S Jaishankar warning to Pakistan: વિદેશ મંત્રી એસ. જયશંકરે IIT મદ્રાસમાં પાકિસ્તાનને 'ખરાબ પાડોશી' ગણાવીને આતંકવાદના મુદ્દે કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જો કોઈ દેશ સતત આતંકવાદને પ્રોત્સાહન આપે છે, તો ભારતને પોતાના લોકોની સુરક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જયશંકરે 'ઓપરેશન સિંદૂર' નો ઉલ્લેખ કરીને સ્પષ્ટ કહ્યું કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે જરૂરી પગલાં લેતું રહેશે.
વિદેશ મંત્રીએ પાકિસ્તાનને 'ખરાબ પાડોશી' ગણાવ્યું
વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનને 'ખરાબ પાડોશી' ગણાવી આતંકવાદના મુદ્દે કડક ચેતવણી આપી છે. IIT મદ્રાસમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું કે, "જો કોઈ પાડોશી દેશ જાણી જોઈને અને સતત આતંકવાદને પ્રોત્સાહન આપતો રહે છે, તો ભારતને પોતાના લોકોની સુરક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને ભારત આ અધિકારનો ઉપયોગ કરશે. મદ્રાસ સ્થિત ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થામાં વિદ્યાર્થીઓને સંબોધતા મંત્રીએ કહ્યું કે, 'કોઈ પણ વ્યક્તિ અમને આદેશ આપી શકતું નથી કે, અમારે શું કરવું જોઈએ અથવા શું ન કરવું જોઈએ.'
ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં વિદેશ મંત્રીનું નિવેદન
હકીકતમાં, વિદેશ મંત્રી એસ. જયશંકરનું આ નિવેદન ગયા વર્ષના એપ્રિલમાં પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં હતું. આ ઓપરેશન દ્વારા ભારતે આતંકવાદ સામે પોતાના લોકોને સુરક્ષિત રાખવાનો અધિકાર વાપર્યો હતો અને પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં આવેલા આતંકી ઢાંચાઓને નિશાન બનાવ્યા હતા.
અમારા પાડોશી ખરાબ છે...
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, દુર્ભાગ્યવશ અમારા પાડોશીઓ સારા નથી. પશ્ચિમમાં આવેલા આપણા પાડોશી દેશને જોવો. જો કોઈ દેશ જાણી જોઈને, સતત અને કોઈ અફસોસ વિના આતંકવાદ ચાલુ રાખવાનો નિર્ણય કરે છે, તો ભારતને આતંકવાદ સામે પોતાના લોકોની સુરક્ષા કરવાનો અધિકાર છે. અને અમે આ અધિકારનો ઉપયોગ કરીશું.
જે કરવું પડશે તે કરીશું : જયશંકર
જયશંકરે જણાવ્યું કે, "અમે આ અધિકારનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, તે સંપૂર્ણપણે અમારી પર નિર્ભર છે. કોઈ અમને કહી શકતું નથી કે અમારે શું કરવું જોઈએ કે શું નહીં. આમારે સુરક્ષા માટે જે કરવું પડશે, તે અમે કરીશું."
આવી સમજૂતી શક્ય નથી
વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન સાથે 1960માં થયેલી સિંધુ જળ સંધિ અંગે પણ વાત કરી. તેમણે કહ્યું કે, ઘણા વર્ષો પહેલાં અમે પાણી વહેંચણી માટે સંમતિ આપી હતી, પરંતુ જ્યારે દાયકાઓ સુધી આતંકવાદ ચાલે છે ત્યારે સારા પડોશી હોવાનો કોઈ અર્થ રહેતો નથી. જ્યારે સારા પડોશી નથી રહેતા, ત્યારે તેના લાભો પણ મળતા નથી. તમે એવું કહી નહીં શકો કે "મહેરબાની કરીને અમારી સાથે પાણી વહેંચો, પરંતુ હું તમારા સામે આતંકવાદ ચાલુ રાખીશ." આવી સમજૂતી શક્ય નથી.
ભારતની મોટાભાગની સમસ્યાઓ પાકિસ્તાની સેનાથી છે...
ઉલ્લેખનીય છે કે ગયા મહિને વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે, ભારતની મોટાભાગની સમસ્યાઓ પાકિસ્તાની સેનાથી ઊભી થાય છે. જેમ સારા આતંકવાદી અને ખરાબ આતંકવાદી હોય છે, તેમ સારા સૈન્ય નેતાઓ પણ હોય છે અને કેટલાક સ્પષ્ટ રીતે એટલા સારા નથી. આ વાત પાકિસ્તાનના સેના પ્રમુખ ફીલ્ડ માર્શલ આસિમ મુનીરના સંદર્ભમાં જોવામાં આવી હતી.








