Sanjeev Mukhiya Paper Leak Case: પેપર લીક માફિયા તરીકે કુખ્યાત અને અનેક વિવાદાસ્પદ ભરતી પરીક્ષાઓના કૌભાંડમાં આરોપી સંજીવ મુખિયાને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. આર્થિક અપરાધ એકમ (EOU) દ્વારા કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન સંજીવ મુખિયાએ કથિત રીતે NEET અને TRE-3 સહિત અનેક પરીક્ષાઓના પેપર લીક મામલે પોતાની સંડોવણી સ્વીકારી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પૂછપરછ દરમિયાન તેણે પેપર લીકના નેટવર્ક અને તેમાં પોતાની ભૂમિકા અંગે પણ અનેક મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હોવાની માહિતી સામે આવી છે. હવે આ ખુલાસાના આધારે તપાસ એજન્સી નેટવર્ક સાથે જોડાયેલી કડીઓ શોધવામાં લાગી છે.
કઈ-કઈ પરીક્ષાના પેપર લીકમાં સંડોવણી સ્વીકારી?
પટનામાં EOUની પૂછપરછ દરમિયાન સંજીવ મુખિયાએ અનેક ચર્ચિત ભરતી પરીક્ષાઓના પેપર લીક કેસમાં પોતાની ભૂમિકા સ્વીકારી હોવાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, તેણે 2017ના NEET પેપર લીક, 2023ની CSBC સિપાહી ભરતી પરીક્ષા પેપર લીક અને BPSC શિક્ષક ભરતી TRE-3 પેપર લીક મામલે પોતાની સંડોવણી કબૂલી છે. EOU હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે પેપર લીકનું સમગ્ર પ્લાનિંગ કેવી રીતે કરવામાં આવતું હતું, આ નેટવર્કમાં કોણ-કોણ સામેલ હતું અને લીક થયેલા પ્રશ્નપત્રો ઉમેદવારો સુધી કેવી રીતે પહોંચાડવામાં આવતા હતા.
કોણ છે સંજીવ મુખિયા અને ક્યારે થઈ હતી ધરપકડ?
સંજીવ મુખિયા મૂળ બિહારના નાલંદા જિલ્લાના નગરસૌનાનો રહેવાસી છે. તે નાલંદા કોલેજની નૂરસરાય બ્રાન્ચમાં ટેકનિકલ સહાયક તરીકે કામ કરતો હતો. તેના પર લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક કરવા અને સોલ્વર ગેંગ ચલાવવાનો આરોપ લાગતો આવ્યો છે. NEET-UG 2024 પેપર લીક કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ તે આશરે 11 મહિના સુધી પોલીસની પકડથી દૂર રહ્યો હતો. અંતે 24-25 મે 2025ની મધ્યરાત્રીએ પટનાના સગુના મોડ નજીક આવેલા એક એપાર્ટમેન્ટમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
NEET-UG 2024 કેસમાં CBIએ આપી હતી ક્લીન ચિટ
સંજીવ મુખિયા પર અનેક પરીક્ષાઓના પેપર લીક કરવાનો આરોપ છે, જો, કે જુલાઈ 2026માં CBIની તપાસમાં તેને NEET-UG 2024 પેપર લીક કેસમાં રાહત મળી હતી. CBIના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન એવું કોઈ પુરાવું મળ્યું નહોતું કે સંજીવ મુખિયાએ પ્રશ્નપત્ર ચોરી કરાવ્યું હોય અથવા તેને લીક કર્યું હોય. તપાસ એજન્સી અનુસાર, NEET-UG 2024 પેપર લીક કાવતરાનું કેન્દ્ર ઝારખંડના હજારીબાગમાં આવેલી ઓસિસ સ્કૂલ હતી. સુપ્રીમ કોર્ટ તેમજ CBIની ચાર્જશીટમાં પણ આ કેસમાં સંજીવ મુખિયાનું નામ સામેલ ન હોવાનું જણાવાયું હતું.








