Supreme Court Social Media Age Limit: 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. અરજીમાં સગીરોની ઓનલાઈન સુરક્ષા માટે કડક નિયમો બનાવવાની અને સોશિયલ મીડિયા ઉપયોગમાં માતા-પિતા અથવા કાનૂની વાલીની ફરજિયાત ભાગીદારી સુનિશ્ચિત કરવાની માગ કરવામાં આવી છે. 'જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન અલાયન્સ' નામના NGO દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે.
ફેસબુક અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ સામે સવાલ
અરજીમાં જણાવાયું છે કે ફેસબુક અને સ્નેપચેટ જેવા લોકપ્રિય પ્લેટફોર્મ 13 વર્ષની ઉંમરથી યુઝર્સને એકાઉન્ટ બનાવવાની મંજૂરી આપે છે. બીજી તરફ, ભારતીય કાયદા હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને સગીર માનવામાં આવે છે. અરજીકર્તાનું કહેવું છે કે આવી સ્થિતિમાં બાળકોની ઓનલાઈન સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.
IT Rules 2021માં ફેરફારની માગ
અરજીમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રૂલ્સ, 2021માં જરૂરી ફેરફાર કરવા અથવા બાળકોની સુરક્ષા માટે અલગ ગાઇડલાઇન્સ બનાવવાની માગ કરવામાં આવી છે. તેમાં ખાસ કરીને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળક સાથે કોઈ ડિજિટલ પ્લેટફોર્મ માતા-પિતા અથવા કાનૂની વાલીની સંમતિ વિના કરાર ન કરી શકે તેવી જોગવાઈ કરવાની માંગ છે.
વાલીની સંમતિ અને ઈ-કેવાયસી ફરજિયાત કરવાની માગ
અરજીમાં એવી વ્યવસ્થાની પણ માગ કરવામાં આવી છે કે સગીરને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે ત્યારે માતા-પિતા અથવા કાનૂની વાલીની સક્રિય ભાગીદારી હોય. આ માટે પ્લેટફોર્મે સેવા અને તેના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને વાલીની ઓળખનું વેરિફિકેશન અથવા ઈ-કેવાયસી કરાવવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
બાળકો સામે કયા ઓનલાઈન જોખમો છે?
અરજીમાં બાળકોને ડિજિટલ પ્લેટફોર્મ પર અનિયંત્રિત ઍક્સેસ મળવાથી ઊભા થતા અનેક જોખમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં ઓનલાઈન ગ્રૂમિંગ, યૌન શોષણ, તસ્કરી, યુઝરની પ્રવૃત્તિનું પ્રોફાઇલિંગ, ખાનગી ડેટાનો દુરુપયોગ, સાયબર-બુલિંગ અને બાળકોની ઉંમર માટે યોગ્ય ન હોય તેવું કન્ટેન્ટ સામેલ છે.








