તેમના ઘર કે ઓફિસના વીજળીના બિલ (લાઈટ બિલ) સાથે જોડી દેવો જોઈએ. કોર્ટનું માનવું છે કે વીજળી એ મૂળભૂત જરૂરિયાત હોવાથી લોકો બિલ ચોક્કસ ભરશે, નહીંતર કનેક્શન કાપવાની નોબત આવશે, જેનાથી દંડની વસૂલાત ઝડપી બનશે.
કરોડો રૂપિયાના ઈ-ચલણ હજુ પણ વસૂલવાના બાકી
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે આ મામલે ગંભીરતા દર્શાવતા જણાવ્યું હતું કે માત્ર ઈ-ચલણ ફાડવાથી અથવા જનરેટ કરવાથી ટ્રાફિક શિસ્ત લાવી શકાતી નથી. પોલીસ દરરોજ લાખો ચલણ કાપે છે, પરંતુ અસલી પડકાર તે દંડની રકમ વસૂલ કરવાનો છે. કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા આંકડા મુજબ, દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે ₹45,000 કરોડના ઈ-ચલણ બાકી નીકળે છે, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર ₹25,000 કરોડની જ વસૂલાત થઈ શકી છે. હજુ પણ ₹20,000 કરોડ જેટલી મોટી રકમ દંડ સ્વરૂપે વસૂલવાની બાકી છે.
વાહન દસ્તાવેજો અને સેવાઓ રોકવા સહિતના અન્ય મહત્વના સૂચનો
માત્ર લાઈટ બિલ જ નહીં, પરંતુ ઈ-ચલણની વસૂલાત માટે સુપ્રીમ કોર્ટે કુલ 10 જેટલા મહત્વના સૂચનો અને ભલામણો આપી છે. કોર્ટે જણાવ્યું કે જે લોકોના ઈ-ચલણ પેન્ડિંગ હોય, તેમના વાહનના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC Book) ના રિન્યુઅલ પર રોક લગાવી દેવી જોઈએ. આ ઉપરાંત, આવા વાહનચાલકોને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC Certificate) પણ ન આપવું જોઈએ. જ્યાં સુધી જૂનો દંડ ભરાઈ ન જાય ત્યાં સુધી વાહનને લગતી કોઈપણ સરકારી સેવાઓ આપવા પર પ્રતિબંધ મૂકવાની ભલામણ પણ કરવામાં આવી છે.
અદાલતો પરનું ભારણ ઘટાડવા કડક સિસ્ટમ જરૂરી
હાલની વ્યવસ્થા મુજબ જો કોઈ વાહનચાલક નિર્ધારિત સમયમાં ઈ-ચલણ નથી ભરતો, તો તે કેસ સંબંધિત લોક અદાલત કે ટ્રાફિક કોર્ટમાં મોકલવામાં આવે છે. આનાથી અદાલતો પર કેસોનું ભારણ સતત વધતું જાય છે અને દંડની રકમ મેળવવામાં લાંબો સમય નીકળી જાય છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ઈ-ચલણ પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવી અનિવાર્ય છે. જો તમામ સરકારી ડેટાબેઝને એકબીજા સાથે સાંકળી લેવામાં આવે, તો કોઈ પણ વાહનચાલક નિયમ તોડ્યા પછી દંડ ભરવામાંથી બચી શકશે નહીં.








