Saudi Arabia-Iran Unity: પશ્ચિમ એશિયામાં છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે અને પરિસ્થિતિ યુદ્ધસમાન બની રહી છે. વોશિંગ્ટન તરફથી ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવાની ખુલ્લી ચેતવણીઓ આપવામાં આવી રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અસ્થિરતા ફેલાઈ છે. આ વચ્ચે ઇસ્લામિક વિશ્વમાંથી એક એવો રાજકીય સંકેત સામે આવ્યો છે, જેણે વૈશ્વિક ભૂ-રાજકીય વિશ્લેષકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વર્ષોથી પરસ્પર કટ્ટર વિરોધી ગણાતા સાઉદી અરેબિયા અને ઈરાન હવે એક જ મંચ પર આવતાં હોય તેવો દૃશ્ય સર્જાઈ રહ્યો છે.
પોતાના એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં
સાઉદી અરેબિયાએ ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં ખાતરી આપી છે કે તે અમેરિકા કે અન્ય કોઈ પણ દેશને ઈરાન વિરુદ્ધ સૈન્ય હુમલો કરવા માટે પોતાની જમીન કે પોતાના એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં. આ નિર્ણયનો સીધો અર્થ એ થાય છે કે જો અમેરિકા ઈરાન પર હુમલો કરવાની યોજના બનાવે, તો તે સાઉદી અરેબિયામાં સ્થિત પોતાના સૈન્ય મથકો અથવા સાઉદીના એરસ્પેસનો ઉપયોગ કરી શકશે નહીં.
લક્ષ્ય ઈરાન પર હુમલો કરવાનું હોય
સાઉદી વિદેશ મંત્રાલયના સૂત્રોના હવાલાથી મળતી માહિતી અનુસાર, રિયાધે તેહરાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સાઉદી અરેબિયા ઈરાન વિરુદ્ધ કોઈ પણ સૈન્ય ગઠબંધનનો ભાગ બનશે નહીં. સૂત્રોએ જણાવ્યું હતું કે, “અમે અમારી હદોમાંથી એવા કોઈ પણ લડાકુ વિમાન કે સૈન્ય સાધનને પસાર થવા નહીં દઈએ, જેનું લક્ષ્ય ઈરાન પર હુમલો કરવાનું હોય.”
વર્ષોથી ચાલી આવતી વૈમનસ્યમાં ઘટાડા
આ નિર્ણયને પશ્ચિમ એશિયાના રાજકારણમાં અત્યંત મહત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવી રહ્યો છે. પ્રથમ, આ પગલું શિયા અને સુન્ની સમુદાય વચ્ચે વર્ષોથી ચાલી આવતી વૈમનસ્યમાં ઘટાડાનો સંકેત આપે છે. ઐતિહાસિક રીતે સાઉદી અરેબિયા (સુન્ની પ્રભાવિત) અને ઈરાન (શિયા નેતૃત્વ ધરાવતું) વચ્ચે ગંભીર મતભેદ રહ્યા છે. હાલનો વિકાસ ઇસ્લામિક દેશોમાં નવી એકતા અને સહકારની સંભાવના દર્શાવે છે.
અમેરિકાનું સૌથી નજીકનું અને વ્યૂહાત્મક સાથી
બીજું, આ નિર્ણય અમેરિકા માટે એક મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે. સાઉદી અરેબિયા લાંબા સમયથી અમેરિકાનું સૌથી નજીકનું અને વ્યૂહાત્મક સાથી રાષ્ટ્ર ગણાય છે. તેમ છતાં, ઈરાન મુદ્દે સાઉદીએ અમેરિકાથી અંતર રાખી તટસ્થ નહીં પરંતુ ઈરાનને અનુકૂળ સ્થિતિ લીધી હોય તેવું લાગી રહ્યું છે. આ સમગ્ર પરિસ્થિતિમાં પાકિસ્તાનની ભૂમિકા પણ ચર્ચાનો વિષય બની છે. ઇસ્લામિક એકતાની વાતો કરતું પાકિસ્તાન હાલ સુધી ઈરાનના સમર્થનમાં કોઈ સત્તાવાર નિવેદન આપતું નથી, જે તેની ચુપકીદી તરફ ઈશારો કરે છે.
સરકારની કડક કાર્યવાહીનો ઉલ્લેખ
તણાવનું મૂળ કારણ અમેરિકા દ્વારા ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને પ્રદર્શનકારીઓ સામે સરકારની કડક કાર્યવાહીનો ઉલ્લેખ કરીને કરવામાં આવેલી સૈન્ય હસ્તક્ષેપની ધમકીઓ છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને ઈરાને પહેલેથી જ પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે.
સાઉદી અરેબિયાએ ખુલ્લેઆમ સહકાર
મધ્ય-પૂર્વમાં અમેરિકાના અનેdક સૈન્ય મથકો સ્થિત છે, જેમાંથી કેટલાક સાઉદી અરેબિયામાં પણ આવેલા છે. હવે જ્યારે સાઉદી અરેબિયાએ ખુલ્લેઆમ સહકાર આપવા ઇનકાર કર્યો છે, ત્યારે ઈરાન વિરુદ્ધ કોઈ પણ સૈન્ય કાર્યવાહી કરવી અમેરિકા માટે વધુ જટિલ અને મુશ્કેલ બની શકે છે.








