Sonia Gandhi Book Belonging Controversy: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીનું આગામી પુસ્તક 'Belonging: A Journey of Love' તેના પ્રકાશન પહેલા જ વિવાદોના વટોળમાં ઘેરાઈ ગયું છે. આ પુસ્તકના ભારતમાં પ્રકાશનને લઈને પ્રકાશન સંસ્થા 'પેંગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયા'અને કોંગ્રેસ નેતાઓ સામસામે આવી ગયા છે. પેંગ્વિને જ્યાં આ મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો છે ત્યાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કેન્દ્ર સરકાર પર અભિવ્યક્તિની આઝાદી છીનવવાનો આરોપ મૂક્યો છે.
પેંગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયાનો સત્તાવાર ખુલાસો
પેંગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, તેઓ ભારતમાં આ પુસ્તકના પબ્લિશર નથી. યુએસ સ્થિત પ્રકાશક 'આલ્ફ્રેડ એ. નોફ' (જે પેંગ્વિન રેન્ડમ હાઉસનો જ એક ભાગ છે) દ્વારા આ પુસ્તક 10 નવેમ્બરે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.પેંગ્વિને તે દાવાઓને નકારતા કહ્યું હતું કે, લેખિકા (સોનિયા ગાંધી) એ સંપાદકીય ફેરફારો સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાથી પુસ્તકનું પ્રકાશન અટકાવવામાં આવ્યું છે. કંપનીએ જણાવ્યું કે, "કોઈપણ પ્રકાશકની પ્રાથમિક જવાબદારી પુસ્તકમાં આપેલા તથ્યો (Facts) ની ચકાસણી કરવી અને લેખકને યોગ્ય સલાહ આપવી છે. આ પ્રકાશન પ્રક્રિયાનો સામાન્ય ભાગ છે." વધુમાં, કંપનીએ ઉમેર્યું કે, તેઓ લેખિકા સાથેની ગુપ્ત વાતચીત પર કોઈ ટિપ્પણી કરશે નહીં.
અશોક ગેહલોતનો ચોંકાવનારો દાવો અને સવાલો
પેંગ્વિનના આ નિવેદન બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે આકરા પ્રહારો કર્યા હતા. ગેહલોતે દાવો કર્યો હતો કે, "પેંગ્વિન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSS અને મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ચીન દ્વારા ભારતીય ક્ષેત્ર પર કરાયેલા કબ્જા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ હિસ્સાઓને પુસ્તકમાંથી હટાવવાનું ભારે દબાણ હતું." તેમણે ઉમેર્યું કે, જ્યારે સોનિયા ગાંધીએ આ ફેરફારો કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો ત્યારે કંપની ભારતમાં આ પુસ્તક છાપવાથી પાછળ હટી ગઈ. ગેહલોતે આ ઘટનાને દેશમાં અભિવ્યક્તિની આઝાદી પર સીધો હુમલો ગણાવ્યો હતો.
કમલનાથ અને અન્ય નેતાઓની પ્રતિક્રિયા
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે X પર લખ્યું કે, "શું હવે પ્રકાશન સંસ્થા નક્કી કરશે કે સોનિયા ગાંધી જેવી વરિષ્ઠ હસ્તીએ શું લખવું અને શું ન લખવું? આનાથી સવાલ ઊભો થાય છે કે, પ્રકાશક આ વાત પોતાની મરજીથી કહી રહ્યો છે કે તેના પર કોઈનું રાજકીય દબાણ છે?"
એમેઝોન પર ઈ-બુકનો પ્રી-ઓર્ડર શરૂ
ભારતમાં પુસ્તકના ભૌતિક પ્રકાશન અને ડિસ્ટ્રીબ્યુશન અંગે હજુ ચિત્ર સ્પષ્ટ નથી, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) પર આ પુસ્તકની ઈ-બુક 2651ની કિંમતે પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થઈ ગઈ છે. એમેઝોનના જણાવ્યા મુજબ, ઈ-બુકનું પ્રકાશન હાર્પર કોલિન્સ યુકે (HarperCollins UK) ના એક ભાગ એવા 'વિલિયમ કોલિન્સ' દ્વારા કરવામાં આવ્યું છે.
સોનિયા ગાંધીના પુસ્તક અને પ્રકાશક વિવાદ અંગે વિશેષ માહિતી
'Belonging: A Journey of Love' ની થીમ: આ પુસ્તક સોનિયા ગાંધીનું સંસ્મરણ (Memoir) છે, જેમાં તેમણે રાજીવ ગાંધી સાથેના તેમના લગ્ન, ભારતમાં તેમનું આગમન, ગાંધી પરિવારનો રાજકીય વારસો, કટોકટી અને ત્યારબાદ ભારતીય રાજકારણમાં તેમના પોતાના નેતૃત્વ અને પડકારોના અનુભવો શેર કર્યા છે.
આંતરરાષ્ટ્રીય પ્રકાશક આલ્ફ્રેડ એ. નોફ (Alfred A. Knopf): આ અમેરિકાની અત્યંત પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થા છે, જેણે અગાઉ બિલ ક્લિન્ટન, બરાક ઓબામા અને આંગ સાન સુ કી જેવી વૈશ્વિક હસ્તીઓના આત્મકથાનક અને સંસ્મરણો પ્રકાશિત કર્યા છે.
ભારતમાં બુક બેન અને એડિટોરિયલ ફ્રીડમનો ઈતિહાસ: ભારતીય રાજકારણમાં અગાઉ પણ રાજકીય હસ્તીઓ પર લખાયેલા કે તેમના દ્વારા લખાયેલા પુસ્તકો (જેમ કે સંજય બારૂનું 'The Accidental Prime Minister' અથવા જસવંત સિંહનું જિન્નાહ પરનું પુસ્તક) વિવાદોમાં રહ્યા છે. મોટે ભાગે પ્રકાશકો કાનૂની મુકદ્દમા કે રાજકીય આક્રોશથી બચવા માટે સંવેદનશીલ મુદ્દાઓ પર એડિટોરિયલ કટ લગાવવાનો આગ્રહ રાખતા હોય છે.








