Sudan Drone Attack & Mali Terror Strike:આફ્રિકાના વિવાદિત અને તેલ સમૃદ્ધ અબ્યેઈ (Abyei) વિસ્તારમાં સોમવારે બપોરના સમયે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંના એક અત્યંત વ્યસ્ત અને ધમધમતા માર્કેટ વિસ્તારમાં અચાનક એક પછી એક એમ અનેક વિસ્ફોટો થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હવાઈ માર્ગે આવેલા ડ્રોને માર્કેટમાં સ્થિત ઈંધણના ડેપોને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ ધડાકા કર્યા હતા. આ ઈંધણ ડેપોમાં વિસ્ફોટ થતાં જ આખું બજાર ભીષણ આગની લપેટમાં આવી ગયું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.
મૃત્યુઆંક 150ને પાર, ચારેય તરફ ભયાનક આક્રંદ અને આગનું સામ્રાજ્ય
અબ્યેઈના કાર્યવાહક માહિતી મંત્રી યોહાના અકોલ નગોરના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં મૃત્યુઆંક 73 નોંધાયો હતો. પરંતુ આગની ભયાનકતા અને ગંભીર રીતે દાઝી ગયેલા લોકોના કારણે મૃત્યુઆંક ઝડપથી વધીને 153 સુધી પહોંચી ગયો છે. રાહત અને બચાવ કાર્યકર્તાઓને બળીને ખાખ થઈ ગયેલા મૃતદેહો બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે અને આગ હજુ પણ પૂરી રીતે કાબૂમાં ન આવી હોવાથી મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુદાની સેના પર આરોપ, સ્થિતિ અત્યંત ગંભીર અને વણસેલી
સ્થાનિક પ્રશાસન અને મંત્રીએ આ વિધ્વંસક ડ્રોન હુમલા માટે સુદાનની સરકારી સેના (Sudanese Armed Forces) પર સીધો આરોપ લગાવ્યો છે. અબ્યેઈ વિસ્તાર સુદાન અને દક્ષિણ સુદાન વચ્ચે લાંબા સમયથી વિવાદિત રહ્યો છે, જ્યાં અવારનવાર હિંસક અથડામણો થતી રહે છે. જોકે, સુદાની સેનાના પ્રવક્તા દ્વારા આ આરોપો અંગે તાત્કાલિક કોઈ સત્તાવાર નિવેદન કે પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ હુમલાના કારણે આશરે 8,000 જેટલા સ્થાનિક લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.
પૂર્વ માલીમાં ISIS આતંકવાદીઓનો હાહાકાર: 48 માસૂમ નાગરિકોની હત્યા
બીજી તરફ, આફ્રિકાના જ અન્ય એક દેશ માલીમાં પણ આતંકવાદીઓએ નિર્મમતાની તમામ સરહદો વટાવી દીધી છે. પૂર્વ માલીના મેનાકા (Ménaka) વિસ્તારમાં ISIS આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા સશસ્ત્ર આતંકીઓએ વીકેન્ડ દરમિયાન એક ગામ પર અચાનક હુમલો કરી દીધો હતો. આતંકીઓએ માસૂમ બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત 48 નાગરિકોની ગોળી મારીને નિર્મમ હત્યા કરી નાખી હતી. આ ઘટનાથી સમગ્ર પશ્ચિમ આફ્રિકામાં સસંગઠિત આતંકવાદ સામે ભારે વિરોધ અને આક્રોશનો માહોલ સર્જાયો છે.
સેનાને બાતમી આપવાના આશંકાએ આતંકીઓએ કર્યો કુરૂર હુમલો
સ્થાનિક સાંસદ અને અહેવાલો મુજબ, આતંકવાદીઓએ આ હુમલો બદલાની ભાવનાથી કર્યો હતો. આતંકી સમૂહનો આરોપ હતો કે સ્થાનિક નાગરિકોએ માલીની સેનાને ISISના છુપા ઠેકાણાઓ વિશે ગુપ્ત માહિતી આપી હતી, જેના આધારે સેનાએ આતંકીઓ પર ડ્રોન હુમલા કર્યા હતા. આ જ આશંકાના આધારે નિર્દોષ ગ્રામજનોને નિશાન બનાવીને આ ભયાનક હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. હાલમાં માલીની સેના અને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.








