Sonia Gandhi Autobiography Interview: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાની આત્મકથા ‘Belonging: A Journey of Love’ દ્વારા અંગત જીવન, રાજીવ ગાંધી સાથેના સંબંધો અને દેશના રાજકારણ સાથે જોડાયેલા અનેક અનુભવો રજૂ કર્યા છે. એક ઇન્ટરવ્યુંમાં તેમણે કહ્યું કે જો રાજીવ ગાંધી જીવિત હોત તો કદાચ બંને સામાન્ય જીવન જીવી રહ્યાં હોત. તેમણે ઉમેર્યું કે લોકોએ તેમના વિશે અનેક વાતો અને કિસ્સાઓ ઘડ્યા, પરંતુ તેમણે આ બધાથી દૂર રહીને બાળકો અને પોતાના કામ પર ધ્યાન આપ્યું. નેહરુ-ગાંધી પરિવારમાં જવાહરલાલ નેહરુ બાદ સોનિયા ગાંધી આત્મકથા લખનાર પરિવારનાં પ્રથમ સભ્ય છે. જવાહરલાલ નેહરુએ 1936માં ‘An Autobiography’ લખી હતી, જ્યારે સોનિયા ગાંધીએ પોતાની જીવનયાત્રાને ‘Belonging: A Journey of Love’ પુસ્તકમાં રજૂ કરી છે.
10 વર્ષની મહેનત બાદ આત્મકથા તૈયાર થઈ
આત્મકથા લખવાનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે સોનિયા ગાંધીએ જણાવ્યું કે વર્ષ 2015માં રાહુલ ગાંધી અને પ્રિયંકાએ તેમને લખવા માટે પ્રેરિત કર્યા હતા. ત્યારબાદ કેટલાક મિત્રોએ પણ આ જ સલાહ આપી હતી. તેમણે નોંધો એકઠી કરવાનું શરૂ કર્યું અને જૂની યાદોને ક્રમશઃ લખતી ગઈ. લગભગ 10 વર્ષની મહેનત બાદ આ પુસ્તક તૈયાર થયું અને વાચકો સમક્ષ આવ્યું.
રાજીવ ગાંધી સાથેની પહેલી મુલાકાત અને સામાન્ય જીવન
રાજીવ ગાંધી સાથેની પહેલી મુલાકાત અંગે સોનિયા ગાંધીએ કહ્યું કે કેટલાક સામાન્ય મિત્રો દ્વારા બંનેની મુલાકાત થઈ હતી. ત્યારે તેમની ઉંમર 19 વર્ષની હતી. તેઓ રાજીવ ગાંધીના વ્યક્તિત્વથી પ્રભાવિત થયાં હતાં. તે સમયે રાજીવનું નામ કે તેમનો પરિવાર તેમના જીવનનો ભાગ નહોતો. લગ્ન બાદ પણ રાજીવ પાઇલટ તરીકે કામ કરતા હતા અને બંનેનું જીવન એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર જેવું હતું. સોનિયાએ કહ્યું કે રાજીવ જીવિત હોત તો કદાચ આજે પણ બંને સામાન્ય જીવન જીવી રહ્યાં હોત.
કટોકટીના નિર્ણયથી રાજીવ ગાંધી અસહમત હતા
દેશમાં લાગુ કરવામાં આવેલી કટોકટી અંગે રાજીવ ગાંધીનો અભિપ્રાય શું હતો તેવા સવાલના જવાબમાં સોનિયાએ જણાવ્યું કે રાજીવ ગાંધી કટોકટી લાદવાના નિર્ણય સાથે સહમત નહોતા. ઇન્દિરા ગાંધી પણ આ વાત જાણતાં હતાં. તેમણે કહ્યું કે રાજીવ અને સંજય બંને પોતાની માતાનો ખૂબ આદર કરતા હતા. રાજીવ માટે પણ કટોકટીનો નિર્ણય સરળ નહોતો, કારણ કે તેઓ સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા પરિવારનો ભાગ હતા અને લોકશાહીમાં વિશ્વાસ ધરાવતા હતા. તે સમયે કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓ માનતા હતા કે દેશમાં વધતી અરાજકતા અને હિંસાને ધ્યાનમાં રાખીને કટોકટી જ એકમાત્ર રસ્તો હતો.
સંજય ગાંધીના મૃત્યુથી બદલાઈ ગયું પરિવારનું વાતાવરણ
સંજય ગાંધીના વિમાન દુર્ઘટનામાં થયેલા મૃત્યુ અંગે સોનિયા ગાંધીએ કહ્યું કે જો આ ઘટના ન બની હોત તો કદાચ પરિવારનું જીવન અને દેશનું રાજકારણ અલગ હોત. શક્ય છે કે રાજીવ ગાંધી પણ રાજકારણથી દૂર રહીને ખાનગી જીવન જીવતા હોત. તેમણે જણાવ્યું કે સંજય ગાંધીનાં મેનકા સાથે લગ્ન થયા બાદ જ પરિવારના વાતાવરણમાં ફેરફાર આવવા લાગ્યો હતો. અગાઉ રાજીવ અને સંજય ઘણો સમય સાથે વિતાવતા હતા અને પરિવાર સાથે પ્રવાસમાં પણ જોડાતા હતા. સંજયના મૃત્યુ સમયે મેનકા માત્ર 23 વર્ષની હતી અને તેમના માટે પતિને ગુમાવવાનો આઘાત સહન કરવો મુશ્કેલ હતો. મેનકાની માતા ઇચ્છતી હતી કે તેઓ રાજકારણમાં આવે, જ્યારે ઇન્દિરા ગાંધી માનતાં હતાં કે મેનકાએ પોતાના નાના પુત્ર વરુણ પર ધ્યાન આપવું જોઈએ. સોનિયાના જણાવ્યા અનુસાર, વિચારોના આ ટકરાવથી પરિવાર વચ્ચે અંતર વધ્યું હતું.
રાજીવ ગાંધીને રાજકારણમાં આવતા રોકવાના પ્રયાસ કર્યા
સોનિયા ગાંધીએ ખુલાસો કર્યો કે સંજય ગાંધીના અવસાન બાદ તેમણે રાજીવ ગાંધીને રાજકારણમાં પ્રવેશતા રોકવાના તમામ સંભવિત પ્રયાસ કર્યા હતા. જોકે, સમય જતાં સ્પષ્ટ થઈ ગયું કે રાજીવ માટે રાજકારણથી દૂર રહેવું શક્ય નહોતું. તેમણે કહ્યું કે રાજીવની મૂંઝવણ તેઓ સમજી શકતાં હતાં, પરંતુ પરિવારની પરિસ્થિતિએ તેમને રાજકારણ તરફ આગળ વધવા પ્રેર્યા હતા.
ઇન્દિરા ગાંધીનું પારિવારિક અને માતૃત્વનું સ્વરૂપ
સોનિયા ગાંધીએ ઇન્દિરા ગાંધીના અંગત જીવનના કેટલાક યાદગાર પ્રસંગો પણ શેર કર્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, ઘરમાં ઇન્દિરા ગાંધીનો સ્વભાવ ખૂબ જ સહજ અને સ્નેહપૂર્ણ હતો. નવી વહુ તરીકે તેમને પરિવારની પરંપરાઓ સમજવામાં સમય લાગ્યો હતો. સમય મળતો ત્યારે ઇન્દિરા ગાંધી બાળકોની સંભાળ રાખતાં અને તેમને વાર્તાઓ સંભળાવતાં હતાં. 1969માં પરિવારના પહેલા પુત્રના અવસાન સમયે ઇન્દિરા ગાંધી પોતાનો પ્રવાસ અધવચ્ચે છોડીને હોસ્પિટલ પહોંચ્યાં હતાં અને રાજીવ તથા સોનિયાને હિંમત આપી હતી. સંજય ગાંધીના અવસાન બાદ ઇન્દિરા ગાંધી બહારથી મજબૂત દેખાતાં હતાં, પરંતુ અંગત જીવનમાં તેઓ ઊંડા દુઃખમાંથી પસાર થઈ રહ્યાં હતાં. સોનિયાએ જણાવ્યું કે તેઓ એકાંતમાં પોતાના રૂમમાં બેસીને આંસુ વહાવતાં હતાં. આ સમયગાળામાં તેમણે ઇન્દિરા ગાંધીના માતૃત્વ અને હિંમત બંનેને નજીકથી અનુભવ્યાં હતાં.
રાજીવ ગાંધીની હત્યા બાદ રાજકારણથી દૂર રહેવા માગતાં હતાં
રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયા ગાંધી રાજકારણથી સંપૂર્ણપણે દૂર થઈ ગયાં હતાં. તેઓ સામાન્ય જીવન જીવવા માગતાં હતાં અને બાળકોને જાહેર જીવનની મુશ્કેલીઓથી બચાવવા ઇચ્છતાં હતાં. જોકે, વર્ષો બાદ કોંગ્રેસની સ્થિતિ અને પક્ષના વિચારો નબળા પડતા હોવાની લાગણી થતાં તેમણે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય લેવામાં ભગવદ્ ગીતાએ પણ તેમને માર્ગદર્શન આપ્યું હતું. સોનિયાના જણાવ્યા અનુસાર, ગીતાએ તેમને પરિણામની ચિંતા કર્યા વિના પોતાનું કર્તવ્ય નિભાવવાની પ્રેરણા આપી હતી. તેનાથી તેમનો ભય ઓછો થયો અને રાજકારણમાં આવવાનું સાહસ મળ્યું.
વિદેશી મૂળના સવાલો વચ્ચે અમેઠીના લોકોએ આપ્યો પ્રેમ
શરદ પવાર, પી.એ. સંગમા અને તારિક અનવર દ્વારા તેમના વિદેશી મૂળ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા ત્યારે તેમને કેવું લાગ્યું તે અંગે સોનિયાએ કહ્યું કે રાજીવ સાથે લગ્ન થયાને ત્યાં સુધીમાં અનેક દાયકાઓ વીતી ચૂક્યાં હતાં. તેમણે ભારતમાં પોતાનું ઘર વસાવ્યું હતું અને આ જ દેશમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેમણે ખાસ કરીને અમેઠીના લોકોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ત્યાંના લોકો તેમનું મૂળ પૂછતા નહોતા, પરંતુ તેમને પરિવારની વહુ માનીને પોતાના ઘરે બોલાવતા અને પ્રેમથી સ્વીકારતા હતા. દેશના લોકોએ તેમને મુશ્કેલ સમયમાં હિંમત અને પ્રેમ આપ્યો હતો.
વડાપ્રધાન બનવાનો નિર્ણય ક્યારેય મનમાં નહોતો
યુપીએની જીત બાદ વડાપ્રધાન પદ સ્વીકાર્યું ન હોવાના નિર્ણય અંગે સોનિયા ગાંધીએ કહ્યું કે ચૂંટણી પહેલાં જ તેમણે રાહુલ અને પ્રિયંકા સાથે આ અંગે વાત કરી હતી. બંનેએ તેમને વડાપ્રધાન બનવા અંગે પૂછ્યું હતું, પરંતુ તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે તેઓ આ જવાબદારી સ્વીકારશે નહીં. તેમના જણાવ્યા અનુસાર, આ નિર્ણય સંપૂર્ણપણે અંગત હતો અને તેમણે પોતાના બાળકોને આપેલા વચનના આધારે લીધો હતો. ચૂંટણી બાદ ગઠબંધનના નેતાઓએ પણ તેમને વડાપ્રધાન બનવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ તેમનો નિર્ણય બદલાયો નહોતો. આ નિર્ણય અંગે તેમને ક્યારેય અફસોસ થયો નથી.
મનમોહન સિંહ સાથે જવાબદારીઓનું સ્પષ્ટ વિભાજન હતું
ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા બાદ સરકાર અને પાર્ટીમાં સત્તાનાં બે કેન્દ્રો હોવાની ચર્ચા અંગે સોનિયાએ કહ્યું કે તેઓ મનમોહન સિંહને હંમેશાં ઈમાનદાર અને નિષ્ઠાવાન વ્યક્તિ તરીકે જોતા હતાં. તેમના જણાવ્યા અનુસાર, સરકાર ચલાવવાની જવાબદારી મનમોહન સિંહ પાસે હતી, જ્યારે કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ તેઓ સંભાળતાં હતાં. દર અઠવાડિયે યોજાતી કોર ગ્રુપની બેઠકમાં બંને વચ્ચે સંકલન જળવાતું હતું. યુપીએ સરકારનાં 10 વર્ષ દરમિયાન બંને વચ્ચે ખુલ્લો અને ઈમાનદાર સંવાદ રહ્યો હતો. સોનિયાના મતે, આ સ્પષ્ટ જવાબદારી વિભાજનથી સરકાર અને પક્ષ વચ્ચે તાલમેળ જાળવવામાં મદદ મળી હતી.
લોકશાહી સંસ્થાઓ સામે પડકારો અંગે વ્યક્ત કરી ચિંતા
છેલ્લાં વર્ષોમાં દેશની લોકશાહી સંસ્થાઓ અને સામાજિક માળખામાં આવેલા ફેરફારો અંગે સોનિયા ગાંધીએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે મીડિયા, સંસદ અને ચૂંટણી પંચ જેવી સંસ્થાઓની સ્વતંત્રતા અને ભૂમિકા અંગે ચર્ચાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સત્તાના કેન્દ્રીકરણ અને સામાજિક ધ્રુવીકરણ અંગે પણ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે તેની અસર બંધારણીય મૂલ્યો અને સામાજિક સૌહાર્દ પર પડી શકે છે. સોનિયાના મતે, લોકશાહી સંસ્થાઓની મજબૂતી, પરસ્પર વિશ્વાસ અને વિવિધતાનું સન્માન જાળવવું જરૂરી છે. આ માટે કોંગ્રેસ, અન્ય વિપક્ષી પક્ષો અને દેશના યુવાનોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે. સ્વસ્થ લોકશાહી માટે સંવાદ અને અસંમતિ પ્રત્યે સન્માન જાળવવું જરૂરી છે.








