Supreme Court FSSAI Packaged Food Warning Label: દેશમાં વેચાતા પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સ પર સ્વાસ્થ્ય સંબંધિત ચેતવણી દર્શાવતા લેબલ લગાવવામાં થઈ રહેલા વિલંબને લઈને સુપ્રીમ કોર્ટે ખાદ્ય સુરક્ષા નિયામક FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે સવાલ ઉઠાવ્યો છે કે, પેકેજિંગ પર ગ્રાહકો માટે જરૂરી ચેતવણીઓ છાપવામાં આટલો બધો વિલંબ કેમ થઈ રહ્યો છે? આ સાથે જ કોર્ટે પ્રોડક્ટ્સમાં સોડિયમ અને મીઠાના ઉપયોગ અંગે શું નિર્ણય લેવાયો છે તેનો વિગતવાર જવાબ પણ માંગ્યો છે.
FSSAIએ સ્ટેકહોલ્ડર્સ સાથેની બેઠક બાદ 'યુ-ટર્ન' લીધો
સુનાવણી દરમિયાન અરજદારના વકીલે અદાલતનું ધ્યાન દોર્યું હતું કે, અગાઉ યોજાયેલી બેઠકમાં FSSAIએ તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે અમુક બાબતો પર સંમતિ દર્શાવી હતી, પરંતુ હવે નિયામક પોતાની વાતથી ફરી ગયું છે. વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, FSSAIએ આ મામલે પૂરેપૂરો 'યુ-ટર્ન' લઈને અગાઉ નક્કી થયેલી બાબતોથી વિપરીત વલણ અપનાવ્યું છે, જે ગ્રાહકોના હિત વિરુદ્ધ છે.
ICMR માર્ગદર્શિકા અને 100 ગ્રામ સર્વિંગ સાઈઝની દલીલ
કેસની દલીલો દરમિયાન સીનિયર એડવોકેટ મનિંદર સિંહે ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) ની ગાઈડલાઈન્સ ટાંકીને જણાવ્યું હતું કે, પેકેજ્ડ ખોરાકમાં પોષક તત્વોની ચકાસણી માટે બે શ્રેણીઓ નક્કી થવી જોઈએ. તેમણે સુઝાવ આપ્યો હતો કે, ખાદ્ય પદાર્થોનું ટેસ્ટિંગ દર 100 ગ્રામની માત્રા પર તેમજ પ્રત્યેક 'સર્વિંગ સાઈઝ' (જેટલી માત્રા એકવારમાં ખાવામાં આવે છે) ના આધારે થવું જોઈએ, જેથી આમ જનતાને સાચી અને સ્પષ્ટ માહિતી મળી શકે.
જસ્ટિસ પારડીવાલાની ટિપ્પણી અને લેખિત આદેશની જાહેરાત
કેસની સંભાળ લઈ રહેલા જસ્ટિસ પારડીવાલાએ નોંધ્યું હતું કે કોર્ટે પણ આ ગંભીર વિષય પર પોતાના સ્તરે ઊંડો અભ્યાસ કર્યો છે. તેમણે જાહેરાત કરી હતી કે, આ અંગેનો વિગતવાર આદેશ આજે સાંજે અથવા આવતીકાલ સુધીમાં અપલોડ કરવામાં આવશે. જસ્ટિસ પારડીવાલાએ વકીલો, કેન્દ્ર સરકાર અને FSSAIને આ આદેશનો ગહન અભ્યાસ કરવા સૂચના આપી હતી, જેથી આગામી સુનાવણીમાં આ વિષય પર યોગ્ય અને પરિણામલક્ષી ચર્ચા થઈ શકે.
પેકેજ્ડ ફૂડ લેબલિંગ અને Front-of-Pack Labelling (FOPL) અંગે વિશેષ માહિતી
FOPL (ફ્રન્ટ-ઓફ-પેક લેબલિંગ)ની માંગ: આ કેસ મુખ્યત્વે પેકેજ્ડ પ્રોડક્ટ્સના આગળના ભાગમાં જ સોડિયમ (મીઠું), સુગર (ખાંડ) અને સેચ્યુરેટેડ ફેટની માત્રા દર્શાવતા વોર્નિંગ રેટિંગ અથવા લેબલ લગાવવા સંબંધિત છે, જેથી ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા રોગો અટકાવી શકાય.
INPASC (ઈન્ડિયન ન્યુટ્રિશન રેટિંગ): FSSAI એ સ્ટાર રેટિંગ સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો અને એક્ટિવિસ્ટ્સ ચેતવણી આપતા "હાઈ ઈન સુગર/સોડિયમ" વાળા સ્પષ્ટ રેડ લેબલ લગાવવાની માંગ કરી રહ્યા છે.








