Secret deal between Trump and Putin: અમેરિકા અને રશિયા વચ્ચે સંબંધોમાં તણાવ વધી રહ્યો છે ત્યારે એક રહસ્યમય ઘટનાએ સમગ્ર યુરોપનું ધ્યાન ખેંચ્યું છે. અમેરિકાનું વિશાળ સૈન્ય વિમાન C-17 ગ્લોબમાસ્ટર III અચાનક મોસ્કોના વનુકોવો એરપોર્ટ પર લેન્ડ થયું હતું. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા મુજબ, વિમાને લાતવિયાની રાજધાની રીગાથી ઉડાન ભરીને સીધું મોસ્કો પહોંચ્યું હતું. અમેરિકન સૈન્યનું આટલું મોટું વિમાન રશિયાની રાજધાનીમાં શા માટે પહોંચ્યું તે અંગે અનેક અટકળો શરૂ થઈ છે અને સંરક્ષણ નિષ્ણાતો પણ ઘટનાને રસપૂર્વક જોઈ રહ્યા છે.
રીગાથી સીધું મોસ્કો પહોંચ્યું અમેરિકન મિલિટરી વિમાન
FlightRadar24ના ડેટા અનુસાર, અમેરિકન C-17 વિમાન RCH4555 ફ્લાઇટ નંબર સાથે રીગાથી મોસ્કો માટે રવાના થયું હતું. મોસ્કોના સ્થાનિક સમય મુજબ મંગળવારે સવારે આશરે 8:50 વાગ્યે વિમાને રીગાથી ઉડાન ભરી હતી અને લગભગ 10:04 વાગ્યે વનુકોવો એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું. વનુકોવો એરપોર્ટનો રશિયામાં VIP અને સરકારી મિશન માટે પણ ઉપયોગ થાય છે. આ ફ્લાઇટની માહિતી સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા અને ફ્લાઇટ ટ્રેકિંગ પ્લેટફોર્મ પર ભારે ચર્ચા શરૂ થઈ હતી.
અમેરિકાના જોઇન્ટ બેઝ એન્ડ્ર્યૂઝથી શરૂ થઈ હતી સફર
ફ્લાઇટના અગાઉના રૂટે પણ અનેક સવાલો ઊભા કર્યા છે. ઉપલબ્ધ ડેટા મુજબ આ જ C-17 વિમાન 23 ઓગસ્ટે અમેરિકાના મેરીલેન્ડ સ્થિત કેમ્પ સ્પ્રિંગ્સથી રીગા પહોંચ્યું હતું. આ વિસ્તાર અમેરિકાના જાણીતા જોઇન્ટ બેઝ એન્ડ્ર્યૂઝની નજીક આવેલો છે. આ બેઝનો ઉપયોગ રાષ્ટ્રપતિના સત્તાવાર વિમાન એર ફોર્સ વન ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ સત્તાવાર મિશન માટે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ત્યાંથી નીકળેલું વિમાન રીગા થઈને સીધું મોસ્કો પહોંચતાં નવી અટકળોને વેગ મળ્યો છે.
ક્રેમલિનની ચુપ્પીથી રહસ્ય વધુ ઘેરાયું
મોસ્કોમાં અમેરિકન સૈન્ય વિમાનના આગમન અંગે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવને પ્રશ્ન કરવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ પેસ્કોવે કહ્યું કે મોસ્કોને આ વિમાનના આગમન અંગે કોઈ માહિતી નથી. બીજી તરફ, રશિયન સરકારી મીડિયાના અહેવાલો અનુસાર આ સપ્તાહ દરમિયાન મોસ્કોમાં અમેરિકન પ્રશાસનના કોઈ પ્રતિનિધિ સાથે સત્તાવાર બેઠક નક્કી કરવામાં આવી નથી. બંને દેશો તરફથી ફ્લાઇટ અંગે કોઈ સ્પષ્ટ સત્તાવાર માહિતી સામે ન આવતાં આ ઘટનાને લઈને રહસ્ય વધુ ઘેરાયું છે.
શું છે C-17 ગ્લોબમાસ્ટર III?
C-17 ગ્લોબમાસ્ટર III અમેરિકન વાયુસેનાનું વિશાળ સૈન્ય પરિવહન વિમાન છે. તેનો ઉપયોગ ભારે સૈન્ય સાધનો, ટેન્ક, યુદ્ધ સામગ્રી અને મોટી સંખ્યામાં સૈનિકોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે થાય છે. જોકે, તેનો ઉપયોગ માત્ર સૈન્ય પરિવહન પૂરતો મર્યાદિત નથી. અમેરિકી સરકાર અને પેન્ટાગન તેનો ઉપયોગ લોજિસ્ટિક સપ્લાય, રાજદ્વારી મિશન અને કટોકટીની પરિસ્થિતિમાં નાગરિકોને બહાર કાઢવા જેવા હેતુઓ માટે પણ કરી શકે છે. તેથી મોસ્કોમાં થયેલું આ લેન્ડિંગ કયા હેતુસર હતું તે અંગે સત્તાવાર સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી અનેક શક્યતાઓ પર ચર્ચા ચાલુ રહેવાની છે.








