Sohrabuddin Sheikh Case: સોહરાબુદ્દીન શેખ, કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિના કથિત ફેક એન્કાઉન્ટર કેસમાં 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ અપીલ પર સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે સોહરાબુદ્દીનના ભાઈ રૂબાબુદ્દીન શેખની અપીલ સ્વીકારીને CBI સહિત સંબંધિત પક્ષકારોને નોટિસ પાઠવી છે. સુનાવણી દરમિયાન ટ્રાયલમાં 92 સાક્ષીઓ હોસ્ટાઈલ થયા હોવાના મુદ્દે બેન્ચે ગંભીર નોંધ લીધી હતી. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તત્કાલીન ભાજપ નેતા અને હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના 2014ના ડિસ્ચાર્જને આ અપીલમાં ફરીથી ખોલવામાં આવશે નહીં.
92 સાક્ષીઓ હોસ્ટાઈલ થવા પર સુપ્રીમ કોર્ટની નોંધ
2018માં મુંબઈની વિશેષ CBI કોર્ટે 22 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. આ ટ્રાયલ દરમિયાન કુલ 210 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી, જેમાંથી 92 સાક્ષીઓને હોસ્ટાઈલ જાહેર કરવામાં આવ્યા હતા. હવે આ જ મુદ્દો સુપ્રીમ કોર્ટની અપીલમાં મહત્વનો બન્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની બેન્ચે સાક્ષીઓના મોટી સંખ્યામાં હોસ્ટાઈલ થવા અંગે ગંભીરતા દર્શાવી છે. કોર્ટ ટ્રાયલમાં સાક્ષીઓના નિવેદનો અને સમગ્ર પ્રક્રિયામાં નિર્દોષ મુક્તિના ચુકાદાની કાયદેસરતા અંગે તપાસ કરશે.
22 આરોપીઓની નિર્દોષ મુક્તિ સામે અપીલ
રૂબાબુદ્દીન શેખે બોમ્બે હાઈકોર્ટના 2026ના ચુકાદાને પડકાર્યો છે. બોમ્બે હાઈકોર્ટે 21 પોલીસકર્મીઓ સહિત કુલ 22 આરોપીઓની નિર્દોષ મુક્તિને યથાવત્ રાખી હતી. હવે સુપ્રીમ કોર્ટ એ તપાસશે કે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દોષ મુક્તિના ચુકાદા કાયદેસર રીતે યોગ્ય હતા કે નહીં. અહીં નોંધવું જરૂરી છે કે અમિત શાહનું નામ આ કેસમાં અગાઉ આરોપી તરીકે આવ્યું હતું, પરંતુ તેમને 2014માં ટ્રાયલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે હાલની અપીલમાં તેમના ડિસ્ચાર્જને ફરીથી ખોલવાનો ઇનકાર કર્યો છે.
શું હતો સોહરાબુદ્દીન કેસ?
CBIના કેસ મુજબ સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને સાથી તુલસીરામ પ્રજાપતિને નવેમ્બર 2005માં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ 26 નવેમ્બર 2005ના રોજ સોહરાબુદ્દીન અમદાવાદ નજીક પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. કૌસર બીના મોત બાદ ડિસેમ્બર 2006માં તુલસીરામ પ્રજાપતિ પણ બનાસકાંઠા નજીક પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પ્રજાપતિ આ કેસમાં મહત્વના સાક્ષી તરીકે સામે આવ્યા હતા.
2018માં 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા
મુંબઈની વિશેષ CBI કોર્ટે ડિસેમ્બર 2018માં 22 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. તેમાં ગુજરાત, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશના પોલીસકર્મીઓનો સમાવેશ થતો હતો. કોર્ટે નોંધ્યું હતું કે ત્રણેયના મોતમાં આરોપીઓની સંડોવણી સાબિત કરવા માટે રજૂ કરવામાં આવેલા પુરાવા પૂરતા નહોતા. ટ્રાયલ દરમિયાન 210 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી, જેમાં 92 સાક્ષીઓ હોસ્ટાઈલ થયા હતા.
હવે સુપ્રીમ કોર્ટમાં શું થશે?
હાલની સુનાવણીનો મુખ્ય મુદ્દો 22 આરોપીઓની નિર્દોષ મુક્તિની કાયદેસરતા છે. સુપ્રીમ કોર્ટ સાક્ષીઓની જુબાની, ટ્રાયલ દરમિયાન રજૂ થયેલા પુરાવા અને નીચલી અદાલતોના ચુકાદાની તપાસ કરશે. જોકે, અમિત શાહને 2014માં આપવામાં આવેલા ડિસ્ચાર્જનો મુદ્દો આ કાર્યવાહીનો ભાગ નહીં બને.








