Saudi-Afghanistan Energy Deal: સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કિયે વચ્ચે થયેલા કહેવાતા ‘ઇસ્લામિક નાટો’ અથવા ‘મક્કા પેક્ટ’ને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. 7 ઓગસ્ટે મક્કામાં થયેલી ત્રિપક્ષીય સંરક્ષણ સમજૂતી મુજબ ત્રણેયમાંથી કોઈ એક દેશ પર હુમલો થાય તો તેને ત્રણેય દેશો પર હુમલો ગણવામાં આવશે. જોકે, સાઉદી અરેબિયા સામે ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓના હુમલા વચ્ચે પાકિસ્તાન ઈરાનને નારાજ કરવાના ડરે યમન અને હૂથીઓ વિરુદ્ધ સીધી કાર્યવાહી કરવાથી દૂર હોવાનું અહેવાલોમાં કહેવાયું છે.
અફઘાનિસ્તાન સાથે સાઉદીની કરોડોની ઊર્જા ડીલ
આ ઘટનાક્રમ વચ્ચે સાઉદી અરેબિયાએ અફઘાનિસ્તાન સાથે સીધો ઊર્જા કરાર કર્યો છે. 7 સપ્ટેમ્બરે તાલિબાનના નેતૃત્વ હેઠળના અફઘાન વહીવટીતંત્રએ કાબુલમાં સાઉદી એનર્જી કંપની ‘ડેલ્ટા ઇન્ટરનેશનલ’ સાથે કરાર કર્યો હતો. બંને પક્ષોએ પશ્ચિમી કુશક-તિરપુલ બેસિનમાં ઓઇલ અને ગેસની શોધખોળ માટે 25 વર્ષના આશરે 200 મિલિયન ડૉલરના કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. દાવા મુજબ, ભવિષ્યમાં આ કરારનું કુલ મૂલ્ય 50થી 60 અબજ ડૉલર સુધી પહોંચી શકે છે.
પાકિસ્તાનના જૂના દાવા સામે મોટો પડકાર
અફઘાનિસ્તાનમાં અમેરિકાના પૂર્વ રાજદૂત અને 2020ના દોહા કરારના મુખ્ય વાર્તાકારોમાંના એક ઝલમે ખલીલજાદની હાજરીમાં આ કરાર થયો હતો. આ ઘટનાને પાકિસ્તાન માટે રાજદ્વારી પડકાર તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે ઇસ્લામાબાદ અગાઉ અફઘાનિસ્તાનના બાહ્ય આર્થિક અને રાજદ્વારી સંબંધોમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનો દાવો કરતું રહ્યું છે. અગાઉ સાઉદી અરેબિયાએ પાકિસ્તાનમાં 20 અબજ ડૉલરના રોકાણની જાહેરાત કરી હતી, પરંતુ તે રોકાણ અપેક્ષા મુજબ સાકાર થયું ન હતું. હવે સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન સાથે સીધો ઊર્જા કરાર કરી રહ્યું છે. આ પગલાને કારણે પાકિસ્તાન અને ખાસ કરીને તેની સૈન્ય વ્યવસ્થાની પ્રાદેશિક ભૂમિકા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. જોકે, આ ઘટનાને ‘મક્કા પેક્ટ’ તૂટી ગયો હોવાના નિશ્ચિત પુરાવા તરીકે જોવાને બદલે સાઉદીની સ્વતંત્ર વિદેશ અને આર્થિક નીતિના સંકેત તરીકે જોવું વધુ યોગ્ય રહેશે.








