Stem cell therapy for autism: ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (ASD)થી પીડાતા માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, સરકાર માન્ય અને દેખરેખ હેઠળના ક્લિનિકલ ટ્રાયલ સિવાય ઓટિઝમના દર્દીઓને સ્ટેમ સેલ થેરાપી આપી શકાશે નહીં. જો કોઈ ડૉક્ટર કે હોસ્પિટલ મંજૂરી વગર આ સારવાર આપશે, તો તેને 'વ્યાવસાયિક બેદરકારી' ગણવામાં આવશે. કોર્ટે માન્યું છે કે વૈજ્ઞાનિક પુરાવા વગર ભાવનાત્મક રીતે તૂટી ગયેલા પરિવારજનોને સારવારની ખોટી આશા આપવી એ ગંભીર અને અનૈતિક બાબત છે.
ડ્રગ્સ એક્ટમાં સમાવેશનો અર્થ એ નથી કે ગમે ત્યાં ઉપયોગ કરી શકાય
સુપ્રીમ કોર્ટે કાયદાકીય પાસાંની સ્પષ્ટતા કરતા કહ્યું કે, સ્ટેમ સેલને 'ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940' હેઠળ દવાની પરિભાષામાં ચોક્કસ રાખવામાં આવ્યા છે, પરંતુ તેનો અર્થ એવો કતઈ નથી થતો કે તેનો ઉપયોગ ગમે તે બીમારીની સારવાર માટે કરી શકાય. કોર્ટે ટકોર કરી હતી કે તબીબી ક્ષેત્રે કોઈપણ નવી ટેકનોલોજીનો ઉપયોગ ત્યારે જ થવો જોઈએ જ્યારે તેની સુરક્ષા અને અસરકારકતાના મજબૂત વૈજ્ઞાનિક પુરાવા હોય. ઓટિઝમ જેવી જટિલ સ્થિતિમાં સ્ટેમ સેલના પ્રાયોગિક ઉપયોગને રૂટિન પ્રેક્ટિસ બનાવવી જોખમી સાબિત થઈ શકે છે.
દર્દીઓ સાથે અન્યાય ન થાય તે માટે NMCને હસ્તક્ષેપ કરવા આદેશ
ચુકાદા દરમિયાન કોર્ટે માનવીય અભિગમ અપનાવતા કહ્યું હતું કે, જે દર્દીઓની સારવાર હાલ સ્ટેમ સેલ થેરાપીથી ચાલી રહી છે, તેમની સાથે અચાનક અન્યાય ન થવો જોઈએ. જોકે, આ સારવારને રૂટિન રીતે આગળ ધપાવવી હવે શક્ય નથી. આ માટે કોર્ટે નેશનલ મેડિકલ કમિશન (NMC), એઈમ્સ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને વિશેષ આદેશ આપ્યો છે. આવા દર્દીઓને તાત્કાલિક ધોરણે મંજૂર કરાયેલા ક્લિનિકલ ટ્રાયલ્સમાં સામેલ કરવા જોઈએ, જેથી તેમની સારવાર કાયદેસર રહે અને તેમની સુરક્ષાની પણ પૂરતી દેખરેખ રાખી શકાય.
દર્દીના પરિવારને અંધારામાં રાખી લેવાયેલી સંમતિ માન્ય ગણાશે નહીં
સામાન્ય રીતે હોસ્પિટલો દર્દીના પરિવારજનો પાસેથી સંમતિ પત્ર પર સહી કરાવી લેતી હોય છે, પરંતુ સુપ્રીમ કોર્ટે આ અંગે પણ મોટું અવલોકન કર્યું છે. કોર્ટે કહ્યું કે, દર્દી કે પરિવારની સંમતિ ત્યારે જ માન્ય ગણાય જ્યારે તેમને સાચી, વિશ્વાસપાત્ર અને વૈજ્ઞાનિક જાણકારીના આધારે નિર્ણય લેવાની તક અપાઈ હોય. જો પરિવારને સ્ટેમ સેલના જોખમો કે તેની બિન-અસરકારકતા વિશે જણાવ્યા વગર સંમતિ લેવામાં આવી હોય, તો તે કાયદેસર રીતે ટકી શકશે નહીં. આ ચુકાદો આપતી વખતે કોર્ટે WHO અને આંતરરાષ્ટ્રીય સોસાયટી ફોર સ્ટેમ સેલ રિસર્ચની ગાઈડલાઈનને પાયામાં રાખી છે.
શું છે ઓટિઝમ અને સ્ટેમ સેલ વિવાદ?
ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એ એક એવી સ્થિતિ છે જે સામાન્ય રીતે નાની ઉંમરના બાળકોમાં જોવા મળે છે. તેને કારણે બાળકના માનસિક વિકાસ, વાતચીત કરવાની શૈલી અને સામાજિક વર્તણૂક પર માઠી અસર થાય છે. છેલ્લા કેટલાક સમયથી અનેક ખાનગી ક્લિનિક્સ સ્ટેમ સેલ થેરાપી દ્વારા ઓટિઝમ મટાડવાના મોટા-મોટા દાવા કરી રહ્યા હતા. વૈજ્ઞાનિક જગતમાં આ વિષય હજુ પણ સંશોધન હેઠળ છે, ત્યારે સુપ્રીમ કોર્ટના આ હસ્તક્ષેપથી હવે ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ પર લગામ લાગશે અને પીડિતોના શોષણ અટકશે.








