SpiceJet Delhi Dubai Flight Delay: દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-3 પરથી દુબઈ જતી સ્પાઈસજેટની બે ફ્લાઈટ્સ 24 કલાક કરતા પણ વધુ સમય માટે મોડી પડતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. એરલાઈન દ્વારા વારંવાર શેડ્યૂલમાં ફેરફાર કરાતાં આશરે 200 જેટલા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સોમવારથી જ એરપોર્ટના વિવિધ વિસ્તારોમાં રાહ જોઈને બેઠેલા મુસાફરોનો ધૈર્યનો બંધ મંગળવારે તૂટ્યો હતો અને તેમણે ટર્મિનલની અંદર જમીન પર બેસીને એરલાઈન પ્રશાસન સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.
ઓપરેશનલ કારણો અને વિમાન ગ્રાઉન્ડેડ થતાં મુશ્કેલી સર્જાઈ
એરલાઈનના શેડ્યૂલ મુજબ દિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટ SG-5111 સોમવારે સવારે અને બીજી ફ્લાઈટ SG-5105 સોમવારે સાંજે રવાના થવાની હતી. જોકે, મંગળવાર બપોર સુધી આ બંને ફ્લાઈટ્સ ઉડાન ભરી શકી નહોતી. સ્પાઈસજેટના પ્રવક્તાએ આ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, એક વિમાન ટેકનિકલ કારણોસર ગ્રાઉન્ડેડ થવાથી અને ઓપરેશનલ મુશ્કેલીઓને કારણે આ વિલંબ થયો છે. એરલાઈને મુસાફરોને થયેલી અસુવિધ બદલ સત્તાવાર રીતે માફી માગી હતી અને તેમના માટે વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.
એરપોર્ટ સત્તાવાળાઓનો હસ્તક્ષેપ અને DGCAની કડક નજર
એરપોર્ટ પર મુસાફરોના ભારે વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચારને પગલે એરપોર્ટ સત્તાવાળાઓએ પણ આ મામલો સ્પાઈસજેટના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સ્પાઈસજેટ છેલ્લા કેટલાક સમયથી નાણાકીય અને ઓપરેશનલ ધોરણે ભારે પડકારોનો સામનો કરી રહી છે. તાજેતરમાં નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ પણ સ્પષ્ટ કર્યું હતું કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને વિમાન નિયમનકાર ડીજીસીએ (DGCA) સ્પાઈસજેટની નાણાકીય સ્થિતિ અને તેની ફ્લાઈટ ઓપરેશન્સ પર સતત કડક નજર રાખી રહ્યા છે.
મુસાફરોના અધિકારો અને નિયમો
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના નિયમો અનુસાર, જો કોઈ આંતરરાષ્ટ્રીય અથવા સ્થાનિક ફ્લાઈટ એરલાઈનની ભૂલના કારણે 2 કલાકથી વધુ મોડી પડે તો મુસાફરોને મફત રિફ્રેશમેન્ટ અને ભોજન પૂરું પાડવું ફરજિયાત છે. આ ઉપરાંત જો ફ્લાઈટ 6 કલાકથી વધુ મોડી પડે કે કેન્સલ થાય તો એરલાઈને મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવું પડે છે અથવા વૈકલ્પિક ફ્લાઈટમાં ટિકિટ બુક કરી આપવી પડે છે. જો રાત્રિ રોકાણની જરૂર પડે તો એરલાઈને મુસાફરો માટે મફત હોટેલ રહેઠાણની વ્યવસ્થા પણ કરવી પડે છે, પરંતુ મુસાફરોનો આરોપ છે કે સ્પાઈસજેટ તરફથી તેમને સમયસર યોગ્ય મદદ મળી નહોતી.








