Sheikh Hasina party workers gather in Dhaka: બાંગ્લાદેશના પૂર્વ પડાપ્રધાન શેખ હસીનાની વાપસી પહેલાં દેશમાં તણાવની સ્થિતિ છે. બુધવારે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, આવામી લીગને ક્યારેય બાંગ્લાદેશમાં રાજનીતિ કરવા દેવામાં નહીં આવે. વળી, બીજી બાજુ આવામી લીગે 27 અને 28 નવેમ્બરે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના સમર્થનમાં ફૂલ લૉકડાઉન કરવાની જાહેરાત કરી છે. આવામી લીગના કાર્યકર્તા ઢાકામાં એકત્રિત થઈ રહ્યા છે.
ગોપાલગંજમાં આશરે 2000 પોલીસકર્મી તૈનાત
બાંગ્લાદેશના સ્થાનિક મીડિયા અનુસાર, બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના સાત જિલ્લામાં 109 પ્લાટૂન તૈનાત કર્યા છે. 18 પ્લાટૂન સાવર અને અશુલિયામાં, નારાયણગંજમાં સાત, ગાઝીપુરમાં 18, મૈમનસિંહના ભાલુકામાં 2, ગોપાલગંજમાં 56 અને અન્ય સાત જિલ્લામાં 109 પ્લાટૂન તૈનાત કરવામાં આવ્યા છે. સૌથી વધુ ફોર્સ શેખ હસીનાના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં તૈનાત કરવામાં આવી છે. ગત અઠવાડિયે ગોપાલગંજમાં આશરે 2000 પોલીસકર્મી અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશની 10 પ્લાટૂન સાથે સ્પેશ્યલ રિસ્પોન્સ બટાલિયન (SRB) ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
BNP સરકાર સામે માર્ચ
આ દરમિયાન, કટ્ટરપંથી ઇસ્લામી પાર્ટી જમાત-એ-ઇસ્લામીએ સિલહટમાં આવામી લીગ અને BNP સરકાર સામે માર્ચ કાઢી છે. આ માર્ચ દેશમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવામાં સરકારની નિષ્ફળતાના વિરોધમાં હતું.
આવામી લીગ ફાસીવાદી તાકાતઃ બાંગ્લાદેશના ગૃહ મંત્રી
બાંગ્લાદેશના ગૃહ મંત્રી સલાહુદ્દીન અહેમદે આવામી લીગને ફાસીવાદ અને માફિયા તાકત જણાવી છે. તેમનું કહેવું છે કે, આવામી લીગને બાંગ્લાદેશમાં ક્યારેય રાજનીતિ કરવા ન દેવી જોઈએ. આવામી લીગ બાંગ્લાદેશમાં ક્યારેય રાજનીતિ નહીં કરી શકે, ઠીક એવી જ રીતે જે રીતે જર્મનીમાં નાઝી પાર્ટીને મોટાપાયે હત્યાઓમાં સામેલ હોવાના કારણે રાજનીતિથી પ્રતિબંધિત કરી દેવાયું હતું.
શેખ હસીના સામેના કેસ પરત ખેંચવાની માંગ
એકબાજું બાંગ્લાદેશી સરકાર આવામી લીગ પર કડકાઇ બનાવી રહ્યું છે. ત્યાં બીજી બાજું આવામી લીગે શેખ હસીના અને પાર્ટીના નેતાની સામે નોંધાયેલ કેસ પરત લેવાથી લઇને પાર્ટી પર લાગેલા પ્રતિબંધો દૂર કરવાની માંગ મૂકી છે.
શું છે આવામી લીગની માંગ?
શેખ હસીના અને પાર્ટી નેતાઓ સામે થયેલા કેસ પરત લેવા જોઈએ.
રાજકીય રૂપે પ્રેરિત નિર્ણયો રદ કરવામાં આવે. આવામી લીગ પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેને દૂર કરવામાં આવે.
પાર્ટીની રાજકીય ગતિવિધિને મંજૂરી આપવામાં આવે.
રાજકીય બંધકોને મુક્ત કરવામાં આવે અને તેમના પર ચાલી રહેલા તમામ કેસ પણ સમાપ્ત કરવામાં આવે.
બાંગ્લાદેશમાં વધતી મોંઘવારીને નિયંત્રિત કરવામાં આવે. વીજળી, ગેસ, પાણી, ઇંધણ, ખાતર અને આવશ્યક વસ્તુઓની કિંમત ઘટાડવામાં આવે.
બંધ પડેલા ઉદ્યોગોને ફરી ખોલવામાં આવે અને બેરોજગાર શ્રમિકોને રોજગાર આપવામાં આવે.
નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય. હત્યા, દુષ્કર્મ, વસૂલી, લૂંટપાટ અને ગેરકાયદે કબ્જો રોકવામાં આવે અને મહિલાઓ, બાળકો અને અલ્પસંખ્યકોની સુરક્ષા કરવામાં આવે.
સૈન્ય-નાગરિક અધિકારીઓ અને પત્રકારો સામે કથિત જૂઠા કેસ પરત લો અને અભિવ્યક્ત તેમજ પ્રેસની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવામાં આવે.
ઉગ્રવાદ અને આતંકવાદ સામે કાર્યવાહી થાય. આ સાથે જ જેલમાંથી મુક્ત કરવામાં આવેલા આતંકવાદી અને ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવે.
16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાના છે. શેખ હસીના છેલ્લાં બે વર્ષથી વધુ સમયથી ભારતમાં છે. તેમના પ્રવક્તાએ મંગળવારે જાણકારી આપી હતી કે, તેઓ 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરશે. 16 ડિસેમ્બરે બાંગ્લાદેશમાં 1971ના મુક્તિ સંગ્રામના જીતની વર્ષગાંઠ ઉજવવામાં આવે છે. આ પહેલીવાર છે, જ્યારે શેખ હસીનાએ પોતાની વાપસી માટે કોઈ નિશ્ચિત તારીખ નક્કી કરી છે. એવામાં બાંગ્લાદેશમાં રાજકીય અને કાનૂની તણાવ વધવાની આશંકા છે.








