Sinhgad Education Society Case: શિક્ષણ આપતી સંસ્થાઓ જ પોતાના શિક્ષકો અને કર્મચારીઓને વર્ષોથી પગાર ન ચૂકવે તો સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. મહારાષ્ટ્રના પુણેમાં આવેલી સિંહગઢ ટેક્નિકલ એજ્યુકેશન સોસાયટી (STES) અને તેની સાથે જોડાયેલી 44 શૈક્ષણિક સંસ્થાઓનો આવો જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓનો આઠ વર્ષથી વધુ સમયનો પગાર તથા નિવૃત્તિ સંબંધિત નાણાં બાકી હોવાનું સામે આવ્યું છે. આ બાકી રકમ ₹400 કરોડથી વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મામલાની ગંભીરતા જોતાં બોમ્બે હાઈકોર્ટે હવે CBI, ED અને આવકવેરા વિભાગને તપાસના આદેશ આપ્યા છે.
220થી વધુ અરજીઓ બાદ હાઈકોર્ટમાં ગંભીર સુનાવણી
આ મામલે પગાર અને અન્ય બાકી નાણાંની ચૂકવણી માટે શિક્ષકો તથા કર્મચારીઓએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ કેસમાં આશરે 220 રિટ અરજીઓ દાખલ કરવામાં આવી છે. 10 નવેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટની વિશેષ બેન્ચે આ અરજીઓ અને અગાઉના આદેશોના પાલન અંગે સુનાવણી કરી હતી. કોર્ટના અવલોકન મુજબ, 44 સંસ્થાઓ નિયમિત રીતે કાર્યરત હોવા છતાં કર્મચારીઓને વર્ષોથી પગાર અને નિવૃત્તિના નાણાં ન મળવા એ ગંભીર બાબત છે. કોર્ટે સંસ્થાના સંચાલકોના વલણ સામે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
દિવાળી પહેલાં ₹60.65 કરોડ ચૂકવવાનું વચન પણ તૂટ્યું
આ કેસમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મારુતિ નવલેએ 6 નવેમ્બરે કોર્ટ સમક્ષ ₹60.65 કરોડની રકમ કર્મચારીઓને ચૂકવવાની ખાતરી આપી હતી. આ રકમ દિવાળી પહેલાં એટલે કે 7 નવેમ્બર સુધીમાં ચૂકવવાની હતી. આ ખાતરીને કોર્ટે સત્તાવાર નિવેદન તરીકે સ્વીકારી હતી. જોકે, નિર્ધારિત સમયમર્યાદા વીતી જવા છતાં કર્મચારીઓને એક પણ રૂપિયો મળ્યો ન હોવાનું કોર્ટના આદેશમાં નોંધવામાં આવ્યું છે. આ બાબતને ગંભીરતાથી લેતાં કોર્ટે સંસ્થાના વલણ સામે સખત વલણ અપનાવ્યું હતું.
₹400 કરોડથી વધુનાં નાણાં ક્યાં ગયાં? કોર્ટનો સવાલ
હાઈકોર્ટે પોતાના અવલોકનમાં કહ્યું કે 44 જેટલી સંપૂર્ણ કાર્યરત શૈક્ષણિક સંસ્થાઓ પાસે કર્મચારીઓના પગાર ચૂકવવા માટે પણ નાણાં ન હોવાની વાત માનવી મુશ્કેલ છે. કોર્ટ સમક્ષ રજૂ થયેલી ટ્રસ્ટીઓની સંપત્તિની વિગતો અને આવકવેરા રિટર્નમાં કેટલીક બાબતો શંકાસ્પદ જણાઈ હતી. સંસ્થાઓનું ભંડોળ અન્ય વ્યવસાયોમાં વાળવામાં આવ્યું હોવાની અથવા નાણાંનો અન્ય રીતે ઉપયોગ થયો હોવાની શક્યતા પણ કોર્ટે વ્યક્ત કરી હતી. વિદેશમાં નાણાં મોકલવામાં આવ્યાં હોવાની શક્યતાને પણ નકારી શકાય નહીં તેમ કોર્ટે નોંધ્યું હતું. જોકે, આ તમામ બાબતો તપાસનો વિષય છે અને નાણાકીય ગેરરીતિના આરોપો હજી સાબિત થયા નથી.
CBI, ED અને આવકવેરા વિભાગ કરશે તપાસ
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે ત્રણ કેન્દ્રીય એજન્સીઓને તપાસ સોંપી છે. CBI સંસ્થાઓના સમગ્ર વહીવટ અને નાણાકીય વ્યવહારોની તપાસ કરશે. ED મની લોન્ડરિંગના પાસાંની તપાસ કરશે, જ્યારે આવકવેરા વિભાગ 44 સંસ્થાઓ અને તેમના ટ્રસ્ટીઓ દ્વારા દાખલ કરવામાં આવેલા આવકવેરા રિટર્નની ચકાસણી કરશે. આ ઉપરાંત સંસ્થાઓ અને ટ્રસ્ટીઓની જંગમ-જંગમ મિલકતો સાથે છેડછાડ ન થાય તે માટે અગાઉના પ્રતિબંધો યથાવત રાખવામાં આવ્યા છે. તેમના તમામ બેન્ક ખાતાં અને રોકાણો પણ ફ્રીઝ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
13 શિક્ષકોએ આપઘાત કર્યો હોવાનો કોર્ટમાં ઉલ્લેખ
આ સમગ્ર મામલામાં સૌથી દુઃખદ બાબત કર્મચારીઓની હાલત છે. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે પગાર ન મળવાને કારણે આશરે 13 કર્મચારીઓએ આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી છે. અનેક કર્મચારીઓ આર્થિક મુશ્કેલી અને જીવનજરૂરી ખર્ચની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કોર્ટના મતે, વર્ષો સુધી પગાર ન મળવાથી કર્મચારીઓની આજીવિકા પર ગંભીર અસર પડી છે. આ ઉપરાંત કર્મચારીઓના ભવિષ્ય અને તેમના પરિવારની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
ટ્રસ્ટીઓ સામે પણ કડક કાર્યવાહી, વિદ્યાર્થીઓના ભણતર માટે આદેશ
કોર્ટના આદેશ મુજબ, સંસ્થાના ટ્રસ્ટીઓ અને સંચાલકોને કોર્ટના અગાઉના આદેશના ઉલ્લંઘન બદલ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ટ્રસ્ટીઓને પાસપોર્ટ જમા કરાવવા અને તપાસમાં સહકાર આપવા પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ટ્રસ્ટીઓએ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી પુણેની હદ છોડવી નહીં અને દર અઠવાડિયે પોલીસ સમક્ષ હાજરી આપવી પડશે. બીજી તરફ, વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષણ વિભાગને સંસ્થાઓનો વહીવટ સંભાળવા અથવા વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં સમાવવા અંગે પગલાં લેવા આદેશ અપાયો છે.
19 નવેમ્બરે ફરી હાઈકોર્ટમાં સુનાવણી
હવે આ સમગ્ર મામલે તપાસ એજન્સીઓની કાર્યવાહી પર સૌની નજર રહેશે. હાઈકોર્ટે CBI, ED અને અન્ય સંબંધિત વિભાગોને તપાસ હાથ ધરી પ્રાથમિક અહેવાલ અથવા કાર્યવાહીનો અહેવાલ 19 નવેમ્બરે રજૂ કરવા જણાવ્યું છે. આ કેસમાં કર્મચારીઓના વર્ષોથી બાકી રહેલા પગારની ચૂકવણી ક્યારે થશે અને સંસ્થાઓના ભંડોળ અંગેની શંકાઓમાં શું બહાર આવશે તે આગામી સુનાવણીમાં મહત્ત્વનું રહેશે. શિક્ષણના નામે ચાલતી સંસ્થાઓના નાણાકીય વ્યવસ્થાપન સામે ઊભા થયેલા આ સવાલો હવે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે.








